શેર બજાર

ટ્રમ્પના યુ ટર્ન સાથે સોનામાં દસ ગ્રામે રૂ. ૨૪૦૦નો જોરદાર કડાકો. ચાંદીમાં એક હજારનો ઉછાળો…

નિલેશ વાઘેલા
મુંબઇ
: અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પના યુ ટર્ન સાથે બુલિયન બજારમાં ઝડપી પીછેહઠ જોવા મળી હતી અને સોનામાં દસ ગ્રામે રૂ. ૨૪૦૦નો જોરદાર કડાકો નોંધાયો હતો. જોકે, નવેસરની લેવાલી વચ્ચે ચાંદીમાં કિલોએ રૂ. ૧૦૦૦થી મોટો ઉછાળો નોંધાયો હતો. નોંધવું રહ્યું કે ગુજરાત અને દિલ્હી સહિતના કેટલાક સેન્ટરમાં સોનાએ દસ ગ્રામે એક લાખ રૂપિયાની સપાટી વટાવી નાંખી હતી. જોકે, ટ્રમ્પએ ટેરિફવોરમાં હથિયાર હેઠાં મૂકવાના સંકેત આપ્યા બાદ ઇક્વિટી માર્કેટમાં તેજીને વેગ મળ્યો હતો જ્યારે બુલિયન બજારમાં ભાવ ઘટવા માંડ્યા હતા.

સ્થાનિક ઝવેરી બજારમાં
સ્થાનિક ઝવેરી બજારમાં ખૂલતા સત્રમાં ૯૯૯ ટચનું શુદ્ધ સોનું રૂ. ૯૮,૪૮૪ના પાછલા બંધ સામે ૧૦ ગ્રામે તીવ્ર ઘટાડા સાથે રૂ. ૯૬,૦૦૦ની સપાટી ગુમાવતું રૂ. ૯૫,૭૮૪ની સપાટીએ ખૂલ્યુ હતું. જોકે, સહેજ લેવાલીનો ટેકો મળતાં અંતે ૧૦ ગ્રામદીઠ રૂ. ૨,૩૯૯ના કડાકા સાથે રૂ. ૯૬,૦૮૫ની સપાટીએ બંધ રહ્યું હતું. એ જ રીતે, ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૯૮,૦૯૦ના પાછલા બંધ સામે દસ ગ્રામદીઠ રૂ. ૯૫,૫૦૦ની સપાટી ગુમાવીને રૂ. ૯૫,૪૦૦ના સ્તરે ખૂલ્યા બાદ સત્રને અંતે રૂ. ૨,૩૯૦ના જોરદાર ધબડકા સાથે રૂ. ૯૫,૭૦૦ની સપાટીએ સ્થિર થયું હતું.

જ્યારે નવેસરની ઓદ્યોગિક અને સટ્ટાકિય લેવાલીના ટેકા વચ્ચે .૯૯૯ ટચની હાજર ચાંદી રૂ. ૯૫,૬૦૭ની પાછલી બંધ સપાટી સામે સારા એવા ઉછાળા સાથે રૂ. ૯૫,૬૦૭ની સપાટીએ ખૂલી હતી. સત્રને અંતે ચાંદી રૂ. ૧૦૦૬ના ઉછાળા સાથે રૂ. ૯૬,૬૧૩ની સપાટીએ સ્થિર થઇ હતી. અમેરિકા અને ચીન વચ્ચેની ખેંચતાણ ઓછી થવાને કારણે સોનાનો ભાવ રેકોર્ડ તેજીથી અટક્યો હતો અને નવી દિલ્હી ખાતે રૂ. ૨,૪૦૦ ઘટીને રૂ. ૯૯,૨૦૦ પ્રતિ ૧૦ ગ્રામ બોલાયો હતો. નબળા વૈશ્ર્વિક વલણ વચ્ચે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ઐતિહાસિક એક લાખ રૂપિયાની ભાવસપાટીથી યુ ટર્ન લઇ રૂ. ૨,૪૦૦ના ઘટાડા સાથે રૂ. ૯૯,૨૦૦ પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ પહોંચ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button