ઉત્સવ

ફોકસ : વારંવાર કાંચળી બદલતી ઝીંગા માછલી

કે. પી. સિંહ

ઝીંગા માછલી હકીકતમાં માછલી નથી. તે તાજા પાણીની નદીઓ અને તળાવોમાં મળી આવતું ક્રસ્ટેશિયન છે. જેને અંગ્રેજીમાં ક્રે ફિશ કહેવામાં આવે છે. તે જે પાણીમાં ચૂનાની માત્રા હોય ત્યાં જોવા મળે છે.

ઝીંગા માછલી સમશીતોષ્ણ પ્રદેશમાં જોવા મળે છે. તે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, દક્ષિણ અમેરિકા, ન્યુ ગિની, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરેમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. ઝીંગા માછલી એટલે કે લોબસ્ટર આફ્રિકમાં જોવા મળતું નથી, પરંતુ માડાગાસ્કરમાં જોવા મળે છે. આ જ રીતે તે એશિયાના મોટા ભાગોમાં જોવા મળતું નથી, પરંતુ કોરિયા અને જાપાનના ઉત્તરીય ટાપુઓમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ઝીંગા માછલીની કેટલીક પ્રજાતિઓ એવી છે જેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઇ શકાય છે અને પાળી શકાય છે. ઉદાહરણ તરીકે ફ્રાન્સની ઝીંગા માછલી ‘રેડ ક્લો’ નું ઇંગ્લેન્ડની થેમ્સ નદીમાં સફળતાપૂર્વક સંવર્ધન કરવામાં આવે છે. એ જ રીતે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની ઝીંગા માછલી જર્મનીમાં ઉછરી રહી છે.

ઝીંગા માછલીની લગભગ 500 પ્રજાતિઓ અને પેટા જાતિઓ છે. જેમાં શરીરની રચના, કદ અને આદતોમાં થોડો ઘણો તફાવત હોય છે. લોબસ્ટર ઊંચા તાપમાનને સહન કરી શકતા નથી. તે બપોરના સમયે પાણીની અંદર હોય કે બહાર હોય છાયામાં જતા રહે છે. લોબસ્ટર શિયાળામાં નદીના કિનારે જમીનમાં ઊંડું દર બનાવે છે. કેટલીક પ્રજાતિઓ આખું વર્ષ દર બનાવે છે અને જમીન પર રહે છે.

લોબસ્ટરની શારીરિક રચના ખૂબ જ વિચિત્ર હોય છે. સામાન્ય રીતે તેની લંબાઇ 10 સેન્ટિમીટર કે તેથી વધુ હોય છે, પરંતુ કેટલીક પ્રજાતિની ઝીંગા માછલીઓ ખૂબ મોટી તેમ જ ભારે હોય છે. વિશ્વની સૌથી મોટી ઝીંગા માછલી તાસ્માનિયામાં મળી આવે છે.

એસ્ટેકાપ્સિસ ફ્રેંકલિની નામના આ લોબસ્ટરનું વજન 4 થી 5 કિલોગ્રામ હોય છે. ઝીંગા માછલીનો રંગ રેતાળ પીળો, લીલો અથવા ઘેરો બદામી હોય છે. તેના શરીરમાં ચાર મુખ્ય ભાગો હોય છે- માથું, છાતી, પેટ અને પૂંછડી. ઝીંગા માછલીનું માથું અને છાતી એક આવરણથી ઢંકાયેલા હોય છે. આ આવરણનો આગળનો ભાગ અણિયાળો હોય છે. ઝીંગા માછલીને બે સંયોજન આંખો હોય છે અને માથાના આગળના ભાગમાં ચાર એન્ટેના હોય છે. આ સાથે એક જોડી લાંબા એન્ટેનાની હોય છે, જે સ્પર્શેન્દ્રિયનું કામ કરે છે.

