નેશનલ

જમ્મુ કાશ્મીરના રામબનમાં વાદળ ફાટ્યું અને સ્થળોએ ભૂસ્ખલન, ત્રણ લોકોના મોત

નવી દિલ્હી : સમગ્ર દેશ એક તરફ જયારે ગરમીનો સામનો કરી રહ્યો છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં બદલાયેલા હવામાને જનજીવનનને વ્યાપક અસર કરી છે. જમ્મુ કાશ્મીરમાં શનિવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદથી લોકોની મુશ્કેલી વધી છે. જેના પગલે રોડ અને ખીણ વિસ્તારમાં પાણી વહી રહ્યું છે. જ્યારે રામબનમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનના અહેવાલો પ્રકાશમાં આવ્યા છે.

100 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા

જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં વાદળ ફાટવાથી ત્રણ લોકોના મોત થયા છે અને 100 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. શનિવાર રાતથી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. રામબન જિલ્લામાં વાદળ ફાટવા અને અચાનક પૂર જેવી પરિસ્થિતિને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. બે હોટલ, દુકાનો અને કેટલાક ઘરોને નુકસાન થયું હતું. જમીન ધસી પડવાના કારણે ઘણી જગ્યાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે.

વીજળી પડવાથી બે લોકોના મોત

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા છે. શનિવારે સાંજે રિયાસી જિલ્લાના અર્નાસ તહસીલમાં દુગ્ગા નજીક ચાંટુ ગલીમાં વાદળ ફાટ્યું હતું અને આ દરમિયાન આકાશમાંથી વીજળી પણ ત્રાટકવા લાગી હતી.

ઘાયલ મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી

આ ઘટનામાં 60 વર્ષીય અબ્દુલ રશીદ અને 25 વર્ષીય શહનાઝ બેગમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બંને રિયાસીના ભોમાગ તાલુકાના લામસોરા ગામના રહેવાસી હતા. આ ઘટનામાં ગુલઝાર બેગમ નામની બીજી મહિલા ઘાયલ થઈ હતી. તે પણ લામસોરા ગામની રહેવાસી છે. અધિકારીએ જણાવ્યું કે ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં આવ્યો 5.8 ની તીવ્રતાનો ભૂકંપ, આંચકા અનુભવાતા લોકોમાં અફરાતફરીનો માહોલ

40 બકરા અને ઘેટાંના પણ મોત થયા

વાદળ ફાટવાથી વીજળી પડવાથી 40 બકરા અને ઘેટાંના પણ મોત થયા હતા. વાદળ ફાટ્યા પછી આખો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો. રિયાસી જિલ્લામાં ઘણી જગ્યાએ જમીન ધસી પડવાની ઘટના પણ બની છે. જેના કારણે રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ જોવા મળે છે.

90 લોકોને ધરમકુંડ પોલીસે સુરક્ષિત રીતે બચાવી લીધા

ભારે વરસાદને કારણે નાળામાં પાણીનું સ્તર વધી ગયું અને અચાનક પૂર આવ્યું. ચેનાબ પુલ ધરમ કુંડ પાસેના એક ગામમાં પૂરનું પાણી ઘૂસી ગયું. વાદળ ફાટવાથી દસ ઘર સંપૂર્ણપણે નુકસાન પામ્યા હતા. 25 થી 30 ઘરોને આંશિક નુકસાન થયું છે. આ વિસ્તારમાં ફસાયેલા લગભગ 90 લોકોને ધરમકુંડ પોલીસે સુરક્ષિત રીતે બચાવી લીધા છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘણી જગ્યાએ રસ્તો બંધ

ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘણી જગ્યાએ રસ્તો બંધ થઈ ગયો છે. આખા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત, એસએસજી રોડ/મુઘલ રોડ/સિંથન રોડ પણ બંધ છે. મુસાફરોને હવામાન સુધરવા અને રસ્તાઓ સાફ ન થાય ત્યાં સુધી મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button