મુંબઈમાં જૂનના પહેલા અઠવાડિયામાં વરસાદનું આગમન
સરેરાશ કરતા ૧૦૫ ટકા વરસાદ પડવાનો હવામાન ખાતાનો અંદાજ

મુંબઈ: આ વર્ષે નૈઋત્યનું ચોમાસું સમય પહેલા જ એટલે કે જૂનના પહેલા અઠવાડિયામાં જ મુંબઈમાં દાખલ થવાની શક્યતા હવામાનના નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. તેથી ગરમી અને ઉકળાટથી ત્રાસેલા મુંબઈગરાને રાહત મળી રહેશે.
નૈઋત્યનો મોસમી વરસાદ બંગાળના ઉપસાગરથી પ્રવાસ કરીને પહેલી જૂનની આસપાસ કેરળમાં દાખલ થાય છે. ત્યારબાદ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરથી આગલ જઈને તે પાંચ જૂન સુધીમાં કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર અને ઈશાનના રાજ્ય તરફ દાખલ થાય છે. ૧૦ જૂનના મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પશ્ર્ચિમ બંગાળ અને બિહાર સુધી પહોંચે છે.
કેરળમાં મોસમી વરસાદ દાખલ થયા બાદ તે સાધારણ રીતે છથી આઠ દિવસમાં મહારાષ્ટ્રમાં દાખલ થાય છે. આ દરમ્યાન હવામાનના નિષ્ણાતોના કહેવા મુજબ આ વર્ષે ોમસી વરસાદ મુંબઈમાં જૂનના પહેલા અઠવાડિયામાં દાખલ થવાની શક્યતા છે. સામાન્ય રીતે ૧૦ જૂન સુધી ચોમાસાનું આગમન મુંબઈમાં થતું હોય છે.
ભારતમાં નૈઋત્યના મોસમી પવનો પહેલા આંદામાન-નિકોબાર ટાપુ પર અને ત્યારબાદ કેરળમાં દાખલ થાય છે. ત્યાંથી તબક્કવાર મોસમી વરસાદ મહારાષ્ટ્ર અને દેશના જુદા જુદા હિસ્સામાં પહોંચે છે. સામાન્ય રીતે મે મહિનામાં જ રાજ્યમાં વરસાદ હાજરી પૂરાવતો હોય છે પણ તે મોસમી વરસાદ નહીં પણ ચોમાસાના આગમન પહેલા અથવા વાતાવરણમાં નિર્માણ થતી ગરમી, બફારા અને ભેજ જેવી પરિસ્થિતીને કારણે વરસાદના ઝાપટાં પડી જતા હોય છે.
ગયા વર્ષે મુંબઈમાં નવ જૂનના નૈઋત્યનું ચોમાસાનું આગમન મુંબઈમાં થયું હતું. જે હંમેશા કરતા એક વહેલું હતું. તો ૨૦૨૩માં ચોમાસું મોડું પડ્યું હતું અને તેનું આગમન છેક ૨૫ જૂનના થયું હતું. ૨૦૨૨માં ૧૧ જૂન, ૨૦૨૧માં નવ જૂન તો ૨૦૨૦માં ૧૪ જૂનના ચોમાસાનું આગમન થયું હતું.