કવર સ્ટોરી : કોણ મર્યાદા ઓળંગે છે સુપ્રીમ કોર્ટ કે રાજકારણીઓ?

-વિજય વ્યાસ
ફરી એક વાર સર્વોચ્ચ અદાલતના એક ચુકાદાએ રાજકારણમાં વાદ વિવાદનો નવો ભડકો કર્યો છે. રાજ્યપાલે જ નહીં, રાષ્ટ્રપતિએ પણ કેટલા સમયમાં બિલ અંગે નિર્ણય લેવો એ વિશે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા સામે ઉપરાષ્ટ્રપતિએ બળાપો કાઢ્યો છે તો એમની ટીકા સામે વિપક્ષો અને કપિલ સિબલ જેવા કાયદા નિષ્ણાતોએ સખત વાંધો લીધો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે જેમને પણ વાંધા છે એ બધાંએ વિચારવાની જરૂર છે કે, સુપ્રીમ કોર્ટે આ રીતે વર્તવાની કેમ જરૂર પડી? આ સમસ્યાના મૂળમાં શું છે ?
તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ વિધાનસભામાં પસાર કરેલાં બિલોને રોકી રાખ્યાં એ મુદ્દે સુપ્રીમ કોર્ટે રવિને ઝાટકી નાખ્યા પછી રાજકારણ ક્ષેત્રે જબરું દંગલ જામ્યું છે. સુપ્રીમ કોર્ટે વિધાનસભાએ પસાર કરેલાં બિલોને કેટલા સમયમાં મંજૂરી આપવી કે નકારી કાઢવાં અને રાષ્ટ્રપતિએ પણ કેટલા સમયમાં બિલ અંગે નિર્ણય લેવો તેનો ચુકાદો આપ્યો તેના કારણે કેટલાક વિવાદ-વિખવાદ ઊભા થયા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે કેટલાક રાજ્યપાલોને વાંધો પડ્યો છે ને આપણા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાહેબને પણ વાંધો પડ્યો છે. ‘સુપ્રીમ કોર્ટ સુપર પાર્લામેન્ટ’ તરીકે વર્તી રહી છે, ન્યાયતંત્રની દખલગીરીનો અતિરેક થઈ રહ્યો છે એ પ્રકારની ટીકા-ટકોર થઈ રહી છે અને સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને આદેશ આપી જ કઈ રીતે શકે એ સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે
આવી ટીકા ટકોર ને સવાલો આપણા રાજકારણીઓની બંધારણ વિશેની અજ્ઞાનતા તો દર્શાવે જ છે, પણ સાથોસાથ સામંતશાહી માનસિકતા પણ દર્શાવે છે.
રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા છે એ ખરું, પણ રાજા થોડા છે કે એમને કોઈ આદેશ જ ના આપી શકે? આપણે લોકશાહીમાં જીવીએ છીએ, એના નિયત કાયદા-કાનૂનનું યથાયોગ્ય પાલન કરીએ છીએ. આપણે કંઈ રાજાશાહીમાં જીવતા નથી કે જ્યાં રાજાને કોઈ કાયદા લાગુ ના પડે ને એને મનફાવે એ રીતે વર્તવાની છૂટ હોય. લોકશાહીમાં બધાં જ બંધારણને આધીન રહેવા- વર્તવા બંધાયેલાં છે કેમ કે બંધારણ સર્વોપરી છે, રાષ્ટ્રપતિ કે બીજું કોઈ નહીં. રાષ્ટ્રપતિ બંધારણીય વડા છે, પણ સુપ્રીમ કોર્ટ બંધારણના રક્ષક છે. બંધારણની રક્ષા માટે જરૂરી બધું જ કરવાનો તેને અધિકાર છે તેથી સુપ્રીમ કોર્ટ ગમે તેને આદેશ આપી શકે.
ભારતીય બંધારણની કલમ 142 સુપ્રીમ કોર્ટમાં પડતર કોઈ પણ મુદ્દે ન્યાય કરવા માટે જરૂરી હોય એવા કોઈ પણ આદેશ આપવાની સત્તા આપે છે. આ દેશના રાષ્ટ્રપતિ પણ બંધારણના દાયરામાં આવે જ છે તેથી સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને પણ આદેશ આપી શકે છે.
