મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસે પિંક ઈ-રિક્ષામાં કરી મુસાફરી, જાણો કારણ?

નાગપુરઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ ગુલાબી રંગની ઇ-રિક્ષામાં મુસાફરી કરતા જોવા મળે છે. તેમની સાથે ઈ-રિક્ષામાં મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરે અને રાજ્ય મંત્રી મેઘના સાકોર બોર્ડીકર હતા. હવે તમારા મનમાં એવો વિચાર આવ્યો હશે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શા માટે મુસાફરી કરી તો વિગત વાત કરીએ.
2,000 પિંક રિક્ષાનું વિતરણ કરાશે
વાત એમ હતી કે, રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નાગપુરના આયોજન ભવનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં, પિંક ઇ-રિક્ષા યોજના હેઠળ 50 પાત્ર મહિલા લાભાર્થીઓને પિંક ઇ-રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલાઓને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ્યથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવી રહેલી મહત્વાકાંક્ષી પિંક ઇ-રિક્ષા યોજના હેઠળ નાગપુર જિલ્લામાં 2000 ગુલાબી ઇ-રિક્ષાઓનું વિતરણ કરવામાં આવશે.
આ પણ વાંચો: મહિલા રોજગારને પ્રોત્સાહન આપવા ‘પિંક રિક્ષા’
હાલમાં 50 મહિલાને વિતરણ કર્યું છે
આ યોજના માટે 20થી 50 વર્ષની વયની ઇચ્છુક મહિલાઓ તરફથી 2040 અરજીઓ મળી છે, જેમાંથી જિલ્લા કલેક્ટર ડૉ. ઇતનકરના અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ 1032 લાભાર્થીઓને મંજૂરી આપી છે. આમાંથી, 50 પાત્ર લાભાર્થી મહિલાઓને ગુલાબી ઇ-રિક્ષાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
સરકાર મહિલા સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ
આ પ્રસંગે મુખ્યપ્રધાન ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે અને આ કાર્ય વિવિધ યોજનાઓ દ્વારા અસરકારક રીતે કરવામાં આવી રહ્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગે મહત્વાકાંક્ષી પિંક ઇ-રિક્ષા યોજના દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને રોજગાર પૂરો પાડ્યો છે. આ યોજના રાજ્યના આઠ જિલ્લાઓમાં લાગુ કરવામાં આવી રહી છે અને પ્રથમ તબક્કામાં આગામી છ મહિનામાં પાંચ હજાર રિક્ષાઓનું વિતરણ કરવાનો લક્ષ્યાંક છે.
આ પણ વાંચો: પિંક ઓટોની મિશન મંગલમ યોજનાની સબસિડી કોણ જમી ગયું?
એરપોર્ટ-પર્યટન સ્થળે ઈ-રિક્ષા તહેનાત કરાશે
આ મહિલાઓને ઓછામાં ઓછા દસ દિવસની તાલીમ આપવામાં આવી છે. તેમને પાંચ વર્ષ માટે રિક્ષાની જાળવણી અને ચાર્જિંગ સુવિધાઓ આપવામાં આવી છે. મહામેટ્રો સાથેના કરારને કારણે, આ મહિલાઓને ફીડર સેવા હેઠળ ઇ-રિક્ષા સેવા પૂરી પાડવામાં આવશે અને તેમને રોજગાર પણ મળશે. તેમણે કહ્યું કે નજીકના ભવિષ્યમાં એરપોર્ટ અને પર્યટન સ્થળોએ ગુલાબી ઇ-રિક્ષા સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ફડણવીસ સાથે મહિલા-બાળ વિકાસ મંત્રી રહ્યા
આ પ્રસંગે મુખ્ય પ્રધાને 11 પાત્ર મહિલા લાભાર્થીઓને ઈ-રિક્ષાની ચાવીઓનું વિતરણ કર્યું. કાર્યક્રમ પછી, મુખ્યમંત્રીએ મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરે અને રાજ્ય મંત્રી મેઘના સાકોર બોર્ડીકર સાથે પિંક ઇ-રિક્ષામાં મુસાફરી કરી હતી. આ યોજના હેઠળ મહારાષ્ટ્ર સરકાર પુણે, નાશિક, નાગપુર, અહિલ્યાનગર, અમરાવતી, સંભાજીનગર, સોલાપુર અને કોલ્હાપુર જિલ્લાઓમાં રસ ધરાવતી મહિલાઓને રિક્ષા ખરીદવા અને તેમને ઈ-રિક્ષા ચલાવવાની સુવિધાઓ પૂરી પાડવા માટે નાણાકીય સહાય પૂરી પાડશે.