ભૂતપૂર્વ ગુજરાતી બોલરને ઝઘડો ભારે પડ્યો, પચીસ ટકા ફી કપાઈ ગઈ

નવી દિલ્હીઃ બુધવારે અહીં આઇપીએલ (IPL-2025)ની વર્તમાન સીઝનની જ નહીં, પણ છેલ્લા ચાર વર્ષની પ્રથમ સુપરઓવરમાં દિલ્હી કૅપિટલ્સ (DC)એ રોમાંચક વિજય મેળવ્યો, પણ મૅચના ઉતાર-ચઢાવની ઘટનાઓ વચ્ચે ભારતના ભૂતપૂર્વ પેસ બોલર અને દિલ્હીની ટીમના બોલિંગ-કોચ મુનાફ પટેલ (MUNAF PATEL)થી ક્રિકેટને લગતો એક ગુનો થઈ ગયો જે બદલ તેની પચીસ ટકા મૅચ-ફી કાપી લેવામાં આવી છે.
એટલું જ નહીં, તેના નામે એક ડીમેરિટ પૉઇન્ટ પણ નોંધવામાં આવ્યો છે. મુનાફે એક અધિકારી સાથે જે દલીલ કરી એમાં મુનાફનો વાંક સાબિત જણાતાં તેને આ દંડ કરવામાં આવ્યો છે.
મુનાફે રાજસ્થાન રૉયલ્સ (RR) સામેના આ હાઇ-વૉલ્ટેજ મુકાબલામાં આઇપીએલની આચારસંહિતાની (CODE IF CONDUCT) કલમ 2.20 હેઠળ લેવલ-વન પ્રકારના નિયમનો (OFFENCE) ભંગ કર્યો હતો. આ મૅચમાં બન્ને ટીમે એકસરખા 188 રન બનાવતાં મૅચ સુપરઓવરમાં ગઈ હતી.
આપણ વાંચો: આઇપીએલમાં અલર્ટઃ હૈદરાબાદનો બિઝનેસમૅન અગાઉ મૅચ-ફિક્સિંગના પ્રયત્નો કરી ચૂક્યો છે
મૅચ-રેફરી શક્તિ સિંહે જાહેર કરેલી (દંડની) સજા મુનાફે સ્વીકારી લેતાં વધુ સુનાવણી નહોતી રાખવામાં આવી.
મુનાફનો શું ગુનો હતો એ અહેવાલોમાં સ્પષ્ટપણે નહોતું જણાવવામાં આવ્યું, પણ કહેવાય છે કે મુનાફને ફરજ પરના એક મૅચ-અધિકારી સાથેનો ઝઘડો મોંઘો પડ્યો. મૅચ દરમ્યાન મુનાફ એક સંદેશ સાથે એક ખેલાડીને મેદાન પર મોકલવા માગતો હતો, પરંતુ એવું કરવાની તેને (મુનાફને) મનાઈ કરવામાં આવી હતી. એ વાતે મુનાફે અધિકારી સાથે દલીલ કરી હતી.
2011માં એમએસ ધોનીના સુકાનમાં ભારત વન-ડેનો વર્લ્ડ કપ જીત્યું એ ચૅમ્પિયન ટીમમાં મુનાફનો સમાવેશ હતો. ગયા વર્ષે નવેમ્બરમાં મુનાફને દિલ્હીના ફ્રૅન્ચાઇઝીએ જેમ્સ હોપ્સના સ્થાને દિલ્હીની ટીમનો બોલિંગ-કોચ નિયુક્ત કર્યો હતો.
41 વર્ષનો મુનાફ પટેલ મૂળ ભરૂચ જિલ્લાના ઇખર ગામનો છે. આઇપીએલમાં તે મુંબઈ ઇન્ડિયન્સ, રાજસ્થાન રૉયલ્સ અને ગુજરાત લાયન્સ વતી રમ્યો હતો. ભારત વતી મુનાફે 2006થી 2011 સુધીની કરીઅર દરમ્યાન 70 વન-ડેમાં 86 વિકેટ, 13 ટેસ્ટમાં 35 વિકેટ અને ત્રણ ટી-20માં ચાર વિકેટ લીધી હતી.