શેર બજાર

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનો ઉત્સાહ વધ્યો, ગત સપ્તાહે કર્યું આટલા કરોડનું રોકાણ

મુંબઈ : ભારતીય શેરબજારમાં ગત સપ્તાહે તેજી જોવા મળી. જેમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 6 ટકાનો વધારો નોંધાયો છે. જેમાં વિદેશી રોકાણકારોની ભૂમિકા મહત્વની છે. મળતી માહિતી મુજબ ગયા અઠવાડિયે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એ સ્થાનિક શેરબજારમાં લગભગ રૂ. 8,500 કરોડનું રોકાણ કર્યું હતું. આ મહિનાની શરૂઆતમાં વેચવાલી પછી રોકાણના સેન્ટિમેન્ટમાં સકારાત્મક ફેરફાર સૂચવે છે. ટેરિફ વોરનો અંત આવવાની આશા અને ભારતની મજબૂત અર્થવ્યવસ્થાએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે.

બે ટ્રેડિંગ સત્રોમાં એફપીઆઈએ 10,824 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું.

ડિપોઝિટરી ડેટા અનુસાર, 18 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં એફપીઆઈ(FPI)એ ભારતીય શેરબજારમાં 8,472 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું હતું. 15 એપ્રિલના રોજ 2352 કરોડનો ઉપાડ કર્યો. પરંતુ આગામી બે ટ્રેડિંગ સત્રોમાં એફપીઆઈએ 10,824 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું.

રોકાણ ભાવનામાં સુધારો થઈ રહ્યો છે

નિષ્ણાતોના મતે એફપીઆઈ પ્રવૃત્તિમાં તાજેતરનો ઉછાળો દર્શાવે છે કે રોકાણની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. જોકે, આ પ્રવાહની ટકાઉપણું મુખ્યત્વે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, યુએસ વેપાર નીતિઓ અને ભારતના આર્થિક વિકાસ પર આધારિત રહેશે. ગયા અઠવાડિયે 15 થી 17 એપ્રિલ સુધી બજારો ફક્ત ત્રણ દિવસ માટે ખુલ્લા હતા. મંગળવાર, બુધવાર અને ગુરુવાર. સોમવારે આંબેડકર જયંતિ અને શુક્રવારે ગુડ ફ્રાઈડેના કારણે બજારો બંધ રહ્યા હતા.

આ પણ વાંચો: ભારતીય શેરબજારમાં જોવા મળી તેજી , જાણો આગામી સપ્તાહે કેવું રહેશે બજાર

એપ્રિલમાં અત્યાર સુધીની સ્થિતિ

એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં એફપીઆઈએ કુલ રૂ. 23,103 કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો છે. આ સાથે, વર્ષ 2025 ની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ એફપીઆઈ ઉપાડ રૂ. 1.4 લાખ કરોડ પર પહોંચી ગયો છે. જ્યારે એપ્રિલના પ્રથમ ભાગમાં અમેરિકા દ્વારા અનેક દેશો પર લાદવામાં આવેલા ટેરિફના પ્રતિભાવમાં એફપીઆઈ દ્વારા આક્રમક વેચાણ જોવા મળ્યું હતું. જોકે, ભારતની આર્થિક મજબૂતાઈ, વૈશ્વિક વેપારમાં સુધારો અને શેરબજારમાં તાજેતરના સુધારાને કારણે એફપીઆઈ ફરી ભારતીય બજાર તરફ વળ્યું છે.

ભારતનો વિકાસ દર 2025-26માં છ ટકા રહેવાનો અંદાજ

નિષ્ણાતોના મતે ડોલર ઇન્ડેક્સમાં ઘટાડા અને ડોલરની નબળાઈને કારણે, એફપીઆઈ અમેરિકાથી દૂર જઈ રહ્યા છે અને ભારત જેવા ઉભરતા બજારો તરફ વળી રહ્યા છે. આ વર્ષે અમેરિકા અને ચીન બંનેનો વિકાસ દર ધીમો રહેવાની ધારણા છે.જ્યારે ભારતનો વિકાસ દર 2025-26માં છ ટકા રહેવાનો અંદાજ છે. શેરબજાર માટે આ એક સકારાત્મક સંકેત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button