આપણા હાલના ઉપ- રાષ્ટ્રપતિ ધનખડ પોતે એક જમાનામાં વકીલ હતા એ છતાં એ ‘રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટ કઈ રીતે આદેશ આપી શકે’ એવો સવાલ કરે ત્યારે આશ્ર્ચર્ય સાથે એમની દયા પણ આવે છે. સત્તાની લાલસા જેના જ્ઞાન પર હાવી થઈ જાય ને તેના કારણે કોઈ વ્યક્તિ કાયદા બહારની ભાષા બોલતી થઈ જાય એ દયનિય જ કહેવાય.
આ પણ વાંચો: કવર સ્ટોરી: સુપ્રીમ કોર્ટ ગમે તે કરે કે કહે, પણ રાજ્યપાલો સુધરશે ખરા ?
ધનખડજી આ પહેલાં પશ્ર્ચિમ બંગાળમાં રાજ્યપાલ હતા. અહીં પણ એ રાજ્યપાલ તરીકે પોતાનું ગૌરવ જાળવવાના બદલે ધનખડ ઉપરથી આદેશ આવે એટલે હડકાયા થઈને કઈ રીતે એ મમતા સરકારને કરડવા દોડતા એ બધા જાણે છે તેથી એમની પાસેથી વધારે અપેક્ષા રખાય એમ નથી.
જગદીપ ધનખડ સહિતના લોકો સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ નિવેદનબાજી કરીને ‘સર્વોચ્ચ અદાલત પોતાની મર્યાદા ઓળંગી રહી છે’ એવું ચિત્ર ઊભું કરવા મથી રહ્યા છે. ધનખડે સુપ્રીમ કોર્ટને ‘સુપર પાર્લામેન્ટ’ ગણાવી દીધી, પણ સુપ્રીમ કોર્ટે સંસદે કરવાનું કોઈ કામ કર્યું નથી. મતલબ કે, નવો કાયદો બનાવ્યો નથી. બંધારણની જે જોગવાઈ છે તેની તરફ રાજ્યપાલો અને રાષ્ટ્રપતિનું ધ્યાન જ દોર્યું છે. એમને અહેસાસ કરાવ્યો છે કે, તમે બંધારણથી પર નથી અને તમારે પણ બંધારણ પ્રમાણે વર્તવું જ પડશે.
લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર સર્વોપરી હોય છે અને ચૂંટાયેલી સરકારોનો મતલબ ખાલી કેન્દ્ર સરકાર નથી, રાજ્ય સરકારો પણ આ દેશના મતદારોએ ચૂંટેલી છે. રાજ્યપાલો જેમનાં બિલ રોકી રાખે છે એ બધી ચૂંટાયેલી સરકારો જ છે. રાજ્યપાલો આ સરકારોનાં બિલ રોકી રાખે એ પણ લોકશાહીનું ઘોર અપમાન છે. તમિલનાડુમાં સવા છ કરોડ મતદારો છે. આ સવા છ કરોડ મતદારોએ સ્ટાલિનની સરકારને ચૂંટીને સત્તા સોંપી છે. આર.એન. રવિ ત્યાંના રાજ્યપાલ છે, આ સવા છ કરોડ મતદારોના માલિક નથી કે એમના જનપ્રતિનિધીઓએ પસાર કરેલાં બિલોને પોતાના ટેબલ પર ધૂળ ખાવા માટે પડી રહેવા દે. રવિજી તો લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર કરતાં પણ સુપીરિયર હોય- ઉચ્ચતર હોય એ રીતે વર્તી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે તો રવિજીને ઠમકોરીને લોકશાહીનું જતન કર્યું છે.
આ બધા વાદ વિવાદ વિખવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે જેમને પણ વાંધા છે એ બધાંએ વિચારવાની જરૂર છે કે, સુપ્રીમ કોર્ટે આ રીતે વર્તવાની કેમ જરૂર પડી? આ સમસ્યાના મૂળમાં શું છે?