આ પણ વાંચો:ફોકસ : હવે ડિજિટલ ગુનેગારોનો ખાતમો બોલાવશે સાયબર કમાન્ડો…

ઝીંગા માછલીના એક જોડી મજબૂત અને બે જોડી નબળા જડબા હોય છે. આ જડબાને મેક્સિલે કહેવામાં આવે છે. તેને નવ જોડી પગ હોય છે. જેમાં નર ઝીંગા માછલીના પગની એક જોડી તિરાડોવાળી હોય છે અને પ્રજનન અંગ તરીકે કાર્ય કરે છે. પેટના બાકીના ચાર જોડી પગ તરવા માટે કામ આવે છે. શરીરના છેડે એક મોટી પાંખ જેવી પૂંછડી હોય છે. તેની પૂછડી ખૂબ જ અનોખી હોય છે. તેની મદદથી તે શત્રુથી બચવા માટે ઝડપથી પાછળના ભાગે તરી શકે છે.

ઝીંગા માછલીનો મુખ્ય ખોરાક પાણીના નાના નાના જીવો છે. કેટલીક માછલીઓ જળચર છોડ ખાય છે. તેની શિકારની પદ્ધતિ પણ રસપ્રદ હોય છે. તે તેના શિકારને પગના આગળના ભાગથી પકડે છે અને પછી તેના ટુકડા કરી નાખે છે. ઝીંગા માછલીના માથા પર રહેલા દરેક એન્ટેનાના આધાર પર એક મળદ્વાર હોય છે, જેના દ્વારા પાણી સાથે મળ પણ બહાર કાઢવામાં આવે છે.

સમાગમ અને પ્રજનન
નર અને માદા લોબસ્ટરની શારીરિક રચના અલગ-અલગ હોય છે અને બંને અર્ધ-આંતરિક સમાગમ કરે છે. તેનો સમાગમ કાળ સપ્ટેમ્બરથી શરૂ થાય છે અને ઓક્ટોબરના અંત સુધી ચાલે છે. નરની છાતી પર પગની એક જોડી પ્રજનન અંગ તરીકે કાર્ય કરે છે. તે સમાગમ દરમિયાન માદાને ઊંધું કરે છે અને તેના પેટ પર શુક્રાણુ મુક્ત કરે છે. જ્યાં તે ચોંટી જાય છે. માદા ઝીંગા માછલી શુક્રાણુ લઇને તેના દરમાં ચાલી જાય છે અને ત્યાં લગભગ 100 ઇંડા મૂકે છે. આ ઇંડા શુક્રાણુના સંપર્કમાં આવીને ફળદ્રુપ બને છે અને તેના તરવાવાળા પગો સાથે ચોંટી જાય છે. લગભગ છ મહિના પછી ઇંડા ફૂટી જાય છે અને ઝીંગા માછલીનું બચ્ચું એક નાની માછલી તરીકે જન્મે છે. નવજાત બચ્ચાનું શરીર પારદર્શક હોય છે અને તે તેના આગળના પંજાની મદદથી માદાના તરવાના પગ સાથે થોડા સમય સુધી ચોંટેલા રહે છે. તેના બચ્ચા ચાર વખત કાંચળી બદલે છે. તેને એક વાર કાંચળી બદલવામાં છ કલાક લાગે છે. આ દરમિયાન તે દર અથવા તેના જેવી સલામત જગ્યાએ છુપાયેલા રહે છે અને કંઇપણ ખાતા-પીતા નથી. આ સમયગાળા દરમિયાન તે કઠોર બની જાય છે. ઘણી વખત કાંચળી બદલતી વખતે નબળાઇને કારણે મૃત્યુ પામે છે.

આ પણ વાંચો: ફોકસઃ ટીનેજર્સ કેમ બની રહ્યાં છે અનિદ્રાના શિકાર?

ઝીંગા માછલીના બચ્ચા બે થી ત્રણ વર્ષની વચ્ચે પુખ્ત બની જાય છે. તેમ જ લગભગ 20 વર્ષ સુધી જીવે છે. વિશ્વના મોટાભાગના દેશોમાં તેને ખૂબ જ રસપૂર્વક ખાવામાં આવે છે. કેટલાક આદિવાસી વિસ્તારોમાં તેને કાચા પણ ખાવામાં આવે છે, જે હાનિકારક છે. ઝીંગા માછલીમાં એક પરોપજીવી લાર્વા રહે છે, જે માનવ ફેફસાં સુધી પહોંચે છે. આ પરોપજીવી લાર્વા અનેક જીવલેણ રોગોને જન્મ આપે છે, જે વ્યક્તિના મૃત્યુનું કારણ પણ બની શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button