અમદાવાદમા ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા માટે તૈયારીનો પ્રારંભ, 29 જૂને રથયાત્રા

અમદાવાદ : અમદાવાદ શહેરમા દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે 29 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે. જેની માટે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિર અને ભગવાનના મોસાળ સરસપુર મંદિરમા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમા આ વર્ષે સરસપુર ખાતે ભગવાનના મોસાળમાં મામેરાના યજમાન તરીકે વાસણા વિસ્તારમાં રહેતા જાગૃતિબેન મનીષ ત્રિવેદીને લાભ મળ્યો છે.
છેલ્લા 9 વર્ષથી રાહ જોતા હતા
મામેરાનો લાભ મળતા યજમાન મનીષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે છેલ્લા 9 વર્ષથી રાહ જોતા હતા. તેથી સારામાં સારું મામેરું કરીશું એવી ભાવના છે. તેમજ આ વર્ષે અમે અલગ રીતે જ મામેરાનું આયોજન કરીશું. અમારા ત્યાં કથા હતી અને રામજીની પોથીમાં અમને સમાચાર મળ્યા કે મામેરાના ડ્રોમાં અમારું નામ ખુલ્યું છે. આ ઉપરાંત ત્રિવેદી પરિવારની મહિલાઓએ નક્કી કર્યું આ વર્ષે ક્યારેક કોઈએ ના કર્યું હોય તેવું હટકે મામેરું કરવામા આવશે.
ભવ્ય મામેરું કરાશે
અમે મામેરાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મનીષ ત્રિવેદીના પત્ની જાગૃતિ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ભગવાનનું મામેરુ કરવાનો અમને ખૂબ જ હરખ છે. અમે સોના ચાંદીના દાગીના વાઘા અલગ થીમ પ્રમાણેનું મામેરું કરીશું. મામેરાના વસ્ત્ર, આભૂષણ સહિતની વસ્તુઓ લોકો દર્શન કરી શકે તેના માટે ચાર દિવસનો કાર્યક્રમ પણ અમારા વાસણા ખાતે આવેલા ઘરે રાખવામાં આવશે.