`એ ક્રિકેટરો મને અશ્લીલ ફોટા મોકલતા હતા’…આવો ચોંકાવનારો આરોપ મૂક્યો જાતિ બદલીને છોકરી બનેલી સંજય બાંગડની દીકરીએ!

મુંબઈઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય બાંગડની પુત્રી અનાયા બાંગડ (Anaya Bangar) તાજેતરમાં જ જાતિ પરિવર્તન કરીને છોકરામાંથી છોકરી બની છે અને તેણે એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. કેટલાક સાથી ક્રિકેટરો (cricketers) તેની માનસિક સતામણી કરતા એવો સનસનાટીભર્યો આક્ષેપ અનાયાએ તેમની સામે કર્યો છે.
અનાયાએ કહ્યું છે કે કેટલાક ક્રિકેટરો તેને ગંદી ગાળો આપતા હતા અને ક્યારેક કેટલાક જાણીતા ખેલાડીઓ પોતાના નગ્ન ફોટા (photo) પણ તેને મોકલતા હતા.
આપણ વાંચો: ઇંગ્લેન્ડની ભૂતપૂર્વ ક્રિકેટર ઈસા ગુહાએ જાનવર માટે વપરાતો શબ્દ બુમરાહ માટે વાપર્યો અને પછી…
અનાયાએ આ મુલાકાતમાં પોતાની યાતના વ્યક્ત કરતા કહ્યું છે કે `અમુક ક્રિકેટરો મને પર્સનલમાં પ્રાઇવેટ ફોટો મોકલતા હતા. એમાંનો એક પીઢ ક્રિકેટર મને આ રીતે અશ્લીલ ફોટો મોકલીને કહેતો હતો કે મારી સાથે કારમાં બેસ…ચલ, આપણે ક્યાંક જઈએ. ઘણા ક્રિકેટરો મને ગાળો આપતા અને મારો ફોટો માગતા હતા.’
અનાયા બાંગડ માટે જાતિ પરિવર્તન કરવું જરાય આસાન નહોતું. તેના પિતા સંજય બાંગડે તેને ક્રિકેટ છોડી દેવા કહ્યું હોવાનું ખુદ અનાયાએ જ મુલાકાતમાં જણાવ્યું હતું.
સંજય બાંગડ બાવન વર્ષના છે. તેઓ મહારાષ્ટ્રના બિડ જિલ્લાના છે. તેઓ ભારત વતી 2001થી 2004 દરમ્યાન 12 ટેસ્ટ અને 15 વન-ડે રમ્યા હતા. તેઓ આઇપીએલમાં ડેક્કન ચાર્જર્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વતી રમ્યા હતા.

યશસ્વી અને મુનીર ખાન સાથે રમી છે અનાયા
અનાયા અગાઉ છોકરો હતી ત્યારે ક્રિકેટ રમતી હતી અને ત્યારે તે ભારતીય ઓપનર અને રાજસ્થાન રૉયલ્સના બૅટ્સમૅન યશસ્વી જયસ્વાલ સાથે રમી હતી.
અનાયા કરીઅરમાં એક તબક્કે સરફરાઝ ખાન અને તેના નાના ભાઈ મુશીર ખાન સાથે પણ રમી હતી. અનાયા કહે છે કે `ક્નિનરોને ક્રિકેટ નથી રમવા દેવામાં આવતા એ બદલ હું ખૂબ નારાજ છું. તેમને મહિલા ક્રિકેટમાં રમવાની છૂટ મળવી જોઈએ.’
અનાયાની ક્રિકેટ કરીઅર પર એક નજર…
અનાયા બાંગડની ક્રિકેટ કરીઅર બહુ લાંબી નથી ચાલી. તે મુંબઈમાં ક્લબ ક્રિકેટ રમી છે. તે ઇંગ્લૅન્ડના મૅન્ચેસ્ટર શહેરમાં રહેતી હતી ત્યારે કાઉન્ટી ક્લબ ક્રિકેટ પણ રમતી હતી. એક ઇનિંગ્સમાં અનાયાએ 145 રન કર્યા હતા. અનાયાએ ક્રિકેટની પ્રારંભિક તાલીમ પિતા સંજય બાંગડ પાસેથી લીધી હતી.
તે અગાઉ મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન સાથે સંકળાયેલી હતી, પરંતુ 2023માં હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપી (એચઆરટી) કરાવ્યા પછી તેની ક્રિકેટ કારકિર્દીને માઠી અસર થઈ હતી. ત્યાર પછી તેણે ક્રિકેટ સાથે અંતર કરી લીધું હતું.