અમદાવાદ

બંગાળમાં થઈ રહેલી હિંસાના પડઘા ગુજરાતમાં; અમદાવાદ, ભરૂચમાં વિરોધ પ્રદર્શન

અમદાવાદ: પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદાના વિરોધમાં મુર્શીદાબાદ સહીત અનેક શહેરોમાં થયેલી હિંસાની ઘટનાઓમાં હિંદુઓ પર અત્યાચાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. બંગાળમાં થયેલી હિંસાના વિરોધમાં ગુજરાતના અમદાવાદ, રાજકોટ, ભરૂચ સહીતના સ્થળોએ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળે રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચમાં વિરોધ પ્રદર્શન

પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઇ રહેલી હિંસાના વિરોધમાં ભરૂચ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સહીતના હિંદુ સંગઠનોએ કલેકટર કચેરી ખાતે ધરણા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે હાથમાં બેનર પોસ્ટર સાથે સૂત્રોચાર કરવામાં આવ્યો હતો.

આ રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હિન્દૂ સંગઠનોના કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદા સામે વિરોધની આડમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસાને અટકાવવા અને હિંદુઓને સુરક્ષા આપવા સાથે કસુરવારો સામે તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી હતી.

આપણ વાંચો: પશ્ચિમ બંગાળમાં ફરી હિંસાઃ પોલીસે વિરોધ પ્રદર્શન કરનારાને રોકતા મામલો બિચક્યો, વાહનો સળગાવ્યાં

અમદાવાદમાં મમતાનું પૂતળું સળગાવ્યું

વકફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં ફાટી નીકળેલી હિંસાની આડમાં હિંદુઓ પર અત્યાચારના વિરોધ અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

વિરોધ પ્રદર્શન દરમિયાન મમતા બેનર્જીનું પૂતળું બાળવામાં આવતા પોલીસ સાથે સંઘર્ષ થયો હતો અને બાદમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હિંસાના પડઘા સૌરાષ્ટ્રમાં પણ પડ્યા હતા. રાજકોટમાં પણ હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો વિરુદ્ધ વિરોધપ્રદર્શનન કરવામાં આવ્યું હતું.

આપણ વાંચો: પશ્ચિમ બંગાળમાં હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિઃ ત્રણએ જીવ ખોયા

વિજાપુર અને જામનગરમાં વકફનો વિરોધ

તે ઉપરાંત વિજાપુરમાં પણ વકફ કાયદો અને યુસીસીના વિરોધમાં આજે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવવા માટે જઈ રહેલા પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી.

પોલીસે વિરોધ કરી રહેલા કુલ ૬૦થી વધુ યુવકોની અટકાયત કરી હતી. જામનગરમાં લાલ બંગલા ખાતે મુસ્લિમ વકીલો દ્વારા વકફ કાયદા અને યુસીસીનો વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસે મુસ્લિમ વકીલોની અટકાયત કરી હતી અને તેમના દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરો અને બેનરોને પણ હટાવવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button