ઊડતી વાત : 10 લાખનો દંડ રાજુએ કરી રીતે ચૂકવ્યો?

-ભરત વૈષ્ણવ
‘નામ બોલ.’ તમાકુવાળો મસાલા થૂંક ટેબલ નીચેનું કચરા ટોપલીમાં થૂંકતા તુમાખી ભરેલો આદેશ…એના શર્ટના ખિસ્સા પર એની નેમ પ્લેટ હતી ‘પરાક્રમ સિંહ’. મમરાની ગુણ જેવી ફાંદવાળો પોલીસ ડ્યૂટી માટે હજુય હીટ અને ફીટ ગણાય તે પણ વિચારવા જેવી વાત હતી.
‘તુંકારો નહીં કરવાનો .’
સામેની ખુરશીમાં ઉભડક બેઠેલા ઇસમે કહ્યું.
‘આ તારી ઓફિસ નથી. પોલીસ સ્ટેશન છે. ભલભલા તિસમારખાં પાપડ જેવા નરમ બની જાય છે. તૂં ટણી નહીં કર, નહિતર.’
‘નહિતર, તું શું કરવા માગે છે?’ સામેની ખુરશીવાળાને પણ ‘હો રાજ મને લાગ્યો તુકારાનો રંગ’ ની અદામાં કહ્યું. સારી ચીજને પ્રસરતા વાર લાગે છે, પણ, ખરાબ તો આગની જેમ ફેલાઈ જાય.
‘નામ બોલો. હમણા કહું એની ડ્ઢડ્ઢડ્ઢડ્ઢડ્ઢ ’ પેલાનો પિતો ગયો.
‘રાજુ. માય નેમ ઇઝ રાજુ.’ રાજુએ ફિલ્મની સ્ટાઇલથી પરિચય આપ્યો.
‘પૂરું નામ બોલ, ડોફા’ પેલો છેલ્લી પાટલીએ ગયો.
‘મારી અટક રદી છે.’
‘શું ધંધો કરે છે? ખિસ્સા કાતરવાનો કે દેશી દારૂ વેચવાનો?’ પરાક્રમસિંહે રાજુનું મોરલ તોડવા હલકટ સવાલ પૂછયો.
‘હું પત્રકાર કમ ફોટોગ્રાફર છું. બખડજંતર ચેનલનો કેમેરામેન કમ રિપોર્ટર છું.’ રાજુએ ધંધાકીય માહિતી આપી.
‘પત્રકાર કે રિપોર્ટર? ગોળ ગોળ જવાબ ન જોઇએ.’ પરાક્રમસિંહ કડક થયા.
‘મને કેમ અહીં લાવ્યા છો?’ રાજુએ મુદાનો સવાલ પૂછયો .
‘ટ્રાફિકભંગના ગુનામાં.’ પરાક્રમસિંહ કાર્યકારણ બતાવ્યું.
‘હેંએએં’રાજુનો પ્રતિભાવ.
‘તે માથા પર હેલ્મેટ લગાવ્યું ન હતું. દરેકે હેલ્મેટ લગાવવું પડે. એ પણ આઇએસ માર્કનું.’ પરાક્રમસિંહે કાયદાકીય જોગવાઇ પર પ્રકાશ
પાડ્યો.
‘હું તો ફૂટપાથ પર ચાલતો હતો. ચાલનાર માટે હેલ્મેટ કયારથી
ફરજિયાત થયું? મે કયા કાયદાનો ભંગ કર્યો.’ રાજુએ ઉકળાટ
ઠાલવ્યો.
‘તું ગુનો કરે ત્યાં સુધી અમારે તને પકડવા માટે રાહ જોવાની?’ પરાક્રમસિંહે આક્રમક તેવર દેખાડ્યા. સાથોસાથ મૂંછે તાવ દીધો.
‘તો મારું ચલાન કાપો. હું દંડ ભરવા તૈયાર છું.’ રાજુએ કાયદાને માન આપવાની તત્પરતા દાખવી.
‘તે બે નિયમનો ભંગ કર્યો છે.’ પરાક્રમસિંહે જણાવ્યું.
‘ઓકે. બંનેની વિગતો જણાવો.’ રાજુ રદી અડી ગયો.
‘નંબર એક હેલ્મેટ લગાવેલ નહીં.’ પરાક્રમસિંહ પોપટની માફક બોલ્યો.
‘હઅમ્ નંબર બે?’
