આમચી મુંબઈ

વિલે પાર્લામાં દેરાસર તોડી પાડયા બાદ રવિવારે પૂજા કરવામાં આવેલી

દેરાસરના તોડી પાડવામાં બાંધકામ પર પર શેડ બાંધવાની ટ્રસ્ટે માગી મંજૂરી આજે પાલિકા કમિશનરની સમક્ષ પ્લાન મંજૂર કરવાની ટ્રસ્ટીગણ કરશે માગણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
વિલે પાર્લે (પૂર્વ)ની કાંબળીવાડીમાં આવેલા શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરને પાલિકા દ્વારા તોડી પાડયા બાદ બાદ રવિવારે પહેલી વખત અહીં વિધિ-વિધાન સાથે ભગવાનની પૂજા કરવામાં આવી હતી.

ટ્રસ્ટીગણે પાલિકા સમક્ષ તૂટી પડેલા દેરાસરના હિસ્સા પર શેડ બાંધવાની મંજૂરી માગી છે. તેમ જ ૯૦ વર્ષ જૂના દેરાસરને કાયદેસરનું બનાવવા માટે સબમીટ કરેલા પ્લાનને મંજૂર કરવાની માગણી સાથે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીની આજે મુલાકાત લેવાનું પણ ટ્રસ્ટીગણે આયોજન કર્યું છે.

આપણ વાંચો: મુંબઈમાં જૈન દેરાસર તોડી પાડ્યાના વિરોધમાં જૈનો મોટી સંખ્યામાં આવ્યાઃ ઠાકરેએ કરી ટ્વીટ…

પાલિકાના કે-પૂર્વ વોર્ડ દ્વારા ૧૬ એપ્રિલ, ૨૦૨૫ બુધવારના શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન મંદિરને ગેરકાયદે હોવાનું કહીને તોડી પાડવામાં આવ્યા બાદ જૈન સમાજમાં આક્રોશ ફેલાઈ ગયો હતો. શનિવારે વિલે પાર્લેથી અંધેરી પાલિકાની ઓફિસ સુધી રેલીનું આયોજન કર્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં જૈનો જોડાયા હતા.

જૈનોના વિરોધને પગલે અને તેમની ભાવનાને ધ્યાનમાં રાખીને તેમની માગણી બાદ પાલિકાએ કે-પૂર્વના વોર્ડ ઓફિસર નવનાથ ઘાડગેેને હટાવી દેવામાં આવ્યા હતા.

તેમ જ દેરાસરના તોડી પાડવામાં બાંધકામના કાટમાળને પણ પાલિકાએ શનિવારે હટાવી દીધો હતો. કાટમાળ હટાવીને જગ્યા સાફ કર્યા પછી રવિવારે પહેલી વખત દેરાસરમાં ભગવાનની પૂજા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રાવકો જોડાયા હતા.

આપણ વાંચો: વિલે પાર્લેમાંના જૈનોનો આક્રોશ:અમુક લોકોને ઈશારે અમારું દેરાસર તોડાયું

તોડી પાડવામાં આવેલા દેરાસરના બાંધકામને ફરી બાંધી આપવાની માગણી જૈન સમાજ દ્વારા કરવામાં આવી છે. જોકે હાલ આ મામલો કોર્ટમાં છે, તેથી જયાં સુધી સુનાવણી થઈને કોર્ટ આદેશ આપે નહીં ત્યાં સુધી અહીં કાયદાકીય રીતે બાંધકામ કરવું મુશ્કેલ છે. તેથી તાત્પૂરતા સમય માટે ટ્રસ્ટીગણે અહીં શેડ બાંધી શકાય તે માટે પ્રયાસ કર્યા છે.

દેરાસરના ટ્રસ્ટી અનિલ શાહે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે દેરાસરનો લગભગ ૭૦ ટકા હિસ્સો તોડી પાડવામાં આવ્યો છે. દરવાજાથી લઈને બારી બધુ તોડી પાડવામાં આવ્યું છે.

અહીં સવાર-સાંજ શ્રાવકો પૂજા માટે આવતા હોય છે. ખુલ્લામાં અહીં પૂજા કરવી શકય નથી. તેથી અમે કે-પૂર્વ વોર્ડ પાસે અહીં ૨,૦૦૦ સ્કવેર ફૂટનો શેડ બાંધવાની લેખિતમાં પત્ર આપીને મંજૂરી માગવાના છીએ.

આપણ વાંચો: ભૂલ થઈ ગઈ હોવાનું ખુદ જૈનાચાર્યે જ કબૂલેલું

વધુમાં માહિતી આપતા અનિલ શાહે જણાવ્યું હતું કે કાયદકીય અડચણને પગલે પાક્કુ બાંધકામ કરવું તો હાલ શક્ય નથી. ચોમાસું નજીક છે, તેથી શેડ તો તાત્પૂરતું બાંધવું આવશ્યક રહેશે. એક વખત મંજૂરી મળે પછી તેને નાખી દઈશું.

તેમ જ હાલ આ મેટર પણ સુપ્રીમ કોર્ટમાં છે તેથી આદેશની રાહ જોઈ રહ્યા છે. એ ઉપરાંત સોમવારે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીની મુલાકાત લઈને અગાઉ દેરાસરને કાયદેસરનું બનાવવા માટે સબમીટ કરેલા પ્લાનને મંજૂર કરવાની વિનંતી પણ કરવાના છે.

દેરાસરને કાયદેસર બનાવવા માટેનો પ્લાન વર્ષો પહેલા જ પાલિકા સમક્ષ રાખવામાં આવ્યો છે. જો કમિશનર દ્વારા પ્લાનને મંજૂરી આપવામાં આવે તો કાયદાકીય રીતે વધુ સરળ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button