હેરાલ્ડ કેસમાં ઇડીની ચાર્જશીટ: યુવા કોંગ્રેસનું પુણેમાં રેલ રોકો

પુણે: નેશનલ હેરાલ્ડ કેસમાં કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, નેતા રાહુલ ગાંધી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ચાર્જશીટને વખોડવા યુવા કૉંગ્રેસના કાર્યકરોએ શુક્રવારે પુણે શહેરમાં ‘રેલ રોકો’ આંદોલન દરમિયાન લોકલ ટ્રેનો અટકાવી દીધી હતી અને કહ્યું હતું કે ભાજપની રાજકીય રમત સાંખી લેવામાં નહીં આવે.
દેખાવકારોનું કહેવું હતું કે નેશનલ હેરાલ્ડ કેસ રાહુલ ગાંધીને ડરાવવા માટેનું કેન્દ્ર સરકારનું કાવતરું છે. રેલ રોકો આંદોલનમાં અંદાજે ૬૦ કાર્યકરો જોડાયા હતા અને ખડકી રેલવે સ્ટેશન ખાતે પુણે-લોનાવાલા લોકલ ટ્રેનને રોકી દીધી હતી. પોલીસે દેખાવકારોની ધરપકડ કરીને શિવાજીનગર રેલવે સ્ટેશન ખાતેના રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ) પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા.
આપણ વાંચો: નેશનલ હેરાલ્ડ કેસ: નહેરૂ-ગાંધી ખાનદાન દૂધે ધોયેલો નથી
આ નિમિત્તે યુવા કૉંગ્રેસના રાજ્યના કાર્યવાકી પ્રમુખ શિવરાજ મોરેએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા રાજકીય વેર વાળવા માટેનો જે સિલસિલો શરૂ કરાયો છે તે તદ્દન સહન નહીં કરવામાં આવે.
રાહુલ ગાંધી સામેનો ખોટો કેસ તે તેમના અવાજને દબાવી દેવાનું કાવતરું છે. આ લોકશાહી પરનો હુમલો છે. યુવા કોંગ્રેસ રસ્તા પર ઊતરી આવશે, રેલવેને રોકી દેવામાં આવશે અને સરકારને હલાવી મૂકાશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
(પીટીઆઇ)