આરસીબીની હારની હૅટ-ટ્રિક, પંજાબ બીજા નંબર પર આવી ગયું
ચહલ, અર્શદીપ અને વઢેરા મૅચ-વિનર બન્યા: અવૉર્ડ ટિમ ડેવિડને અપાયો

બેંગ્લૂરુ: અહીં ગઈ કાલે આઇપીએલ (IPL-2025)ની 34મી મૅચમાં વરસાદના વિઘ્નો વચ્ચે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 14-14 ઓવરના ટૂંકા મુકાબલામાં યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)નો પંજાબ કિંગ્સ (PBKS) સામે પાંચ વિકેટે પરાભવ થયો હતો. એ સાથે હવે આરસીબી આ સીઝનમાં હોમ-ગ્રાઉન્ડ બેંગલૂરુ (BENGALURU)માં ત્રીજી મૅચ પણ હારી ગયું છે.
વરસાદ (Rain)ને લીધે ટૂંકાવવામાં આવેલી મૅચમાં કુલ 26.1 ઓવરમાં 14 વિકેટ પડી હતી. પરાજિત આરસીબીની ટીમના ઑલરાઉન્ડર ટિમ ડેવિડ (અણનમ 50 રન અને બે કૅચ)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. રોમાંચક મેચ બાદ પંજાબના ખેલાડીઓએ આઇપીએલના નવા નઝરાણા સમાન રૉબોટ-ડૉગ સાથે થોડી હળવી પળો માણી હતી.
એક તરફ ઘરઆંગણે આરસીબીની હારની હૅટ-ટ્રિક થઈ અને બીજી બાજુ પંજાબની ટીમ 10 પોઈન્ટ સાથે હવે બીજા નંબર પર આવી ગઈ છે. દિલ્હી કેપિટલ્સ પ્રથમ સ્થાને છે. ત્રીજા નંબર પર ગુજરાત ટાઇટન્સ અને ચોથા નંબરે આરસીબી છે.
આરસીબીએ બૅટિંગ મળ્યા પછી નિર્ધારિત 14 ઓવરમાં ટિમ ડેવિડ (50 અણનમ, 26 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)ના અસાધારણ પર્ફોર્મન્સની મદદથી નવ વિકેટે 95 રન કર્યા હતા. પંજાબના યુઝવેન્દ્ર ચહલે 11 રનમાં બે તથા અર્શદીપે 23 રનમાં બે વિકેટ લઈને આરસીબીને સૌથી વધુ નુકસાન કર્યું હતું. હરપ્રીત બ્રારે અને માર્કો યેનસેને પણ બે વિકેટ તથા બાર્ટલેટે એક વિકેટ લીધી હતી.
પંજાબે 12.1 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 98 રન કરીને પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. પંજાબની ટીમે એક તબક્કે 96 રનના નાના લક્ષ્યાંક સામે 53 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ નેહલ વઢેરા (33 અણનમ, 19 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) પંજાબ માટે તારણહાર બન્યો હતો અને પંજાબને જિતાડ્યું હતું.

એ પહેલાં, 96 રનનો નાનો લક્ષ્યાંક મળ્યો હોવા છતાં પ્રિયાંશ આર્ય (16 રન), પ્રભસિમરન સિંહ (13 રન), કેપ્ટન શ્રેયસ ઐયર (સાત રન), જૉશ ઇંગ્લિસ (14 રન) અને શશાંક સિંહે (એક રન) સસ્તામાં વિકેટ ગુમાવી હતી. આરસીબીના જૉશ હૅઝલવુડ (14 રનમાં ત્રણ વિકેટ) અને ભુવનેશ્વર (26 રનમાં બે વિકેટ)નો બોલિંગ પર્ફોર્મન્સ એળે ગયો હતો.