
નવી દિલ્હી: ભારતની સંસદે તાજેતરમાં પસાર કરેલા વકફ અમેન્ડમેન્ટ કાયદા, 2025ને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો (Waqf amendment act hearing in SC) છે, જેની સુનાવણી ગઈ કાલે બુધવારે શરુ કરવામાં આવી. સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને કે વી વિશ્વનાથનની બનેલી બેન્ચે મહત્વપૂર્ણ ટીપ્પણીઓ કરી હતી.
નોંધનીય છે કે બેન્ચ વકફ (અમેન્ડમેન્ટ) અધિનિયમ, 2025 કેન્દ્રીય વકફ પરિષદ અને રાજ્ય વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોની નિમણુકને મંજૂરી આપે છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે વકફ (સુધારા) અધિનિયમ, 2025 ની આ જોગવાઈ પર પ્રશ્ન ઉઠાવ્યા હતાં. CJIએ સરકારને કહ્યું “શું તમે એવું સૂચન કરી રહ્યા છો કે મુસ્લિમો સહિત અન્ય લઘુમતીઓને પણ હિન્દુ ધાર્મિક સંસ્થાઓનું સંચાલન કરતા બોર્ડમાં સામેલ કરવા જોઈએ? અમને સ્પષ્ટ પણે કહો.”
કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ કાયદામાં સામેલ જોગવાઈઓનો બચાવ કર્યો, ભાર મૂક્યો કે બિન-મુસ્લિમ સભ્યોનો સમાવેશ મર્યાદિત છે અને કાયદો આ સંસ્થાઓની મુખ્યત્વે મુસ્લિમ રચનાને અસર કરતું નથી.
આ પણ વાંચો: વકફ કાયદા મુદ્દે સુપ્રીમ કોર્ટમા સુનાવણી શરૂ, કપિલ સિબ્બલે કહ્યું આ બંધારણના અનુચ્છેદ 26નો ભંગ
તુષાર મહેતાએ બેન્ચ સામે સવાલ ઉઠાવ્યા:
તુષાર મહેતાએ એવી પણ દલીલ કરી હતી કે વકફ બોર્ડમાં બિન-મુસ્લિમના સમાવેશ સામે વાંધો હોય તો, એ તર્ક મુજબ બિન-મુસ્લિમ ન્યાયધીશોની બેન્ચ પણ આ મામલાની સુનાવણી ન કરી શકે. તુષાર મહેતાની આ દલીલ સામે CJI સંજીવ ખન્નાએ કડક ટીપ્પણી કરી કરી હતી.
તુષાર મહેતાએ બેન્ચને કહ્યું,”જો વૈધાનિક બોર્ડમાં બિન-મુસ્લિમોની હાજરી સામેના વાંધાને સ્વીકારવામાં આવે, તો વર્તમાન બેન્ચ પણ આ મામલાની સુનાવણી કરી શકશે નહીં. તે તર્ક દ્વારા જઈએ લોર્ડશીપ્સ આ મામલાની સુનાવણી ન કરી શકે.”
આ પણ વાંચો: વકફ કાયદા અંગે NDA માં મતભેદ? NDAના ઘટક પક્ષના વિધાનભ્યએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી
CJI નો જવાબ:
CJI સંજીવ ખન્નાએ તુષાર મેહતાને કહ્યું, “ના, માફ કરશો મિસ્ટર મહેતા, જ્યારે અમે અહીં બેસીએ છીએ, ત્યારે અમે અમારો ધર્મ ભૂલી જઈએ છીએ. અમે સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક છીએ. અમારા માટે, એક કે બીજી બાજુ સમાન છે.”
સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ વકફ (સુધારા) કાયદો, 2025 ની કેટલીક મુખ્ય જોગવાઈઓ પર સ્ટે મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. વધુ સુનાવણી આજે ગુરુવારે હાથ ધરવામાં આવશે.