બિહારમાં ચૂંટણી પહેલા જ RLJPએ NDAથી છેડો ફાડ્યો; કહ્યું જ્યાં સન્માન મળશે ત્યાં જશું

નવી દિલ્હી: બિહાર ચૂંટણી પહેલા રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પશુપતિ કુમાર પારસે એક મોટી જાહેરાત કરીને NDA સાથેના ગઠબંધનથી છેડો ફાડી નાખ્યો છે. તેમણે કહ્યું કે આજથી તેમની પાર્ટી RLJPનો NDA સાથે કોઈ સંબંધ રહેશે નહીં. વિધાનસભા ચૂંટણીમાં અમને જ્યાં સન્માન મળશે તે ગઠબંધનમાં જોડાશું.
RLJPએ NDA સાથે ગઠબંધન તોડ્યું
રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પશુપતિ કુમાર પારસે NDA સાથેના ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીનો હવે NDA સાથે કોઈ સંબંધ રહેશે નહીં.
પારસે નીતીશ સરકાર પર પ્રહારો કર્યા અને તેને દલિત વિરોધી ગણાવી હતી. ડો. આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે પાર્ટી દ્વારા આયોજિત સંકલ્પ સંમેલનમાં સંબોધન દરમિયાન તેમણે જાહેરાત કરી હતી.
આપણ વાંચો: લોકસભાની ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનની પાર્ટીમાં ધમાલઃ 22 નેતાએ પાર્ટી છોડી
NDA સાથે કોઈ સંબંધ નથી
પશુપતિ પારસે કહ્યું કે, હવેથી તેમનો NDA સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું, ‘આજથી અમે NDA સાથે નથી, NDA સાથે અમારો કોઈ સંબંધ નથી’. 2014માં એનડીએમાં જોડાયા ત્યારથી અમે તેમના વફાદાર સાથી રહ્યા છીએ.
પરંતુ અમારે જોવું પડ્યું કે જ્યારે લોકસભાની ચૂંટણીઓ થાય છે, ત્યારે અમારા પક્ષને અન્યાયનો સામનો કરવો પડે છે કારણ કે તે દલિતોનો પક્ષ છીએ.
આપણ વાંચો: ‘મારી અને મારી પાર્ટી સાથે અન્યાય થયો’, કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે આપ્યું રાજીનામું
રામવિલાસ પાસવાનને ભારત રત્ન આપવાની માંગ
આ સાથે જ તેમણે કહ્યું હતું કે, જો મહાગઠબંધન સમયસર અમને યોગ્ય સન્માન આપશે, તો અમે ચોક્કસપણે ભવિષ્યના રાજકારણ વિશે વિચારીશું. આ સાથે જ પશુપતિ પારસે સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાનને ભારત રત્ન આપવાની માંગ પણ કરી હતી. તેમણે એ પણ માહિતી આપી કે તેમની પાર્ટી 243 બેઠકો પર સભ્યપદ અભિયાન શરૂ કરવા જઈ રહી છે.