રાજસ્થાને સુપરઓવરમાં ભૂલ કરી? બિશપ અને પુજારાનું માનવું છે કે…

નવી દિલ્હીઃ બુધવારે અહીં અરુણ જેટલી સ્ટેડિયમના મેદાન પર દિલ્હી કૅપિટલ્સ (DC) સામેના રોમાંચક મુકાબલામાં રાજસ્થાન રૉયલ્સ (RR)એ બે વાર હાથમાં આવેલી બાજી ગુમાવી દીધી હતી અને એ ફિયાસ્કો વચ્ચે એવી ચર્ચા છે કે રાજસ્થાને સુપરઓવર (SUPEROVER)માં બૅટ્સમેનની પસંદગી કરવામાં ભૂલ કરી હતી.
ભૂતપૂર્વ કૅરિબિયન ફાસ્ટ બોલર ઇયાન બિશપ (IAN BISHOP) અને ભારતના ટેસ્ટ-સ્પેશિયલિસ્ટ ચેતેશ્વર પુજારા (CHETESHWAR PUJARA)નું એવું માનવું છે કે રાજસ્થાને સુપરઓવરમાં નીતીશ રાણાને બૅટિંગમાં મોકલવો જોઈતો હતો, કારણકે મુખ્ય મૅચમાં રાણાએ પ્રેશરના સમયે ચોથા નંબર પર આવીને ફક્ત 28 બૉલમાં બે સિક્સર અને છ ફોરની મદદથી 51 રન કર્યા હતા.
દિલ્હીએ બૅટિંગ મળ્યા પછી અભિષેક પોરેલના 49 રન, કેએલ રાહુલના 38 રન, અક્ષર પટેલના 34 તેમ જ ટ્રિસ્ટેન સ્ટબ્સના અણનમ 34 રનની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 188 રન બનાવ્યા હતા. રાજસ્થાનની ટીમે યશસ્વી જયસ્વાલના 51 રન, નીતીશ રાણાના પણ 51 રન, કૅપ્ટન સંજુ સૅમસનના (રિટાયર હર્ટ થતાં પહેલાંના) 31 રન તેમ જ ધ્રુવ જુરેલના 26 રનની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટે 188 રન બનાવ્યા હતા.

આપણ વાંચો: દિલ્હી કૅપિટલ્સની રનર-અપ ખેલાડીઓ ફાઇનલ હાર્યા બાદ ડિનર માટે જમીન પર જ ગોઠવાઈ ગઈ
દિલ્હીના ફાસ્ટ બોલર (અને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતનાર) મિચલ સ્ટાર્કે રાજસ્થાનની ઇનિંગ્સની 20મી ઓવરમાં નવ રન ડિફેન્ડ કરવાના હતા અને એ ઓવરમાં આઠ રન બનતાં તેમ જ તેના છેલ્લા બૉલે ધ્રુવ જુરેલ રનઆઉટ થતાં સ્ટાર્ક હીરો બની ગયો હતો. બન્ને ટીમના એકસરખા (188-188) રન બનતાં મૅચ ટાઇ થઈ હતી અને સુપરઓવરમાં ગઈ હતી.
જોકે આ એ તબક્કો હતો જ્યારે 2008ની પ્રથમ આઇપીએલની વિજેતા રાજસ્થાન રૉયલ્સની ટીમે ભૂલ કરી હોવાનું મનાય છે. સુપરઓવરમાં ફરી દિલ્હીએ મિચલ સ્ટાર્કને મોરચા પર મૂક્યો હતો, જ્યારે રાજસ્થાનની છાવણીમાંથી બૅટિંગમાં શિમરૉન હેટમાયર અને રિયાન પરાગને મોકલવામાં આવ્યા હતા.

