ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો, 40 નવા રાફેલ ફાઈટર જેટ ખરીદવાનું આયોજન

નવી દિલ્હી : ભારત સંરક્ષણ દળોની તાકાત વધારવા સતત પ્રયત્નશીલ છે. જેની માટે નવી આધુનિક સંરક્ષણ પ્રણાલી અને હથિયારો માટે અલગ અલગ દેશો સાથે સમજૂતી પણ કરવામાં આવી રહી છે. જેમાં સરકારે હવે ભારતીય વાયુસેના માટે નવા ફાઈટર વિમાનો ખરીદવા વિચારણા હાથ ધરી છે. જેમાં મીડિયા અહેવાલ મુજબ ભારત સરકારે ફ્રાન્સ પાસેથી 40 વધુ રાફેલ ફાઇટર પ્લેન ખરીદવાનો નિર્ણય લીધો છે.
ફ્રાંસના સંરક્ષણ પ્રધાન 28 કે 29 એપ્રિલે ભારતની મુલાકાતે
ભારત અને ફ્રાન્સ વચ્ચેનો આ સોદો બે દેશો વચ્ચે થશે. આ અહેવાલ મુજબ ફ્રાંસના સંરક્ષણ પ્રધાન 28 કે 29 એપ્રિલે ભારતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ભારતીય નૌકાદળ માટે રાફેલ મરીન ફાઇટર પ્લેન ખરીદવા અંગે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ રાફેલ મરીન ફાઇટર જેટ ભારતના વિમાનવાહક જહાજો પર તૈનાત કરવામાં આવશે.
રિપોર્ટમાં આ મોટો દાવો કરવામાં આવ્યો હતો
ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે ભારત અને ફ્રાન્સ વચ્ચે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો થઈ છે. આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમ કે ભારતમાં ઉત્પાદિત થનારા હેલિકોપ્ટર માટે ફ્રેન્ચ કંપની સફ્રાન પાસેથી એન્જિન ખરીદવા અને ભારતીય વાયુસેના માટે રાફેલ ફાઇટર જેટની બીજી બેચ ખરીદવા.
આ કરારને હાલમાં ફાસ્ટ-ટ્રેક MRFA-પ્લસ ડીલ નામ આપવામાં આવ્યું છે MRFA (મલ્ટી રોલ ફાઇટર એરક્રાફ્ટ) કાર્યક્રમ હેઠળ ભારત 114 ફાઇટર પ્લેન ખરીદવાની યોજના બનાવી રહ્યું છે અને આ અંગે ઘણા સ્તરે વાતચીત ચાલી રહી છે.
આ પણ વાંચો: મ્યાનમાર રાહત સામગ્રી લઇ જઈ રહેલા ભારતીય વાયુસેનાના વિમાન પર સાયબર એટેક
ભારત 114 ફાઇટર એરક્રાફ્ટ ખરીદશે
ભારતે મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ (MRFA)પ્રોજેક્ટ હેઠળ 114 ફાઇટર એરક્રાફ્ટ ખરીદવાના છે. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી આ માટે કોઈ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી. જોકે, સૂત્રોએ જણાવ્યું છે કે ભારતીય વાયુસેનાની તાત્કાલિક જરૂરિયાતો અને રાફેલ વિમાનો સાથેની હાલની તાલમેલને ધ્યાનમાં રાખીને, સરકારે સીધા રાફેલ વિમાન ખરીદવાનો નિર્ણય લીધો છે. વાટાઘાટોમાં સામેલ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “આ ફક્ત ખરીદી નથી પરંતુ ભવિષ્યમાં પણ ચાલુ રહેનારી મોટી વ્યૂહાત્મક યોજનાનો એક ભાગ છે.”
વાયસેનાને વધુ સક્ષમ બનાવવામાં આવશે
ભારતીય વાયુસેનાને સંપૂર્ણ રીતે મજબૂત રાખવા માટે, તેની પાસે ઓછામાં ઓછા 42.5 સ્ક્વોડ્રન હોવા જરૂરી છે, પરંતુ હાલમાં ફક્ત 31 સ્ક્વોડ્રન જ હાજર છે. આવી સ્થિતિમાં, જો ચીન અને પાકિસ્તાન સાથે એક સાથે યુદ્ધની સ્થિતિ ઊભી થાય છે, તો ભારતને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઘણા નિવૃત્ત વાયુસેના અધિકારીઓએ તો આ પરિસ્થિતિને ‘કટોકટી’ પણ કહી છે.
જૂના વિમાનો દૂર કરવાના હોવાથી નવા ફાઈટર જેટ ઉમેરવા જરૂરી
આ વર્ષની શરૂઆતમાં, વાયુસેનાના માર્શલ એપી સિંહે પણ કહ્યું હતું કે જૂના વિમાનો દૂર કરવાના હોવાથી દર વર્ષે 35-40 નવા ફાઇટર વિમાન ઉમેરવા જરૂરી છે જેથી તાકાતમાં કોઈ ઘટાડો ન થાય. બીજી તરફ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એ 2030 સુધીમાં 97 તેજસ Mk-1A જેટ પહોંચાડવાની યોજના બનાવી છે. પરંતુ ઉત્પાદનની ધીમી ગતિને કારણે આ લક્ષ્ય પ્રાપ્ત કરવું મુશ્કેલ લાગે છે.