
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરથી સમગ્ર દુનિયામાં ભયનો માહોલ છે. તેવા સમયે અમેરિકાએ ટેરિફમાં 90 દિવસની રાહત આપી છે. ત્યારે ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની તૈયારી ચાલી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને અમેરિકાના પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર પર આગળ વધી રહ્યા છે. આ કરાર માટે બંને દેશો દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલ પ્રારંભિક ડ્રાફ્ટમાં લગભગ 19 પ્રકરણો છે. જેમાં આયાત ડ્યુટી, માલનો વેપાર, વેપારમાં નોન-ટેરિફ અવરોધો અને કસ્ટમ પ્રક્રિયાઓનું સરળીકરણ જેવા મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે.
ભારતીય અધિકારીઓની એક ટીમ આવતા અઠવાડિયે અમેરિકાની મુલાકાતે
આ ટ્રેડ ડીલને આગળ વધારવા માટે ભારતીય અધિકારીઓની એક ટીમ આવતા અઠવાડિયે અમેરિકાની મુલાકાત લેવાનું આયોજન છે. આ મુલાકાત મહત્વપૂર્ણ છે જેથી પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર પર ઔપચારિક વાટાઘાટો શરૂ થાય તે પહેલાં 90 દિવસની અંદર બાકીના કેટલાક મતભેદોનો ઉકેલ લાવી શકાય.
રૂબરૂ વાતચીત 23 એપ્રિલના રોજ વોશિંગ્ટનમાં શરૂ થશે
ભારત તરફથી વાણિજ્ય વિભાગના અધિક સચિવ રાજેશ અગ્રવાલ વાટાઘાટોનું નેતૃત્વ કરશે. આ બંને દેશોના અધિકારીઓ વચ્ચે પ્રથમ રૂબરૂ વાતચીત 23 એપ્રિલના રોજ વોશિંગ્ટનમાં શરૂ થશે અને ત્રણ દિવસ સુધી ચાલશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ બેઠકમાં બંને પક્ષો કરારના સ્તર અને મહત્વાકાંક્ષા પર ચર્ચા કરશે.આ વાતચીત કઈ દિશામાં આગળ વધશે તે અંગે પણ ચર્ચા થશે. આ શરતોમાં ટેરિફ, નોન-ટેરિફ અવરોધો, ઉત્પાદનોના મૂળના નિયમો અને કાનૂની બાબતો જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવશે.
ટેરિફ બ્રેકની અંદર ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપી શકાય
આ પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર અંગે અધિકારીએ એમ પણ કહ્યું કે કરારના માળખા અને સમયમર્યાદા પર પણ ચર્ચા કરવામાં આવશે. જેથી તેને 90 દિવસની અંદર અંતિમ સ્વરૂપ આપી શકાય. ત્રણ દિવસની આ ચર્ચા મહત્વપૂર્ણ બની રહેશે . તેમજ 90 દિવસના ટેરિફ બ્રેકની અંદર એક વચગાળાની ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપી શકાય છે. જેનાથી ભારત અને અમેરિકા બંનેને લાભ મળશે.
આ પણ વાંચો: અમેરિકાને રશિયા અને ઈરાન પરનાં પ્રતિબંધો ફળ્યાઃ ભારત સાથે ક્રૂડ ઓઇલ ખરીદીમાં વધી ભાગીદારી
વેપાર કરાર માટેની વાટાઘાટો વેગ પકડી રહી છે
આ ઉપરાંત અમેરિકાનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ હાલમાં જ ભારતની મુલાકાતે આવ્યું હતું. જે દર્શાવે છે કે દ્વિપક્ષીય વેપાર કરાર માટેની વાટાઘાટો વેગ પકડી રહી છે. ગયા મહિને પણ બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે વાટાઘાટો થઈ હતી. જેમાં દક્ષિણ અને પશ્ચિમ એશિયા માટે યુએસ વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિંચે 25 થી 29 માર્ચ દરમિયાન ભારતીય અધિકારીઓ સાથે મુખ્ય વેપાર મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.