ધોનીની સિકસર્સ આ દિગ્ગજોથી પણ વધુ, મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ છેક આટલા દિવસે મળ્યો…

લખનઊ: મહેન્દ્ર સિંહ ધોની (MS DHONI) 43 વર્ષની ઉંમરે કદાચ છેલ્લી આઈપીએલ (IPL) રમી રહ્યો છે, પરંતુ ફરી કેપ્ટન્સી સંભાળવાની જવાબદારી વચ્ચે પણ આટલી મોટી ઉંમરે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને સોમવારે લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામે જીત અપાવવી અને છ વર્ષે ફરી વાર મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર પણ જીતી લેવો એ નાનીસૂની વાત ન કહેવાય.
બીજી ખાસ બાબત એ છે કે આ વખતની આઈપીએલમાં ધોનીની સિક્સરનો આંકડો તેનાથી ઉંમરમાં ઘણા નાના યુવા તેમ જ દિગ્ગજ ખેલાડીઓથી પણ મોટો છે.
ધોનીએ આ વેળા સંજુ સૅમસન, ઈશાન કિશન, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ, ફાફ ડુ પ્લેસી, હાર્દિક પંડ્યા, રિન્કુ સિંહ, રિષભ પંત, રોહિત શર્મા, શશાંક સિંહ, ડેવિડ મિલર, નીતીશ કુમાર રેડ્ડી વગેરે કરતાં વધુ સિક્સર ફટકારી છે.
માહીએ આઈપીએલમાં સોમવારે 2,176 દિવસ બાદ ફરી એક વાર મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી લીધો.
અવૉર્ડ ધોનીને કેમ અપાયો?
સોમવારે ધોનીએ અણનમ 26 રન કરવા ઉપરાંત એક કૅચ પકડ્યો હતો, એક બૅટ્સમૅનને રનઆઉટ કર્યો હતો તેમ જ એક પ્લેયરને સ્ટમ્પ-આઉટ પણ કર્યો હતો.
આ પણ વાંચો: CSK એ ઋતુરાજની જગ્યાએ 17 વર્ષીય ખેલાડીને ટીમમાં સામેલ કર્યો, આવો રહ્યો છે રેકોર્ડ
અગાઉનો પુરસ્કાર 2019ની આઈપીએલમાં
આ પહેલાં ધોનીએ મે, 2019માં 37 વર્ષની ઉંમરે દિલ્હી કેપિટલ્સ સામેની મૅચમાં ધમાકેદાર પર્ફોર્મ કરીને પુરસ્કાર જીતી લીધો હતો. ત્યાર બાદ છેક હવે તેણે 43 વર્ષની વયે અવૉર્ડ મેળવ્યો છે.
લખનઊ સામે ચેન્નઈ કેવી રીતે જીત્યું?
સોમવારે ધોનીએ 11 બૉલમાં એક હાથે (વન-હૅન્ડેડ) ફટકારેલી સિક્સર અને ચાર ફોરની મદદથી અણનમ 26 રન બનાવીને મૅચ-વિનિંગ પર્ફોર્મ કર્યું હતું. તેની સાથે શિવમ દુબે (43 અણનમ, 37 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) છેક સુધી ક્રીઝ પર રહ્યો હતો. બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 57 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.

ચેન્નઈએ 167 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ 19.3 ઓવરમાં 168/5ના સ્કોર સાથે શાનદાર જીત હાંસલ કરી હતી. ઓપનર શેખ રાશીદે ડેબ્યૂ મૅચમાં જ ઉપયોગી 27 રન કરવાની સાથે રચિન રવીન્દ્ર (બાવીસ બૉલમાં 37 રન) સાથે બાવન રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી. લખનઊ વતી રવિ બિશ્નોઈએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
એ પહેલાં, લખનઊએ કેપ્ટન રિષભ પંતના 63 રનની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 166 રન કર્યાં હતા. ચેન્નઈના બોલર્સમાં જાડેજા અને પથિરાનાએ બે-બે વિકેટ લીધી હતી.
આજે કોની મૅચ?
પંજાબ વિરુદ્ધ કોલકાતા
મુલ્લાંપુર, સાંજે 7.30 વાગ્યે