આદિપુરમાં એસટી વોલ્વોની ટક્કરથી ઘવાયેલી યુવતીએ દમ તોડ્યોઃ ડ્રાયવરને જામીન

ભુજઃ રાજકોટમાં સિટી બસે ચાર જણને કચડી માર્યાની ઘટનાના બીજા જ દિવસે કચ્છના આદિપુરમાં એસટીની વોલ્વો બસે એક ટુ વ્હીલરને ટક્કર મારી હતી, જેમાં વ્હીકલ ચલાવનાર યુવતીનું તો ઘટના સ્થળે જ મોત થયું હતું, પરંતુ તેની પાછળ બેઠેલી તેની બહેનપણીએ આજે દમ તોડી દીધો છે. આ એ જ કાળો દિવસ છે જે દિવસે એસટીની બીજી બસે હિંમતનગર પાસે એક રીક્ષાને ટક્કર મારતા એકસાથે છ જણના મોત થયા હતા.
ગત ૧૬મી એપ્રિલના રોજ કચ્છના આદિપુર શહેરની ભાગોળે આવેલા ટાગોર રોડ પર ઓવરસ્પીડમાં રહેલી રાજ્ય પરિવહનની ભુજ-રાજકોટ રૂટની વોલ્વો બસે બે-ત્રણ વાહનોને કચડીને સર્જેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી અંકિતા ભરતભાઈ ઝીલરિયાએ સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લેતાં આ ગોઝારી ઘટનાનો મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે.
એક્ટિવામાં પેટ્રોલ પૂરાવીને રસ્તો ઓળંગવા જતી યુવતીઓના વાહનને અને બાદમાં સામેથી આવતાં મોટરસાઈકલને રાજ્ય પરિવહનની વોલ્વો બસે હડફેટે લીધા હતા, જેમા રીતુ લક્ષ્મીનારાણ સાધુપલ્લી(ઉ.વ.૨૫)નું તત્કાળ મૃત્યુ થયું હતું, જયારે અંકિતા ભરતભાઈ ઝીલરિયાને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં તેણીને આદિપુર ખાતેની ડિવાઈન લાઈફ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર કારગત ન નીવડતાં મોડી રાત્રે એક વાગ્યાના અરસામાં અંતિમ શ્વાસ લીધા હતા. બસ હેઠળ આવી ગયેલા સમીર રહીમ ત્રાયાની હાલ રાજકોટમાં સારવાર ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: રાજકોટમાં અકસ્માત બાદ તંત્ર જાગ્યુંઃ બસ અને ડ્રાઈવરના ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવાની નોટિસ
દરમ્યાન, નિર્દોષ લોકોનો ભોગ લેનારા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિસ્તારના બસ ચાલક એવા આરોપી યોગરાજસિંહ બલભદ્રસિંહ રાણા હાલ જામીન ઉપર મુકત થઇ જતાં મૃતકોના પરિવારમાં રોષ ફેલાયો છે.