આમચી મુંબઈ

મુુંબઈના પીવાનાં પાણીની સમસ્યાનો તોડ: ગારગાઈ ડેમને મળી પર્યાવરણ મંજૂરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈના રહેવાસીઓની પીવાનાં પાણીની જરૂરિયાતોને પૂરી કરવાના એક મહત્ત્વપૂર્ણ પગલામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગારગાઈ ડેમ પ્રોજેક્ટ માટે જરૂરી વન્યજીવન અને પર્યાવરણીય મંજૂરીઓ આપવાને લીલી ઝંડી દાખવી છે.

રાજ્યએ કેન્દ્ર સરકારના પરીવેશ પોર્ટલ પર ઉપલબ્ધ નકશાના આધારે વાઘ કોરિડોર રૂટને અંતિમ સ્વરૂપ આપવાનો પણ નિર્ણય લીધો. આ વાઘ કોરિડોરમાં આવતી ખાનગી જમીન ખેડૂતોની સંમતિથી સંપાદિત કરવામાં આવશે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગુરુવારે મંત્રાલય ખાતે યોજાયેલી મહારાષ્ટ્ર રાજ્ય વન્યજીવન બોર્ડની 24મી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: થાણે જિલ્લામાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કાલુ ડેમનું કામ ઝડપી બનાવો

ફડણવીસે જણાવ્યું હતું કે ગારગાઈ પ્રોજેક્ટ શહેર માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેની વધતી જતી વસ્તીને પાણીની અછત વર્તાવાની છે. અત્યારે મુંબઈ શહેરને સાત જળાશયમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે.

844.879 હેક્ટર જંગલ જમીનને ડાયવર્ઝન માટે મંજૂરી મળતાં મુંબઈને હવે વધારાનું પીવાલાયક પાણી મળશે. તેમણે વધુમાં વન વિભાગને જરૂરી વન્યજીવન અને પર્યાવરણીય મંજૂરીઓ જારી કરવાનો નિર્દેશ આપ્યો, જે શરતોને આધિન રહેશે. મંજૂરી મેળવવા માટે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડને તાત્કાલિક સંપૂર્ણ દરખાસ્ત રજૂ કરવી જોઈએ, જેનાથી ગારગાઈ ડેમ પ્રોજેક્ટને વેગ મળશે.

આ પણ વાંચો: કાલુ ડેમ પૂર્ણ થવાથી થાણે મહાનગરની પાણીની સમસ્યા કાયમી ધોરણે ઉકેલાઈ જશે: એકનાથ શિંદે

અધિકારીઓએ રાજ્ય વન્યજીવન બોર્ડની સ્થાયી સમિતિ દ્વારા ભલામણ કરાયેલા ટાઈગર કોરિડોર સાથે સંરક્ષિત અને પર્યાવરણીય સંવેદનશીલ ઝોનમાં આવતા વિકાસ પ્રોજેક્ટ્સ પર પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.

પરિવેશ પોર્ટલ પરના નકશા અનુસાર ટાઈગર કોરિડોરને રેખાંકિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યે કહ્યું હતું કે આ માર્ગો પરની ખાનગી જમીનો સ્વેચ્છાએ સંપાદિત થવી જોઈએ. વધુમાં, તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે માળખાગત સુવિધાઓ અને અન્ય પ્રોજેક્ટ્સ માટે વાળવામાં આવેલી જંગલ જમીનોના બદલામાં, ટાઈગર કોરિડોરને અડીને આવેલા ખાનગી પ્લોટ સ્વેચ્છાએ વનીકરણ માટે સંપાદિત કરવા જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button