એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: સુપ્રીમ કોર્ટની ટીકાના બદલે રાજ્યપાલો આત્મનિરીક્ષણ કરે

ભરત ભારદ્વાજ

રાજ્યપાલો દ્વારા રાજ્યોની વિધાનસભામાં પસાર કરાતાં બિલોને રોકી રાખવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે લીધેલા આકરા વલણના કારણે રાજકીય વિવાદ પેદા થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે રાજ્યપાલોની સાથે સાથે રાષ્ટ્રપતિ માટે પણ વિધાનસભામાં પસાર કરાયેલાં બિલોને મંજૂરી આપવા માટે મહત્તમ કેટલો સમય લઈ શકાય તેની સમયમર્યાદા નક્કી કરી હતી. પહેલાં કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે આ વિવાદમાં કૂદીને સુપ્રીમ કોર્ટની ટીકા કરી હતી અને હવે દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ તેમાં કૂદ્યા છે.

જગદીપ ધનખડે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે નારાજગી વ્યક્ત કરીને કહ્યું છે કે, દેશની કોઈ કોર્ટ રાષ્ટ્રપતિને આદેશ આપી ના શકે અને આપણે એવી પરિસ્થિતિ ના પેદા થવી દેવી જોઈએ કે જ્યાં કોર્ટ રાષ્ટ્રપતિને આદેશ આપે. 8 એપ્રિલે તમિળનાડુ રાજ્યના રાજ્યપાલ વિદ્ધ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતાં ધનખડે કટાક્ષ કર્યો કે, હવે આપણે ત્યાં ન્યાયાધીશો જ કાયદો બનાવશે, ન્યાયાધીશો જ સરકાર ચલાવશે અને સુપર પાર્લામેન્ટ તરીકે કામ કરશે. આ બધુ કર્યા પછી તેમની કોઈ એકાઉન્ટિબિલિટી નથી કેમ કે આ દેશનો કાયદો તેમને લાગુ પડતો નથી.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : ફારુક ભારત તરફી રહે તો ફાયદામાં રહેશે

જગદીપ ધનખડના કહેવા પ્રમાણે, બંધારણ હેઠળ સુપ્રીમ કોર્ટને એકમાત્ર અધિકાર બંધારણનું અર્થઘટન કરવાનો મળ્યો છે પણ સુપ્રીમ કોર્ટ સુપર પાર્લામેન્ટ તરીકે વર્તી રહી છે. બંધારણની કલમ 142 હેઠળ કોર્ટને આપવામાં આવેલી
વિશેષ સત્તાઓ લોકશાહી સામે 24 બાય 7 ઉપલબ્ધ પરમાણુ મિસાઇલ બની ગઈ છે. ધનખડે એ જ્ઞાન પણ પીરસ્યું છે કે, લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. બધી સંસ્થાઓએ તેમની મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ કેમ કે કોઈપણ સંસ્થા બંધારણથી પર નથી અને ઉપર પણ નથી.

જગદીપ ખનખડે એ જ વાત કરી છે કે જે કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે કરી હતી. ફરક માત્ર શબ્દોનો છે. આર્લેકરે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ન્યાયિક અતિરેક ગણાવીને કહેલું કે, સુપ્રીમ કોર્ટ પોતાની મર્યાદા ઓળંગીને સરકાર અને વિધાનસભાના કામમાં દખલ કરી રહી છે. આર્લેકરે સવાલ પણ કર્યો હતો કે, કોર્ટ બંધારણમાં સુધારો કરવા માંડે તો સંસદ અને વિધાનસભાની ભૂમિકા શું હશે? જગદીપ ધનખડે પણ સુપ્રીમ કોર્ટને સુપર પાર્લામેન્ટ ગણાવીને એ જ વાત કરી છે અને એ જ પ્રકારના સવાલો મૂક્યા છે.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : ‘જય શ્રી રામ’ ના નારાના વિવાદ સાથે ભાજપને શું લેવાદેવા?

ધનખડની વાતો હાસ્યાસ્પદ છે અને આઘાતજનક પણ છે. વધારે આઘાત એ જોઈને લાગે કે, તેમની વાતો વિરોધાભાસી છે. ધનખડ સાહેબે જ્ઞાન પીરસ્યું છે કે, લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. સવાલ એ છે કે, આ વાત રાજ્ય સરકારોને લાગુ નથી પડતી ? ચૂંટાયેલી સરકારો દ્વારા વિધાનસભામાં પસાર કરાયેલાં બિલોને રાજ્યપાલો રોકી રાખે ત્યારે ચૂંટાયેલી સરકારની સર્વોપરિતા ક્યાં જાય છે ? રાજ્યપાલ તો નિમાયેલી વ્યક્તિ છે પણ એ ચૂંટાયેલી સરકારના બોસ બનીને વર્તે એ કેટલું યોગ્ય કહેવાય ? ધનખડ સાહેબે એ વિશે પણ બોલવું જોઈતું હતું.