બૅટિંગમાં લેફ્ટ-રાઇટની જોડીને મોકલવાની યોજના હતી એટલે આ બન્નેને સુપરઓવરનો પડકાર ઝીલવા મોકલવામાં આવ્યા હતા. ત્રીજા બૅટ્સમૅન તરીકે યશસ્વી જયસ્વાલને મોકલવામાં આવ્યો હતો.
રિયાન (ચાર રન) અને યશસ્વી (0) રનઆઉટ થયા હતા અને આ બૅક-ટુ-બૅક રનઆઉટની ગરબડ વચ્ચે અણનમ રહેલો હેટમાયર એક ફોરથી બનેલા છ રન પર અણનમ રહ્યો હતો. બન્નેને રનઆઉટ કરાવવામાં બોલર સ્ટાર્કનું મોટું યોગદાન હતું.
ચોથા-પાંચમા બૉલ પર રનઆઉટમાં બે વિકેટ પડી જતાં નિયમ મુજબ રાજસ્થાનનો સુપરઓવરનો દાવ પાંચમા જ બૉલે 11 રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો.
આપણ વાંચો: મુંબઈ ઇન્ડિયન્સનું બીજું ટાઇટલ, કૅપિટલ્સ માટે દિલ્હી હજીયે દૂર…
ત્યાર બાદ રાજસ્થાને બોલિંગમાં પેસ બોલર સંદીપ શર્માને મોકલ્યો હતો. દિલ્હીના કેએલ રાહુલ (એક ફોર સાથે અણનમ સાત રન) અને ટ્રિસ્ટેન સ્ટબ્સ (સિક્સરની મદદથી છ રન)ની જોડીએ ચાર જ બૉલમાં 13 રન બનાવીને દિલ્હીને સુપરઓવરમાં જિતાડી દીધું હતું.
પુજારાએ એક જાણીતી ક્રિકેટલક્ષી વેબસાઇટને કહ્યું હતું કે મારું એવું માનવું છે કે સુપરઓવરમાં રાજસ્થાનના ત્રણમાંથી એક બૅટ્સમૅન નીતીશ રાણા હોવો જ જોઈતો હતો. બીજું, યશસ્વીને ઓપનિંગમાં મોકલવો જોઈતો હતો. કારણ એ છે કે મુખ્ય મૅચમાં તે મિચલ સ્ટાર્ક સામે ઘણું સારું રમ્યો હતો.
ટી-20માં સ્ટાર્ક સામે યશસ્વીનો રેકૉર્ડ પણ સારો છે. ટી-20માં તે સ્ટાર્ક સામે એકેય વાર આઉટ નથી થયો અને ટી-20 મૅચોમાં તેના 15 બૉલમાં યશસ્વીએ 26 રન કર્યા છે. યશસ્વી ટેસ્ટ મૅચોમાં સ્ટાર્કની બોલિંગમાં ત્રણ વાર આઉટ થયો છે, પરંતુ તેના 203 બૉલમાં તેણે 133 રન બનાવ્યા છે. સુપરઓવરમાં જો યશસ્વી આક્રમક રમ્યો હોત તો સ્ટાર્કના યૉર્કર તેની સામે કારગત ન નીવડ્યા હોત.'
દિલ્હીનો વિજેતા કૅપ્ટન અક્ષર પટેલ પણ સુપરઓવરમાં હેટમાયરને બૅટિંગમાં આવતો જોઈને ચોંકી ગયો હતો. મૅચ પછી અક્ષરે કહ્યું,
મેં જોયું હતું કે મુખ્ય મૅચમાં હેટમાયર બૉલ સાથે બૅટને કનેક્ટ કરવામાં પણ સંઘર્ષ કરી રહ્યો હતો એવામાં તેને સુપરઓવરમાં મોકલવામાં આવતાં મને નવાઈ લાગી હતી. હું તો સમજતો હતો કે યશસ્વી અને રિયાનને ઓપનિંગમાં મોકલવામાં આવશે. જોકે તેમણે જેમને મોકલ્યા એ અમારા ફાયદામાં જ હતું.’