વિલે પાર્લેના દેરાસરને અધિકૃત કરવા કાયદાકીય બાબતોનો અભ્યાસ કરાશે: સુધરાઈ
ડિમોલીશન વખતે મૂર્તિની વિડંબના સહિતના મુદ્દે આજે લઘુમતી પંચમાં સુનાવણી

મુંબઈ: વિલે પાર્લે (પૂર્વ)ની કાંબળીવાડીમાં આવેલા શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરને તોડી પાડવા દરમ્યાન મહિલા શ્રાવકો સાથે ધક્કામુક્કી કરીને થયેલા ગેરવ્યહાર તથા ભગવાનની મૂર્તિની વિડંબના અને ધાર્મિક ગ્ંરથોના કરાયેલા અપમાનને લઈને આજે લઘુમતી પંચમાં સુનાવણી થવાની છે. તો પાલિકા પ્રશાસને દેરાસરને અધિકૃત કરવાને મુદ્દે કાયદાકીય બાબતનો અભ્યાસ કરીને આગળનાં પગલાં લેવાનું આશ્ર્વાસન આપ્યું હતું.
પાલિકા દ્વારા બુધવાર, ૧૬ એપ્રિલના વહેલી સવારે જૈન દેરાસરને તોડી પાડયા બાદ ચોતરફથી થયેલા વિરોધ બાદ પાલિકા પ્રશાસનને ઝૂકવું પડયું હતું અને બાંધકામ તોડી પાડવાનો આદેશ આપનારા કે-પૂર્વના વોર્ડ ઓફિસર નવનાથ ઘાડગેેની બદલી કરવી નાખવામાં આવી હતી. જોકે જૈન સમાજે આ દેરાસરને કાયદેસર કરવાની માગણી કરી છે તે મુદ્દે દેરાસરના ટ્રસ્ટી ગણે સોમવારે પાલિકાના ઉચ્ચ અધિકારી સાથે બેઠક કરી હતી, જેમાં પાલિકાએ કાયદાકીય બાબતનો અભ્યાસ કરીને નિયમ મુજબ તેને કાયદસેર કરી શકાય તે માટે સમય માંગ્યો હતો.
દેરાસરના ટ્રસ્ટી અનિલ શાહે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે સોમવારે પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશ્ર્વાસરાવ મોટે સાથે બેઠક થઈ હતી, જેમાં અમે પાલિકાના જ લીગલ ડિપાર્ટમેન્ટે અમને આ દેરાસર ૧૯૬૧-૬૨ પહેલાનું હોવાથી કાયદેસર ગણાય અને તેને તોડી પાડી શકાય નહીં એ મુજબનો અભિપ્રાય આપ્યો હતો તેનો દસ્તાવેજ બતાવ્યા હતા. તમામ દસ્તાવેજો અને અમારી સાથે ચર્ચા બાદ તેમણે અમને દેરાસરને કાયદેસરનું બનાવવા માટે કાયદાકીય બાબતનો અભ્યાસ કર્યા બાદ આગળના પગલા લેવામાં આવશે એવું આશ્ર્વાસન આપ્યું હતું.
વધુમાં અનિલ શાહે જણાવ્યું હતું કે આજે લઘુમતી પંચમાં પણ સુનાવણી થવાની છે. દેરાસરના બાંધકામ પર સ્ટે લાવવા માટે બુધવારે કોર્ટમાં સુનાવણી થવાની હોવાની રજૂઆત અમે પાલિકાના અધિકારીને જણાવી હતી, છતાં અમારી વાત પ્રત્યે દુર્લક્ષ કરીને દેરાસરને તોડી પાડયું હતું. અનેક મહિલા શ્રાવકો સાથે ધક્કામુક્કી કરવામાં આવી હતી, જેમાં અનેક મહિલાઓને માર લાગ્યો હતો. વરિષ્ઠ નાગરિકો પણ અડફેટમાં લેવામાં આવ્યા હતા. બે ભગવાની મૂર્તિઓ તોડી પાડવામાં આવી હતી. ધાર્મિક ગ્રંથ, આગમને, કપડાંઓ સહિત દેરાસરની દાનપેટી સહિત અનેક વસ્તુઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. તેથી તેમના વિરુદ્ધ લઘુમતી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી, તેના પર મંગળવારે સુનાવણી થવાની છે.
આ પણ વાંચો…વિલે પાર્લામાં દેરાસર તોડી પાડયા બાદ રવિવારે પૂજા કરવામાં આવેલી