61 વર્ષની ઉંમરે લગ્ન કરવા જઈ રહ્યા છે ભાજપના નેતા, જાણો કોણ છે?

કોલકાતા: પશ્ચિમ બંગાળ ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષ હાલના દિવસોમાં સમાચારમાં છે અને તેનું કારણ તેના લગ્ન. મળતા અહેવાલો અનુસાર દિલીપ ઘોષ 61 વર્ષની ઉંમરે લગ્ન કરવા જઈ રહ્યા છે.
ખાસ વાત એ છે કે તેઓ જે મહિલા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે તે પોતે એક પાર્ટી કાર્યકર છે અને તેમનું નામ રિંકુ મજુમદાર છે. વળી દિલીપ ઘોષ ખૂબ જ સાદગીથી લગ્ન કરવા જઈ રહ્યા છે.
શા માટે કરી રહ્યા છે લગ્ન?
અહેવાલો અનુસાર દિલીપ ઘોષે 61 વર્ષની ઉંમરે લગ્ન કરવાનો આ નિર્ણય કોઈ દબાણમાં નહીં, પરંતુ તેમની માતાની ઇચ્છા પૂરી કરવા માટે લીધો છે. દિલીપ ઘોષના નજીકના લોકો કહે છે કે તેમનાં માતા ઘણા સમયથી ઈચ્છતા હતા કે તેમના પુત્રના લગ્ન થઈ જાય. તે હંમેશાં કહ્યા રાખતા હતા કે જો હું નહીં હોઉં તો તારી સંભાળ કોણ રાખશે.
રિંકુએ જ મૂક્યો હતો લગ્નનો પ્રસ્તાવ
એવી પણ વિગતો છે કે ખૂદ રિંકુએ જ પહેલા લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, અને તે પણ છેલ્લી લોકસભાની ચૂંટણીમાં દિલીપ ઘોષની હાર બાદ. હવે તેમના લગ્ન એકદમ સાદા અને પારિવારિક વાતાવરણમાં યોજાવા જઈ રહ્યા છે જેમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર રહેશે. હાલમાં કોઈપણ પ્રકારના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી.
આપણ વાંચો: Lok Sabha Election: ચૂંટણીમાં ટીએમસીના કીર્તિ આઝાદ વિજયી, યુસુફ પઠાણે અધીર રંજનને હરાવ્યા
કોણ છે રિંકુ મજુમદાર?
રિંકુ મજુમદારના છૂટાછેડા થયેલા છે અને એક દીકરાની માતા છે. હવે તેમનો દીકરો પણ પુખ્ત વયનો થઈ ગયો છે અને એક IT કંપનીમાં જોબ કરે છે.
રિંકુ તાજેતરમાં ૩ એપ્રિલના રોજ ઈડન ગાર્ડન્સમાં જોવા મળી હતી, જેનાથી આ નવા સંબંધોની અટકળોને વેગ મળ્યો હતો. આ લગ્ન દિલીપ ઘોષના અંગત જીવનમાં એક નવો અધ્યાય ખોલી રહ્યા છે એટલું જ નહીં, પરંતુ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બની ગયા છે.