ગેરકાયદે બાંધકામો તોડનાર અધિકારીઓની બદલી કેમ? પાલિકાના એન્જિનિયરો ભડક્યા

મુંબઈ: વિલે પાર્લેના જૈન દેરારસરના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની કામગીરી બાદ કે-પૂર્વ વોર્ડના આસિસટન્ટ કમિશનર નવનાથ ઘાડગેની બદલી કરવાનાં તાજેતરના નિર્ણયથી પાલિકાના અધિકારીઓમાં અસંતોષ ફેલાયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ છેલ્લા થોડા સમયમાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કર્યા બાદ ત્રણ અધિકારીઓની બદલી રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ એન્જિનિયર્સ અસોસિયેશને આ પગલાનો સખત વિરોધ કર્યો છે અને ચેતવણી આપી છે કે આ મુજબની રાજકીય પ્રેરિત બદલીઓ અધિકારીઓનું મનોબળ ઘટાડી શકે છે અને તેમને ગેરકાયદે બાંધકામ સામે પગલા લેતા રોકી શકે છે. યુનિયને એવી પણ દલીલ કરી છે કે પ્રશાસનો આ નિર્ણય ખતરનાક ઉદાહરણ પૂરું પાડી શકે છે અને કાયદાને નબળો પાડી શકે છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીએ એવો ખુલાસો કર્યો હતો કે ગયા વર્ષે જૂનમાં કે-પશ્ર્ચિમના વોર્ડ ઓફિસર પૃથ્વીરાજ ચવાણની વર્સોવામાં ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કર્યા પછી રાજકીય દબાણને કારણે બદલી કરવામાં આવી હતી. એવી જ રીતે ગયે મહિને એફ-ઉત્તર વોર્ડ ઓફિસર નીતિન શુકલાની માટુંગામાં ગેરકાયદે બાંધકામ સામે ડિમોલિશન ઝુંબેશ શરૂ કર્યા પછી તેમના કાર્યકાળના માત્ર ૫૦ દિવસમાં જ અચાનક તેમની બદલી કરવામાં આવી હતી. જો અમે કોર્ટના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ જઈને તો તે કોર્ટનું અવમાન ગણાય છે અને જો અમેે કોર્ટના આદેશનું પાલન કરીને બાંધકામ તોડી પાડીએ છે તો અમને સામાજિક બહિષ્કારનો અને અમુક જૂથ તરફથી વિરોધનો સામનો કરવો પડે છે. તાજેતરમાં કે-પૂર્વના વોર્ડ ઓફિસર નવનાથ ઘાડગેની ગેરકાયદે દેરાસર તોડી પાડવાનો કોર્ટના આદેશનું પાલન કરવા બદલ ઉતાવળે બદલી કરવામાં આવી હતી.
સીતાકામ કુંટે જયારે પાલિકાના કમિશનર હતા ત્યારે રાજ્ય સરકારે ગેરકાયદે બાંધકામો સામે લડત લડવા ૬૪ એક્ઝિક્યુટિવ એન્જિનિયરોની નિમણૂક કરી હતી. સમય જતા આ સંખ્યા ઘટાડીને ૨૪ કરવામાં આવી હતી. જે દરેક વોર્ડનું સંચાલન કરતા હતા. પરંતુ સ્થાનિક અને રાજકીય હસ્તક્ષેપને કારણે પાલિકાના પ્રયાસોમાં અવરોધ આવે છે અને કોર્ટ વારંવાર આ મુદ્દાને ઉકેલવામાં નિષ્ફળ જવા બદલ પ્રશાસનને ઠપકો આપે છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ એન્જિનિયર્સ અસોસિયેશના જનરલ સેક્રેટરી યશંવત ધુરીએ પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખીને પાલિકાના અધિકારી અને એન્જિનિયરોની સાથે મજબૂત રીતે સાથે ઊભા કરીને સમર્થન આપવાની માગણી કરી છે. પત્રમાં તેમણે લખ્યું છે કે પાલિકા પ્રશાસને રાજકીય દબાણના વશ થયા વિના પોતાની ફરજ બજાવતા અધિકારીઓ અને એન્જિનિયરોની પાછળ મજબૂતાઈથી ઊભા રહેવું આવશ્યક છે. અન્યથા પાલિકા અધિકારી અને એન્જિનિયરો ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવા માટે રસ બતાવશે નહીં.
આ પણ વાંચો…રાજ્યમાં કાયદાનું શાસન ચાલે છે કે બળનું? હાઈ કોર્ટે સિડકોની કાઢી ઝાટકણી