કોસ્ટલ રોડનો બીજો અન્ડરપાસ મે મહિનામાં ખુલ્લો મૂકાશે

મુંબઈ: વરલી અને પ્રભાદેવીથી દક્ષિણ દિશામાં નરીમન પોઈન્ટ તરફ જતા ટ્રાફિકને વધુ સરળ બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ બનાવેલો નવો વેહીક્યુલર અંડરપાસ મે મહિનાની શરૂઆતમાં ખોલવામાં આવે એવી શક્યતા છે. મરીન ડ્રાઈવ અને પ્રિયદર્શની પાર્ક વચ્ચે બે કિલોમીટર લાંબી દરિયાની નીચે ટનલ ઉપરાંત હવે આ મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ હેઠળ આ બીજો અંડરગ્રાઉન્ડ રોડ હશે. આ અંડરપાસ શીવડી-વરલી કનેકટરને કોસ્ટલ રોડ સાથે જોડનારી સીધી લિંક બની રહેશે.
ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને વરલીમાં ૫૫૦ મીટર લાંબો અને ૧૧ મીટર પહોળો અંડરપાસ બનાવવામાં આવી રહ્યો છે. આ ટનલ ખાન અબ્દુલ ગફાર ખાન રોડ નીચે, વરલી સી ફેસમને સમાંતર રહેશે, જે જેકે કપૂર ચોક અને બિંદુ માધવ ઠાકરે ચોક નજીક બહાર નીકળશે. દક્ષિણ તરફ જતા ટ્રાફિક માટે ખાસ ડિઝાઈન કરવામાં આવેલો દાદર, પ્રભાદેવી અને વરલીથી કોસ્ટલ રોડ અને નરીમન પોઈન્ટ તરફ જતા વાહનો માટે ઝડપી રૂટ બની રહેશે. આ અંજરપાસ વરલી ઈન્ટરચેન્જ પાસે બે રોડને જોડશે, જેમાં એક બાન્દ્રા-વરલી સી લિંક અને બીજો રોડ મુંબઈ કોસ્ટલ રોડથી મરીન ડ્રાઈવ તરફ જશે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ અંડરપાસ શિવડી-વરલી કનેકટરથી આવતા વાહનોને કોસ્ટલ રોડ દ્વારા પશ્ર્ચિમ ઉપનગર અને દક્ષિણ મુંબઈ તરફ સરળતાથી પહોંચાડશે, જેનાથી મુસાફરીનો સમય બચશે. અંડરપાસનું કામ લગભ પૂરું થઈ ગયુું છે અને આગામી આઠથી દસ દિવસમાં વાહનવ્યહાર માટે તે ખુલ્લો મૂકાશે.
લગભગ ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલો ૧૦.૫૮ કિલોમીટરનો કોસ્ટલ રોડ પ્રોજેક્ટ મરીન ડ્રાઈવ પર પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી બાન્દ્રા-વરલી સી લિંક સુધી ફેલાયેલો છે. આ ઉપરાંત પ્રિયદર્શિની પાર્કથી વરલી સુધી જતો ૭.૫ કિલોમીટરનો મરીન ડ્રાઈવ પ્રકારનો પ્રોમેનેડ ટૂંક સમયમાં જ નાગરિકો માટે ખુલ્લો મૂકવાનો છે, જે જોગિંગ ટ્રેક, બેસવાની જગ્યા અને ગ્રીન ઝોન સાથે હશે.
આ પણ વાંચો…કોસ્ટલ રોડ માટે જમીનની ટેસ્ટિંગ: ચારકોપના રહેવાસીઓમાં ડરનો માહોલ…