‘નંબર બે સીટ બેલ્ટ બાંધ્યો નથી.’ પરાક્રમસિંહે બીજો ગુનો બતાવ્યો .
‘શું કીધું? રસ્તા પર ચાલતી વ્યક્તિએ સીટ બેલ્ટ લગાવવો એવો કાયદો દેશમાં કયારથી લાગુ પડ્યો ?’ મેરા દેશ બદલ રહા હૈ એ સાંભળેલ વાક્ય રાજુને સાચું લાગ્યું. એ તો સારું છે કે રાજુની આંખ પર એટલે કે હેડલાઇટ પર પીળા રંગના પટા કરવાનો કે પીયુસી ન કઢાવવાનો ગુનો નોંધી ચલણ ફાડ્યું નથી. જો કે, રાજુએ પીઠ પર લાલ રંગના રિફલેકટર ન લગાવ્યા હતા તેનો મેમો ન મળ્યો.
આ પણ વાંચો: ઊડતી વાત : રાધારાણીને કયાં જવું હતું?
રાજુએ પેપરમાં વાંચેલ કે જામનગરના નરશીભાઇ સાદિયા બોલેરો કાર લઇ કશેક જતા હતા. એમની કાર અટકાવી જામનગર પોલીસે હેલ્મેટ ન પહેરવા બાબતે રૂપિયા પાંચસોનો દંડ ભરવા મેમો પકડાવેલ. ટ્રાફિક પોલીસને મેમાં ફાડવા, કાર- સ્કૂટર ટો કરવાના ટાર્ગેટ હોય. ટાર્ગેટ પૂરા કરવાના ટેન્શનને પેન્શન પર ઉતારી ન શકાય. ટાર્ગેટ પૂરો કરવા ખૂનપસીનો (પોતાનો ખૂનપસીનો નહીં પણ વાહનચાલકના ખૂનપસીના એક કરવા પડે.)
કડાણામાં પોલીસે રિક્ષાચાલકને સીટબેલ્ટ ન પહેરવાના ગુના સબબ રૂપિયા પાંચસોના દંડનું ચલાણ હાથમાં પકડાવી દીધેલ. એક ભાઇએ બે હજાર વીસની સાલમાં નવીનકોર કાર ખરીદ કરેલી. એ ભાઇને ગાડી કંપનીમાંથી બન્યા પહેલાની સાલ એટલે કે બે હજાર પાંચમી સાલનો મેમો પકડાવેલો .
હમણા રાજુને એક ટ્રાફિક સર્કલ પર પરાક્રમસિંહ પોલીસ કોન્સ્ટેબલે રોકયો. રાજુને લાઈસન્સ દેખાડવાનું ફરમાન કર્યું. રાજુના
લાઈસન્સનો ફોટો પાડી વેબસાઇટ પર અપલોડ કર્યો. એ દરમિયાન
રાજુને હેલ્મેટ ન પહેરવા માટે મોબાઇલ પર ઇ-ચલણ ફટકાર્યું.
આ પણ વાંચો: ઊડતી વાત : રાજુ રદીને ફિલ્મમાં મળ્યો એક ‘સુપરહિટ’ રોલ !
રાજુને એક, બે, દસ વીસ, સો, પાંચસો કે હજાર પંદરસો નહીં પરંતુ, રૂપિયા 10,00,000 દસ લાખ એટલે કે દસ લાખ વોલ્ટના વીજ કરંટનો ઝાટકો લાગ્યો. સેક્ધડહેન્ડ બાઇકની કિંમત પચાસ હજાર કે પંચોતેર હજાર હોય. બાઇકની કિંમત જેટલો મેમો મળે તો પણ પોલીસનો ન્યાય ગણાય. આ તો ખખડધજ બાઇક માટે હાર્લી ડેવિડસન બાઇકની કિંમતના દંડનો મેમો ફટકારાયો. આટલા રૂપિયામાં તો પડીકાપેક નવી કાર આવી જાય!
‘પરાક્રમસિંહ, લો આ બાઇકની ચાવી. તમે મને બાઇક મળ્યાની પહોંચ આપો. મારી બાઇકની હરાજી કરીને દંડની રકમ કાપી લેજો.’ આમ કહી રાજુ રદી ખુમારીથી છાતી કાઢી ઉન્નત મસ્તકે રોડ પરથી કેબ કરીને જતો રહ્યો.
- ને પેલા પરાક્રમસિંહ મોં વકાસીને કતલ કરવામાંથી બચી ગયેલા બકરાને જતો જોઇ રહ્યા.