ભૂસ્ખલનને લીધે જમ્મુ-કાશ્મીરમાં ગુજરાતી પ્રવાસીઓ ફસાયા

અમદાવાદ: જમ્મુ-કાશ્મીરમાં થયેલા ભૂસ્ખલનને લીધે ઘણા ગુજરાતી પ્રવાસી ફસાયા હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ 50 કરતા વધારે પ્રવાસી ભરેલી બસ જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં ફસાયેલી હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી 30 મુસાફરો ગાંધીનગર અને 20 પાલનપુરના છે. પ્રાથમિક માહિતી મુજબ તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ભૂસ્ખલન બાદ અનેક વાહનો ફસાયા છે જેમાં ગુજરાતની એક બસ ફસાઈ ગઈ છે. બસના મુસાફરો શ્રીનગરથી પરત ફરી રહ્યા હતા ત્યારે ખરાબ હવામાનના કારણે બસ રામબન જિલ્લામાં અટવાઈ ગઈ છે. બનાસકાંઠાના કલેક્ટર દ્વારા રામબનના કલેક્ટર અને બસમાં હાજર મુસાફર સાથે સીધી વાતચીત કરવામાં આવી છે. રામબન જિલ્લા પ્રશાસનની ટીમ બચાવ કામગીરી માટે સ્થળ પર પહોંચી રહી છે. કૉંગ્રેસના વિધાનસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી હતી અને તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું .
સૂત્રોએ જણાવ્યા મુજબ રામબન જિલ્લાના બનિહાલ વિસ્તારમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. આ કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે. સેંકડો વાહનો ફસાયેલા છે.
ભૂસ્ખલનના કેટલાક વીડિયો પ્રકાશ આવ્યા છે, જેમાં પર્વત પરથી કાટમાળ પડતો જોઈ શકાય છે. કેટલાક વિસ્તારોમાં, પર્વતનો કાટમાળ રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયો છે. એક વીડિયોમાં, ત્રણ-ચાર ટેન્કર અને કેટલાક અન્ય વાહનો કાટમાળ નીચે સંપૂર્ણપણે દટાયેલા જોવા મળે છે.