‘વાલ્મિક કરાડ એન્કાઉન્ટર’નો દાવો કરનારો સસ્પેન્ડેડ સબ-ઇન્સ્પેક્ટર સેવામાંથી બરતરફ…

મુંબઈ: બીડના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસના મુખ્ય આરોપી વાલ્મિક કરાડને ખતમ કરવા માટે કોન્ટ્રેક્ટ મડયો હોવાનો દાવો કરનારા બીડના સસ્પેન્ડેડ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રણજિત કાસલેને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યો છે.
સક્ષમ પ્રશાસન તરીકે ભારતના બંધારણની કલમ 311 (2) (બી) હેઠળ છત્રપતિ સંભાજીનગર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ દ્વારા કાસલે વિરુદ્ધ પગલાં લેવાયાં હતાં. અગાઉ બીડ પોલીસ દ્વારા કાસલેને બરતરફ કરવાની ભલામણ કરતો પ્રસ્તાવ ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવ્યો હતો. કાસલેએ અગાઉ રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન ધનંજય મુંડે અને તેના નિકટવર્તી વાલ્મિક કરાડ વિરુદ્ધ આરોપો કર્યા હતા. ગુરુવારે રાતે પુણે એરપોર્ટ પર કાસલેએ જણાવ્યું હતું કે કરાડને ખતમ કરવાનો મને કોન્ટ્રેક્ટ મળ્યો હતો, એવું હું છાતી ઠોકીને કહીં શકું છું.
બીડના સ્થાપિત ઊર્જા કંપનીને ખંડણી માટે લક્ષ્ય બનાવવાના પ્રયાસોને કથિત પણે અટકાવનારા દેશમુખનું 9 ડિસેમ્બર, 2024ના રોજ અપહરણ કર્યા બાદ ટોર્ચર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણે કરાડ સહિત આઠ જણની ધરપકડ કરાઇ હતી અને તેમની સામે એમસીઓસીએ (મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) લગાવાયો હતો.
કાસલેને અગાઉ સસ્પેન્ડ કરાયો હતો અને તેની વિરુદ્ધ પ્રાથમિક તપાસ ચાલી રહી હતી. સોશ્યલ મીડિયા પર બીજી એપ્રિલે વાંધાજનક ટિપ્પણી પોસ્ટ કરવા બદલ કાસલે સામે શિડ્યુલ્ડ કાસ્ટ એન્ડ શિડયુલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીસ) એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
ધરપકડથી બચવા ભાગી રહેલા કાસલેએ સોશ્યલ મીડિયા પર સનસનાટીભર્યા દાવા કરતા વીડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા, જેને પોલીસ અધિકારીઓએ વારંવાર ફગાવી દીધા હતા. તાજેતરના વીડિયોમાં તેણે પોતાની વિરુદ્ધ દાખલ કેસ સંબંધે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શુક્રવારે બીડની હોટેલમાંથી તેને તાબામાં લેવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ગુરુવારે પુણેમાં કાસલેને પુછાયું હતું કે તારા દાવા માટે શું પુરાવા છે. એ સમયે કાસલેએ જણાવ્યું હતું કે આવી ઓફરો બંધબારણે કરાય છે અને તેનું કોઇ પગેરું નહીં રખાય તેની ખાતરી રાખવામાં આવે છે. મેં કરાડના એન્કાઉન્ટરની ઓફર નકારી કાઢી, કારણ કે હું માનતો હતો કે કરાડ જો કસૂરવાર હશે તો કાયદો તેને સજા કરશે. કાસલેએ દાવો કર્યો હતો કે તેનું અપહરણ કરીને કોલ્હાપુરના બારશી ખાતે લઇ જવાયો હતો. ચૂંટણીના દિવસે તેની ડ્યૂટી બદલી નાખવામાં આવી હતી. એક ભૂતપૂર્વ પ્રધાન સાથે જોડાયેલા કંપનીના અકાઉન્ટમાંથી તેને 10 લાખ રૂપિયા અપાયા હતા. (પીટીઆઇ)
આપણ વાંચો : સંતોષ દેશમુખ હત્યા કેસઃ વાલ્મિક કરાડને કસ્ટડી બાદ જેલમાં 5 પલંગ લાવતા વિવાદ