આઇપીએલમાં અલર્ટઃ હૈદરાબાદનો બિઝનેસમૅન અગાઉ મૅચ-ફિક્સિંગના પ્રયત્નો કરી ચૂક્યો છે
મૅચ-ફિક્સરની કાર્ય પધ્ધતિ કેવી છે જાણી લો…

નવી દિલ્હીઃ 18 વર્ષ જૂની અને ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મૅચ-ફિક્સિંગની જાળ બિછાવીને કોઈને ફસાવવા હૈદરાબાદનો એક બિઝનેસમૅન (HYDERABAD BUSINESSMAN) ફરી રહ્યો હોવાની બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ આ ટૂર્નામેન્ટ સાથે સંકળાયેલા દરેકને ચેતવ્યા એને પગલે બીસીસીઆઇની જ ઍન્ટિ-કરપ્શન સિક્યૉરિટી યુનિટ (ACSU)એ એવું મંતવ્ય વ્યક્ત કર્યું છે કે આ બિઝનેસમૅનના બુકીઓ તેમ જ પન્ટરો સાથે સંપર્ક છે અને તે અગાઉ આવી (મૅચ-ફિક્સિંગની) પ્રવૃત્તિઓમાં સંડોવાઈ ચૂક્યો છે.
એસીએસયુના મતે આ હૈદરાબાદી બિઝનેસમૅન ખાસ કરીને ખેલાડીઓને ફિક્સિંગ માટે જાળમાં સપડાવવાની કોશિશ કરતો હોય છે. કહેવાય છે કે તે ટીમ હોટેલોની આસપાસ તેમ જ સ્ટેડિયમોમાં એક કે એકથી વધુ વખત આવી ચૂક્યો છે. તે ખાસ કરીને ખેલાડીઓ અને તેમના સ્ટાફ સાથે દોસ્તી કરે છે અને પછી તેમને પ્રાઇવેટ પાર્ટીઓમાં આવવાનું આમંત્રણ આપે છે.
તે માત્ર ખેલાડીઓને જ નહીં, તેમના પરિવારજનોને પણ ગિફ્ટ ઑફર કરતો હોય છે.' આના પરથી ક્રિકેટજગતમાં ચર્ચા છે કે હૈદરાબાદના આ કથિત વેપારીએ ક્યારે, કયા તબક્કે અને કોની સાથે શેની બાબતમાં મૅચ-ફિક્સિંગ કે અન્ય પ્રકારના ફિક્સિંગ કર્યા હશે? બીજો સવાલ એ ચર્ચાય છે કે તેણે કોઈનો સંપર્ક કર્યો હશે તો એ વ્યક્તિએ બીસીસીઆઇને જાણ કેમ નહીં કરી હોય? ક્રિકેટને લગતી એક જાણીતી વેબસાઇટના અહેવાલ મુજબ બીસીસીઆઇએ આઇપીએલના ફ્રૅન્ચાઇઝીઓના માલિકો, ખેલાડીઓ, કોચિંગ સ્ટાફના મેમ્બર્સ, સપોર્ટ સ્ટાફ તેમ જ કૉમેન્ટેટર્સને ચેતવતા જણાવ્યું છે કે આ શંકાસ્પદ બિઝનેસમૅન સાથે કોઈ પ્રકારની વાતચીત કરવાનું ટાળવું, કારણકે તે ક્રિકેટમાં ભ્રષ્ટ કહેવાતી પ્રવૃત્તિઓ કરવા માટે લાલચ અને પ્રલોભનો આપવાનો પ્રયત્ન કરે છે.
એસીએસયુએ આઇપીએલ સાથે સંકળાયેલા તમામ લોકોને એ વાતે પણ વાકેફ કર્યા છે કે
તમને કોઈ પણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિની ગંધ આવે તો તરત અમને જાણ કરી દેવી. બીસીસીઆઇ આવા પ્રકારના દૂષણને નેસ્તનાબૂદ કરવા કટિબદ્ધ છે.
આપણ વાંચો: રોહિત-વિરાટના ટેસ્ટ યુગનો સાગમટે અંત આવી રહ્યો છે કે શું?
આ બિઝનેસમૅનની મૉડસ ઑપરેન્ડી (કાર્ય પધ્ધતિ) એવી છે કે તે ઝવેરાત સહિતની મોંઘીદાટ ભેટસોગાદો આપે છે કે જેથી કોઈને તેના પર કે તેની પાસેથી ગિફ્ટ લેનારાઓ પર શંકા ન જાય.
પહેલાં તો આ બિઝનેસમૅન ફ્રૅન્ચાઇઝીઓના માલિકો, ખેલાડીઓ, કોચ તેમ જ સપોર્ટ સ્ટાફના મેમ્બર્સના પરિવારજનોને મળે છે, તેમની ટીમનો ડાઇ-હાર્ડ ફૅન હોવાનું કહીને તેમને મોંઘાદાટ ઘરેણા વેચતા શૉ રૂમમાં લઈ જાય છે અથવા તો લાલચ આપીને ફાઇવસ્ટાર હોટેલમાં બોલાવે છે.
એટલું જ નહીં, આ મૅચ-ફિક્સર આઇપીએલની ટીમોના માલિકો તથા ખેલાડીઓના વિદેશોમાં રહેતા સંબંધીઓનો પણ સોશિયલ મીડિયાના પ્લૅટફોર્મ મારફત સંપર્ક કરે છે અને પછી તેમને ફોસલાવવા ધીમે-ધીમે જાળ બિછાવે છે.’