દુબઈમાં પાકિસ્તાની શખ્સે ત્રણ ભારતીયો પર હુમલો કર્યો, બેના મોત

દુબઈ: હજારો ભારતીય નાગરીકો આજીવિકા કમાવવા યુનાઇટેડ અરબ એમિરેટ્સ(UAE)દુબઈમાં રહે છે. દુબઈમાં ભારતીય નાગરીકો સામે હિંસાનો એક ગંભીર બનાવ બન્યો છે. 11 એપ્રિલના રોજ દુબઈમાં કામ કરવા ગયેલા તેલંગાણાના ત્રણ ભારતીય નાગરિકો પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો (Attack on 3 Indians in Dubai) હતો, જેમાં બેના મોત થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાને કારણે દુબઈમાં ભારતીયોની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે.
અહેવાલ મુજબ આ ઘટના દુબઈની એક બેકરીમાં બની હતી. ત્રણેય ભારતીય યુવાનો એ જ બેકરીમાં કામ કરતા હતા. પીડિતોના પરિવારનો આરોપ છે કે આ હુમલો એક પાકિસ્તાની નાગરિક દ્વારા કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની શખ્સ ધાર્મિક નારા લગાવતો બેકરીમાં ઘૂસી ગયો હતો, તલવારથી હુમલો કર્યો હતો.
બંને યુવકો તેલંગાણાના રહેવાસી:
અહેવાલ મુજબ તેલંગાણાના નિર્મલ જિલ્લાના સૌન ગામના રહેવાસી 35 વર્ષીય અષ્ટપુ પ્રેમસાગરનું આ હુમલામાં મૃત્યુ થયું હતું. તેના પરિવારજનોએ જણાવ્યું કે પ્રેમસાગર છેલ્લા 5-6 વર્ષથી દુબઈમાં એક બેકરીમાં કામ કરતો હતો. તે નોકરી પર હતો ત્યારે આરોપીએ તેના પર તલવારથી હુમલો કર્યો, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું.
આ હુમલામાં મૃત્યુ પામેલા બીજા યુવકની ઓળખ નિઝામાબાદ જિલ્લાના શ્રીનિવાસ તરીકે થઈ છે. આ ઘટનામાં ઘાયલ થયેલા ત્રીજા વ્યક્તિનું નામ સાગર છે, જે હોસ્પિટલમાં દાખલ છે. સાગરની પત્નીએ ભારત સરકારને મદદ માટે અપીલ કરી.
આપણ વાંચો: ‘નિર્ણય ચીને લેવાનો છે’ ટેરીફ મુદ્દે ટ્રમ્પ મક્કમ, ટ્રેડવોર વધુ તીવ્ર બનશે?
કેન્દ્રીય પ્રધાને દુબઈ પોલીસને કાર્યવાહી કરવ માંગ કરી:
કેન્દ્રીય પ્રધાન કિશન રેડ્ડીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. કેન્દ્રીય પ્રધાન કિશન રેડ્ડીએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેમણે વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે વાત કરી છે, જેમણે અસરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલી મદદ કરવાની ખાતરી આપી છે.
કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન બાંદી સંજય કુમારે પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે ગૃહ મંત્રાલય આ મામલે વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે અમે આ મામલે દુબઈ પોલીસ પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છીએ અને પીડિત પરિવારોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.