મહારાષ્ટ્ર ભાજપે 1.5 કરોડ પ્રાથમિક સભ્યો અને 1.34 લાખ સક્રિય કાર્યકરો નોંધાવ્યા છે: રાજ્યસભાના સાંસદ

મુંબઈ: ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભા સાંસદ અરુણ સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે પાર્ટીના મહારાષ્ટ્ર એકમે 1.5 કરોડથી વધુ પ્રાથમિક સભ્યો અને 1.34 લાખથી વધુ સક્રિય સભ્યો નોંધાવીને ઇતિહાસ રચ્યો છે.
આ સિદ્ધિ રાજ્યમાં ભાજપના કાર્યકરો અને નેતાઓની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, એમ તેમણે અહીં પાર્ટીના રાજ્ય મુખ્યાલયમાં એક પત્રકાર પરિષદને સંબોધતા દાવો કર્યો હતો.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાજ્ય ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળે અને કાર્યકારી પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણના નેતૃત્વમાં પાર્ટીના સંગઠનાત્મક તબક્કામાં સફળતા મળી છે. ભાજપનો પ્રાથમિક સભ્યપદનો આંકડો 1.5 કરોડને વટાવી ગયો છે. પાર્ટીની સિત્તેર ટકા બૂથ સમિતિઓની રચના થઈ ચૂકી છે. બાવીસમી એપ્રિલ સુધીમાં એક લાખ બૂથ સમિતિઓની સ્થાપના કરવાનું લક્ષ્ય છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં 1.5 કરોડ નવા સભ્યો નોંધણીનું ભાજપનું અભિયાન
દરેક બૂથમાં બાર સભ્યો હશે, જેના પરિણામે બાર લાખ સક્રિય કાર્યકરોની ટીમ બનશે, એમ સિંહે ઉમેર્યું.
આ વર્ષે જાન્યુઆરીથી, પક્ષના કાર્યકરો અને પદાધિકારીઓ 1.5 કરોડ પ્રાથમિક સભ્યોના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે ઘરે ઘરે ગયા છે, એમ ચવ્હાણે જણાવ્યું હતું.
‘અમે લગભગ 1.4 લાખ સક્રિય સભ્યો સુધી પહોંચ્યા છીએ અને હવે 3 લાખના લક્ષ્યાંક તરફ કામ કરી રહ્યા છીએ. રાજ્યભરના તમામ 1,196 મંડળ પ્રમુખો માટે ચૂંટણી વીસમી એપ્રિલે નિયુક્ત નિરીક્ષકોની દેખરેખ હેઠળ યોજાશે. ત્યારબાદ, સંગઠનાત્મક કવાયતનો આગળનો તબક્કો બાવીસમી એપ્રિલે નવા જિલ્લા પ્રમુખોની પસંદગી સાથે શરૂ થશે,’ એમ તેમણે કહ્યું હતું.