ધનખડ સાહેબે બધી સંસ્થાઓને પોતાની મર્યાદામાં રહીને વર્તવાની સલાહ આપી છે. એ સુપ્રીમ કોર્ટને સલાહ આપવા બેઠા છે તો દેશના ઉપરાષ્ટ્રપતિ તરીકે એ રાજ્યપાલોને આ સલાહ કેમ નથી આપી શકતા ? આ વિવાદ અથવા સમસ્યા જે પણ ગણો તેનું મૂળ રાજ્યપાલો પોતાની મર્યાદા નથી જાળવતા અને બંધારણીય ફરજો નથી નિભાવતા તેમાં છે. દેશના બંધારણે રાજ્યપાલોએ કઈ રીતે કામ કરવું અને કઈ મર્યાદા જાળવવી એ નક્કી કરેલું જ છે. રાજ્યપાલો આ મર્યાદા જાળવીને વર્તે અને ચૂંટાયેલી સરકારોને પોતાની રીતે કામ કરવાનો અધિકાર છે એમ માનીને વર્તે તો કોઈ સમસ્યા કે વિવાદ જ ના થાય.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : રાજ્યપાલો બિલ રોકી રાખે તો વિધાનસભાનું કામ શું?

ધનખડે એક મુદ્દો સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને આદેશ ના આપી શકે તેનો ઉઠાવ્યો છે. પહેલી વાત એ કે, સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને કોઈ આદેશ આપ્યો નથી પણ તેમની બંધારણીય ફરજોની યાદ અપાવી છે. રાજ્યની વિધાનસભાએ પસાર કરેલા ખરડાને અનિશ્ચિત કાળ સુધી લટકાવી રાખવો એ જે તે રાજ્યનું અપમાન કહેવાય. રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ કોઈને પણ એવું અપમાન કરવાનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટ એ વાતની યાદ દેવડાવે તેમાં સુપર પાર્લામેન્ટ નથી થઈ જતી.

બીજું એ કે, ધનખડ પોતે જ કહે છે કે, બંધારણથી કોઈ પર નથી તો રાષ્ટ્રપતિ કઈ રીતે બંધારણથી પર ગણાય ? રાષ્ટ્રપતિએ પણ બંધારણ પ્રમાણે વર્તવું પડે કે નહીં ? ને રાષ્ટ્રપતિ બંધારણ પ્રમાણે ના વર્તે તો શું ? આ દેશના બંધારણમાં તેના જવાબો અપાયેલા જ છે. રાષ્ટ્રપતિનું ગૌરવ જળવાય એ માટે એવી જોગવાઈ કરાયેલી છે કે, બંધારણને લગતા કોઈ પણ વિવાદ કે સંશયના કેસમાં રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની સલાહ લઈ શકે છે. આ જોગવાઈનો અર્થ જ એ છે કે, બંધારણીય બાબતમાં રાષ્ટ્રપતિ નહીં પણ સુપ્રીમ કોર્ટ સર્વોપરી છે.

આપણા બંધારણમાં બીજી પણ એક મહત્ત્વની જોગવાઈ છે. ભારતીય બંધારણની કલમ 142 સુપ્રીમ કોર્ટને તેની સમક્ષ પડતર કોઈપણ બાબતમાં સંપૂર્ણ ન્યાય કરવા માટે જરૂરી કોઈપણ આદેશ જારી કરવાની સત્તા આપે છે. આ દેશનું બંધારણ સામાન્ય માણસથી માંડીને રાષ્ટ્રપતિ સુધીનાં બધાંને લાગુ પડે છે તેથી ન્યાયના હિતમાં સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને પણ આદેશ આપી શકે છે.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : રેખાને ‘ઉમરાવજાન’ કુમુદિની લાખિયાએ બનાવી હતી

આ સત્તામાં દસ્તાવેજો શોધવા, રજૂ કરવા અને કોર્ટના તિરસ્કારની સજા માટે આદેશ આપવાની સત્તાનો પણ સમાવેશ થાય છે. આ કલમનો હેતુ એ જ છે કે, કાયદાકીય જોગવાઈઓ અપૂરતી હોય અને જેમની જવાબદારી કાયદાનું પાલન
કરવાની કે બંધારણ પ્રમાણે વર્તવાની છે એ લોકો પોતાની ફરજ ચૂકે તો પણ સુપ્રીમ કોર્ટ તેની ફરજ અસરકારક રીતે નિભાવી શકે અને ન્યાય કરી શકે. સુપ્રીમ કોર્ટ રાજ્યપાલો દ્વારા રોકી રખાતાં બિલોના કેસમાં એ ફરજ જ બજાવી રહી છે. કમ સે કમ આ દેશમાં એક સંસ્થા તો એવી છે કે જે બંધારણને વફાદાર છે અને બંધારણનું જતન કરવા મથી
રહી છે.

ધનખડ કે આર્લેકર સહિતના મહાનુભાવોએ સુપ્રીમ કોર્ટની કે બીજા કોઈની ટીકા કરવાના બદલે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે કે પોતે ખરેખર આ દેશના બંધારણ તરફ વફાદારી બતાવી રહ્યા છે કે પછી બીજા કોઈની તરફ? ધનખડ પણ પહેલાં પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ હતા તેથી એ વધારે સારી રીતે આત્મનિરીક્ષણ કરી શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button