આ સમસ્યાના મૂળમાં રાજકારણીઓનો અહંકાર અને સત્તાલાલસા છે. આ દેશના બંધારણે દરેક બંધારણીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિના અધિકાર શું છે અને એની મર્યાદા શું છે એ નક્કી કરેલું જ છે. કમનસીબે જે સત્તામાં આવે છે એને પોતાની મર્યાદા યાદ રહેતી નથી અને પોતાના વિરોધીઓના અધિકારો પણ યાદ રહેતા નથી. એ લોકો એવું જ માને છે કે, પોતાની પાસે સત્તા છે એટલે પોતાને ગમે તે રીતે વર્તવાનો પરવાનો મળી ગયો છે. કેન્દ્ર સરકાર વિરોધી સરકારો ધરાવતાં રાજ્યોમાં રાજ્યપાલો એમ જ માનીને વર્તી રહ્યા છે. રાજ્યપાલો આ દેશના બંધારણ તરફ નહીં, પણ જેમણે એમને આ રાજ્યપાલપદનો હોદ્દો ‘ભેટ’ આપ્યો છે એના તરફ વફાદારી બતાવી રહ્યા છે. એના કારણે ન તો એમનું કે ન તો લોકશાહીનું ગૌરવ જળવાતું નથી.
ભારતમાં અત્યારે જે સ્થિતિ પેદા થઈ છે તેનું કારણ કમનસીબે નેતૃત્વ છે. નેતા બે પ્રકારના હોય છે, એક રાજકારણી અને બીજા રાજપુરુષ, અંગ્રેજીમાં જેમને સ્ટેટ્સમેન કહે છે. રાજપુરુષ એવા શાસકો હોય કે જે સત્તાને સર્વસ્વ ન સમજતા લોકોનાં જીવન સુખમય બનાવવાનું માધ્યમ સમજે છે. સત્તાનો ઉપયોગ કઈ રીતે દેશને સમૃદ્ધ અને સંપન્ન કરવા કરી શકાય એ અંગે જ વિચારે, સત્તાનો ઉપયોગ વિરોધીઓને સાફ કરી નાખવા કે સત્તા ટકાવવા માટે ના કરે. રાજપુરુષ પણ રાજકારણ તો રમે જ પણ તેનું સ્તર ગટરછાપ નથી હોતું. એમના રાજકારણમાં પણ એક ગરિમા હોય છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : ભારત સામે છે કૂટ પ્રશ્ન ડ્રેગનને ડારવો કે આવકારવો?
બીજી તરફ, રાજકારણીનું કોઈ સ્તર નથી હોતું ને એ સત્તા માટે ગમે તે સ્તરે જાય. જૂઠું પણ બોલી શકે ને સાવ હલકી કક્ષાના દાવપેચ પણ રમી શકે. જવાહરલાલ નહેરુ રાજપુરુષ હતા,પણ ઈન્દિરા ગાંધી રાજકારણી હતાં. લાલબહાદુર શાસ્ત્રી રાજપુરુષ હતા પણ રાજીવ ગાંધી રાજકારણી હતા. ભારતને જરૂર છે નરસિંહરાવ, અટલ બિહારી વાજપેયી અને ડો. મનમોહનસિંહ જેવા રાજપુરુષોની, જે આ દેશના બંધારણની ગરિમા જાળવે, લોકશાહી મૂલ્યોનું જતન કરે એવા માણસોને હોદ્દા પર બેસાડીને હોદ્દાનું ગૌરવ વધારે એવા માણસોની જરૂર છે, પણ તેના બદલે આજે ચાપલૂસો અને ચમચાઓને આગળ કરવામાં આવી રહ્યા છે તેના કારણે સુપ્રીમ કોર્ટે આકરા થવું પડે, બંધારણીય જોગવાઈઓનું ભાન કરાવવું પડે એવી સ્થિતિ આવી ગઈ છે. રાજકારણીએ પોતાની અને બંધારણના રક્ષક એવી સર્વોચ્ચ અદાલત વચ્ચેની ભેદરેખા સમજવી ને પોતાની મર્યાદામાં રહેવું પડશે.