‘શાળાને પૈસા કમાવવાનું મશીન બનાવી દીધું છે’, હાઇકોર્ટ શાળાને ઠપકો આપ્યો

નવી દિલ્હી: ખાનગી શાળાઓમાં વધતી જઈ રહેલી ફીને કારણે વાલીઓ પર આર્થીક બોજ સતત વધી રહ્યો છે, મધ્યમ અને ગરીબ વર્ગના બાળકોને ખાનગી શાળામાં ભણવું ખુબજ મુશ્કેલ બની રહ્યું. એવામાં દિલ્હી હાઈ કોર્ટે ખાનગી શાળાઓમાં ફી વધારા અંગે કડક ટીપ્પણીઓ (Delhi High court rebuke Schools) કરી હતી.
દિલ્હી સરકારે તાજેતરમાં 10 શાળાઓને કારણદર્શક નોટિસ ફટકારી હતી. ફી વધારા અંગેના એક કેસની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, કોર્ટે એક દ્વારકા વિસ્તારમાં આવેલી DPS શાળાને ઠપકો આપ્યો હતો. હાઈ કોર્ટે કહ્યું કે શાળાઓ પૈસા કમાવવાના મશીનો બની ગઈ છે. ન્યાયધીશ સચિન દત્તાએ કેસની સુનાવણી કરી અને શિક્ષણની વર્તમાન પરિસ્થિતિને ખૂબ જ ચિંતાજનક ગણાવી હતી.
શાળા પર આરોપ:
એક અહેવાલ મુજબ DPS દ્વારકાના ફી વધારાના કેસની તપાસ માટે 8 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ કહ્યું છે કે આ શાળાએ 2020 થી 2025 સુધી સતત ફી વધારો કર્યો છે. ઘણા વાલીઓએ હવે વધેલી ફી ચૂકવવાનો ઇનકાર કરી દીધો છે. આરોપ છે કે વધેલી ફી ન ભરનારા વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને અને માનસિક ત્રાસ આપવામાં આપ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતના 15 જિલ્લાની 2398 ગ્રાન્ટેડ શાળાનું ખાતાકીય ઓડિટ કરવા આદેશ
દિલ્હી હાઈકોર્ટે ઠપકો આપ્યો:
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સચિન દત્તાએ સ્પષ્ટ પણે કહ્યું કે શાળાએ ખાતરી કરવી પડશે કે કોઈ પણ વિદ્યાર્થી માનસિક રીતે હેરાન ન થાય. કોઈની સાથે ભેદભાવ ન થવો જોઈએ. તપાસમાં જાણવા મળ્યું કે જે વિદ્યાર્થીઓએ ફી ચૂકવી ન હતી તેમને લાઇબ્રેરીમાં અલગથી બેસવાની ફરજ પાડવામાં આવી હતી, અન્ય વિદ્યાર્થીઓ સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને કેન્ટીનમાં જવાથી પણ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે આવા વર્તનને સહન કરી શકાય નહીં.
જસ્ટિસ દત્તાએ શાળાને ઠપકો આપ્યો અને એમ પણ કહ્યું કે આવી કાર્યવાહી આઘાતજનક છે, તમે જે રીતે વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર કરી રહ્યા છો, તેનાથી હું ચિંતિત છું. આ લોકો પૈસા કમાવવા માટે બાળકોનો ઉપયોગ કરી રહ્યા છે. તમે વિદ્યાર્થીઓને આ રીતે ત્રાસ ન આપી શકો. તમે શાળાનો ઉપયોગ પૈસા કમાવવાના મશીન તરીકે કરી રહ્યા છો.