પાટનગર દિલ્હીમાં PM મોદીને ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ મળ્યા, મુલાકાત અંગે વિવિધ અટકળો

નવી દિલ્હી: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખની વરણી તેમ જ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે મુખ્ય પ્રધાનની આ મુલાકાત ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે.
મંત્રી મંડળના વિસ્તરણની અટકળો
મળતી વિગતો અનુસાર ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડા પ્રધાન કાર્યાલયે આ મુલાકાતની માહિતી આપી હતી.
ગુજરાતના રાજકારણના વર્તમાન પ્રવાહોને જોતાં આ બેઠક ઘણી સૂચક માનવામાં આવી રહી છે. ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી તેમ જ મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાની વચ્ચે આ મુલાકાત થઈ હતી.
આપણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Budgetને આવકાર્યું, કહ્યું વિકસિત ગુજરાતનું બજેટ
પ્રદેશ પ્રમુખની વરણી પર મહોર મારશે?
ગુજરાતમાં પ્રદેશ ભાજપ પ્રમુખની વરણી પહેલાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન રાજ્યના વિવિધ વિકાસ કાર્યો ઉપરાંત પ્રદેશ પ્રમુખની વરણી અંગે પણ ચર્ચા થઈ હોવાની શક્યતા છે. વિકાસ કાર્યો સિવાય મુખ્ય પ્રધાને કઈ બાબતની લઈ ચર્ચા કરી હોવાની વિવિધ અટકળોએ જોર પકડ્યું છે.
આપણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત બાદ ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને વધાવ્યાં
પાટીલના અનુગામીની વરણી ક્યારે થશે
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જિલ્લા અને શહેર પ્રમુખોની જાહેરાત થઈ ગઈ છે. જો કે હજુ પણ પ્રદેશ ભાજપ પ્રમુખની વરણી થઈ નથી. ગુજરાતના રાજકીય વર્તુળોમાં છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે અંગે અટકણોનું બજાર ગરમ છે.
હોળી બાદ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થશે અને ગણતરીના દિવસોમાં જ સીઆર પાટીલના અનુગામીની પસંદગી થઈ જશે તેવી શક્યતા હતી, પરંતુ હજુ સુધી પ્રદેશ પ્રમુખની વરણી થઈ શકી નથી.