ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ટ્રમ્પે હવે યુનિવર્સીટીઝ સામે કાર્યવાહી શરુ કરી, હાર્વર્ડની ગ્રાન્ટના અરબો ડોલર્સ ફ્રીઝ કર્યા

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ સામે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સામે સતત આરોપ લાગી રહ્યા છે કે તેઓ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારી રહ્યા છે. તાજેતરમાં, તેમણે એક ટીવી શો દરમિયાન તેમની મજાક ઉડાવવા બદલ એક તેમણે ચેનલને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી. હવે ટ્રમ્પે અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી હાર્વર્ડ(Harvard University) સામે પણ પગલા ભર્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ યુનિવર્સીટીને મળતું $2.2 બિલિયન ફેડરલ ફંડિંગ અટકાવી દીધું છે. આ ઉપરાંત 60 મિલિયન ડોલરના કરાર પણ સ્થગિત કરી દેવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીને કેમ્પસ એક્ટિવિઝમને રોકવા માટેની સુચના આપી હતી, યુનિવર્સિટીએ આ સુચનાઓનું પાલન ન કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ટ્રમ્પ વહીવટીતંત્રએ આ પગલા ભર્યા છે.

પત્ર લખીને આપી આવી સુચનાઓ:

શુક્રવારે મોકલવામાં આવેલા એક પત્રમાં, ટ્રમ્પ વહીવટીતંત્રએ હાર્વર્ડને “મેરિટ-બેઝ્ડ” પ્રવેશ અને હાયરિંગ પદ્ધતિઓ અપનાવવા, ડાયવર્સીટી અંગેના તેમના મંતવ્યોના આધારે વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને લીડર્સનું ઓડિટ કરવા, ફેસ માસ્ક પર પ્રતિબંધ મૂકવા સહિતના વ્યાપક ફેરફારો લાગુ કરવા સુચના આપી હતી.
પેલેસ્ટિનિયન તરફી વિરોધીઓને ધ્યાનમાં રાખી આ સુચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ટ્રમ્પે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના વડાને પાણીચું આપ્યું…

હાર્વર્ડે સુચનાઓ ના સ્વીકારી:

હાર્વર્ડના વચગાળાના પ્રમુખ એલન ગાર્બરે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને પત્ર લખીને સરકારના આદેશોનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે યુનિવર્સિટી તેની “સ્વતંત્રતા અને બંધારણીય અધિકારો” સાથે સમાધાન કરશે નહીં.

એલન ગાર્બરે સોમવારે પ્રતિક્રિયા આપતાં આ માંગણીઓને યુનિવર્સિટીના ફર્સ્ટ અમેન્ડમેન્ટ રાઈટ્સનું ઉલ્લંઘન ગણાવ્યું. આ ઉપરાંત તેમણે આ સૂચનોને ટાઈટલ VI હેઠળ ફેડરલ સત્તાનો અતિરેક ગણાવ્યો, જે જાતિ, રંગ અથવા રાષ્ટ્રીય મૂળના આધારે ભેદભાવ પર પ્રતિબંધિત લગાવે છે.

ટ્રમ્પની કાર્યવાહી:

એલન ગાર્બરની પ્રતિક્રિયા બાદ, ટ્રમ્પ વહીવટીતંત્રની એન્ટીસેમેટીઝ્મ મોનિટરિંગ ટાસ્ક ફોર્સે $2.2 બિલિયન ગ્રાન્ટ અને $60 મિલિયન સરકારી કરારો પર રોક લગાવવાની જાહેરાત કરી હતી. નિવેદનમાં જણાવવામાં આવ્યું કે “હાર્વર્ડનો પ્રતિભાવ એ ગેરસમજ દર્શાવે છે, જે દેશની ટોચની યુનિવર્સિટીઓમાં ફેલાયેલી છે કે તેમને કરદાતાઓનું ભંડોળ મળવું જોઈએ પણ કોઈ જવાબદારી નથી લેવી.”

આ પણ વાંચો: ટેરિફ વોરથી અમેરિકન શેરબજાર કકડભૂસ, ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણયનો બચાવ કરીને વ્યક્ત કર્યો આ આશાવાદ…

આ યુનિવર્સીટીઝ સામે પણ કાર્યવાહી:

ગાઝામાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલા નરસંહારના વિરોધમાં અમેરિકન યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઇન તરફી વિદ્યાર્થીઓએ પ્રદર્શનોનો કર્યા હતાં. ટ્રમ્પ અને રિપબ્લિકન નેતાઓએ વિરોધ પ્રદર્શનોને “હમાસ તરફી” ગણાવ્યા હતાં.
કોલંબિયા યુનિવર્સિટીને ટ્રમ્પ વહીવટીતંત્રના દબાણને પગલે તેના શિસ્ત નિયમોમાં ફેરફાર કરવા અને સુરક્ષા વધારવા માટે પગલાં લેવા પડ્યા હતાં. આમ છતાં, યુનિવર્સિટીના ફંડિંગમમાં $400 મિલિયનના કાપ મુકવામાં આવ્યો.

યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા, બ્રાઉન અને પ્રિન્સટન માટે ફેડરલ ફંડિંગ પણ અટકાવવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button