વિશેષ : એકતાનું ઉત્તમ ઉદાહરણ કુક્શો ગામ

-સમીર ચૌધરી
જમ્મુ-કાશ્મીરના કારગિલ જિલ્લામાં આવેલું કુક્શો ગામ એકતા અને સૌહાર્દનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. આ ગામની ખાસ વાત એ છે કે બૌદ્ધ અને ઈસ્લામ ધર્મના લોકો અમન અને શાંતિથી અહીં રહે છે. એકબીજાના ધર્મને પણ તેઓ ખૂબ સન્માન આપે છે. સાથે જ અહીં લગ્ન કરવા માટે ધર્મ આડે નથી આવતો.
અહીં રહેતા ચોંગજી પરિવારના સૌથી વરિષ્ઠ સદસ્યએ જણાવ્યું કે તેમના પિતાએ તેમને બૌદ્ધ ધર્મ સ્વીકારવાનો આગ્રહ કર્યો હતો. વિશેષ વાત એ છે કે તેઓ આ ગામના હાજી હતા, પરંતુ તેઓ ઈસ્લામ ધર્મ પર કાયમ રહ્યા. જોકે તેમણે તેમનાં બાળકોને ધર્મની પસંદગી કરવાની આઝાદી આપી હતી. આવી રીતે આ પરિવારમાં કેટલાક લોકો બૌદ્ધ ધર્મમાં માને છે તો કેટલાકે ઈસ્લામ ધર્મ અપનાવ્યો છે. આખો પરિવાર બન્ને ધર્મના તહેવારોને પણ હર્ષોલ્લાસથી મનાવે છે. સાથે જ આ ગામના યુવાનોને પોતાનો જીવનસાથી પસંદ કરવાની પણ પૂરી સ્વતંત્રતા છે.
આ કહાણી કુક્શો ગામના દરેક ઘરની છે. એના વિશિષ્ટ ઈતિહાસ અને સંસ્કૃતિ ધરાવતું આ સુંદર ગામ છે. લગભગ બે દાયકા પહેલા અહીં બૌદ્ધ અને મુસ્લિમ પરિવાર એક જ છત નીચે રહેતો હતો. બાદમાં કારગિલથી કેટલાક ધર્મગુરુઓએ આવીને ધર્મ આધારિત ઘર નોખા કરી નાખ્યા. જોકે અન્ય ધર્મમાં લગ્ન કરવાનો સિલસિલો હજી પણ ચાલુ છે. આવી રીતે જોવા જઈએ તો આખું ગામ એકબીજાના સગાવહાલા છે.
આ પણ વાંચો: વિશેષ: `જીબીલી’ સ્ટાઇલનો વિસ્ફોટ કળાનું તોફાન કે હતાશાના ઘેટાની ચાલ?
ચિક્તન વાયા લેહથી આ ગામ પહોંચી શકાય છે. આ ગામના લોકો મહેમાનોની આગતા-સ્વાગતામાં કોઈ કચાશ બાકી નથી રાખતાં. આ એક એવું ગામ છે જ્યાં ખેતી પૂરી રીતે ઓર્ગેનિક રીતે થાય છે. ગામમાં સૌથી જૂની મસ્જિદ અને સ્તૂપ અડીખમ ઊભા છે. આ ગામમાં એક નવા મઠના નિર્માણ માટે બૌદ્ધ અને મુસ્લિમ સમુદાયના લોકોએ સાથે મળીને દાન આપ્યું હતું. અહીંના લોકો એકબીજાના સુખ દુ:ખમાં પડખે ઊભા હોય છે.
દિવસભર આકરી મહેનત કરીને સાંજે લોકો મસ્જિદ અને સ્તૂપની આસપાસ બેસીને ચર્ચા-વિચારણા કરતા હોય છે. ધર્મના નામે જે પ્રકારે હિંસા થાય છે એને જોતા આ ગામ ખરેખર સંપનો સંદેશ આપે છે.
કુક્શો ગામ 800ની સાલમાં સ્થાપિત થયું હતું. એ સમયે કોઈ ધર્મની કોઈ ક્ષેત્રે પકડ નહોતી. એ દરમ્યાન એક રાજાનો બહાદુર દીકરો હતો થાતા ખાન, જેને સંદેહ થયો હતો કે તેના ભાઈઓ જ તેનું કાસળ કાઢવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તે બધાં વિના કારણ જશ્ન મનાવી રહ્યા હતા, જેથી તેઓ થાતા ખાનની હત્યા કરી શકે. એ વખતે ત્યાં સંગીત પીરસતા સંગીતકારોને આ કાવતરાની જાણ થઈ અને તેમણે થાતા ખાનને પોતાના ગીત દ્વારા સંદેશ આપી દીધો. થાતાને એની જાણ થઈ અને તે ત્યાંથી પોતાના એક ભાઈ અને સંગીતકારને લઈને બારીમાંથી કૂદી ગયો. સાથે જ તેણે પોતાની સાથે ‘લેહ’ નામનો છોડ લીધો અને કુક્શો ગામ આવી પહોંચ્યો. તેણે જ આ કુક્શો ગામ વસાવ્યું હતું. આ ગામની એકતાની પ્રેરણા તો આજે સૌએ લેવી જોઈએ.