વિધાનસભ્યના નામે તેમના પરિચિત પાસેથી નાણાં માગનારા વિરુદ્ધ ગુનો

મુંબઈ: ભાજપના વિધાનસભ્ય અમિત સાટમની ઑફિસના કર્મચારીના સ્વાંગમાં અજાણ્યા શખસે વિધાનસભ્યના પરિચિત પાસેથી ‘શૈક્ષણિક સહાય’ તરીકે નાણાં માગ્યાં હોવાનું પ્રકાશમાં આવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ પ્રકરણે ચૈતન્ય નાઈકે નોંધાવેલી ફરિયાદને આધારે જૂહુ પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ એફઆઈઆર નોંધ્યો હતો.
અંધેરી પશ્ર્ચિમના વિધાનસભ્ય સાટમના પરિચિત ચૈતન્ય નાઈકને ગયા સપ્તાહે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. કૉલ કરનારા શખસે પોતાની ઓળખ ‘સેહગલ’ તરીકે આપી હતી. પોતે વિધાનસભ્યની ઑફિસનો કર્મચારી હોવાનો દાવો શખસે કર્યો હતો.
આપણ વાંચો: બળજબરીપૂર્વક રંગ લગાવવાનો વીડિયો વાઈરલ, ગુનો નોંધીને પોલીસે કરી કાર્યવાહી
કૉલ કરનારા શખસે બાદમાં નાઈકને મેસેજ મોકલાવીને શૈક્ષણિક સહાય તરીકે પચીસ હજાર રૂપિયાની માગણી કરી હતી.
નાઈકને શંકા જતાં તેણે સાટમને ફોન કરી આ બાબતે જાણ કરી હતી.
સાટમ સાથેની વાતચીત પછી કોઈ છેતરપિંડીનો પ્રયાસ કરી રહ્યું હોવાની નાઈકના ધ્યાનમાં આવ્યું હતું. પરિણામે નાઈકે જૂહુ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફોન નંબરને આધારે આરોપીની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. (પીટીઆઈ)