અંજારની યુવતીએ પડોશીના ઘરે જઈ આત્મહત્યા કરી લેતા ચકચાર

ભુજઃ પૂર્વ કચ્છના અંજાર શહેરના રામદેવ નગરમાં રહેનાર નેહલ રમેશ કોળી (ઉ.વ.૧૮) નામની યુવતીએ પાડોશીના પતરાના મકાનમાં જઇ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જયારે કિડાણામાં મિતુલ ધનજી પટેલ (ઉ.વ. ૩૫) નામનો યુવક અને મુંદરા તાલુકાના મોટી ખાખરમાં જનાવરોએ ફાડી ખાધેલો આધેડનો મૃતદેહ મળી આવતાં પંથકમાં અરેરાટી પ્રસરી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે, અંજારના રામદેવ નગર વિસ્તારમાં રહેનાર નેહલ કોળી નામની યુવતીએ પાડોશમાં આવેલા પતરાના મકાનમાં જઇ, એંગલમાં દુપટ્ટો બાંધી અકળ કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દઈ દેતાં બનાવ અંગે હાલ તપાસ શરૂ થઇ છે. બીજી તરફ, કિડાણામાં રહેનાર મિતુલ પટેલ નામનો યુવક સોમૈયા સોસાયટી પાસેના જાહેર માર્ગ પરથી મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમ્યાન તેનું કુદરતી મોત હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચો: કચ્છની ખાનગી હૉસ્પિટલમાં યુવતીનું દવાના રિએક્શનથી મોત થતા ખળભળાટ
દરમ્યાન, મોટી ખાખર ગામ જવાના રસ્તા પર પારસ વાટિકા વાડી પર કોહવાયેલી હાલતમાં દેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા આ દેહ મૂળ અમદાવાદના હીરપુરમાં રહેતા અને હાલે નવીનાળની લેબર કોલોનીમાં રહેતા ૪પ વર્ષીય પ્રદીપ ગણેશ મક્વાણાનો હોવાનું સામે આવ્યું હતું. મૃતક ગત ૧૬ એપ્રિલના બપોરે ત્રણ વાગ્યાના અરસામાં નવીનાળ લેબર કોલોની ખાતેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો અને ગઈકાલે રાત્રે સાળા નવ વાગ્યાના અરસામાં તેની પશુઓ દ્વારા વિકૃત કરી દેવાયેલી લાશ મળી આવી હતી. હાલ મુંદરા પોલીસે એડી દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.