મહારાષ્ટ્ર

સરપંચ હત્યાના આરોપી વાલ્મિક કરાડ મુદ્દે બરતરફ પોલીસ અધિકારીના દાવાથી ખળભળાટ

બીડ: બરતરફ કરવામાં આવેલા બીડના પોલીસ અધિકારી રણજિત કાસલેએ દાવો કર્યો છે કે તેમને મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં મુખ્ય આરોપી વાલ્મિક કરાડને ઠાર કરવાની ઓફર મળી હતી.

કાસલેએ એમ પણ કહ્યું હતું કે વાલ્મિકી કરાડના બનાવટી એન્કાઉન્ટર માટે તેમને 5-10 કરોડથી શરૂ કરી 50 કરોડ રૂપિયા સુધીની ઓફર કરવામાં આવી હતી. રણજિત કાસલેએ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતા બીડમાં ફરી ખળભળાટ જોવા મળી રહ્યો છે.

રણજીત કાસલે બીડના સાયબર વિભાગમાં પોલીસ ઇન્સ્પેક્ટર હતા. થોડા દિવસ પહેલા જ તેમને બરતરફ કરવામાં આવ્યા બાદ તેણે સોશિયલ મીડિયા પર અનેક સનસનીખેજ દાવા કર્યા છે. જોકે, હવે વાલ્મિક કરાડના એન્કાઉન્ટર અંગેના તેમના દાવાએ ભારે સનસનાટી મચાવી દીધી છે.

આપણ વાંચો: સરપંચની હત્યાના કેસમાં પક્ષના જોડાણને અવગણીને પગલાં લેવા મુખ્ય પ્રધાનને જણાવ્યું છે: અજિત પવાર

કાસલેએ જણાવ્યું હતું કે ‘અક્ષય શિંદે કેસમાં પાંચ પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ કરવામાં આવે અને એસઆઇટીની રચના કરવામાં આવે એવા સમાચાર મેં ટીવી પર સમાચાર જોયા. એસઆઇટી બેસાડવાથી કોઈ ફાયદો નહીં થાય.

જો એસઆઇટી જ બેસાડવી હોય તો કેન્દ્રની એસઆઈટીનું ગઠન કરો તો જ સત્ય બહાર આવશે. મને વાલ્મિક કરાડનું એન્કાઉન્ટર કરવાની ઓફર કરવામાં આવી હતી. મેં કહ્યું આ પાપ હું નહિ કરું. 10 કરોડ, 20 કરોડ, 50 કરોડની વન ટાઈમ ઓફર કરવામાં આવે છે.

આપણ વાંચો: બીડમાં સરપંચની હત્યાનો કેસ: સર્વપક્ષી મોરચામાં બધા આરોપીની ધરપકડ કરવાની માગણી

પોલીસ અધિકારી ગમે ત્યાં હોય, તેને જરૂર હોય એ વિભાગમાં બોલાવવામાં આવે છે. હું સાયબર વિભાગમાં હતો. તેઓ જાણતા હતા કે આ વ્યક્તિ દમદાર છે, કામ કરી શકે છે. હું મારા ગુણગાન નથી ગાતો, નહીં તો અથવા તો છોડી મુકેલા શ્વાન મારા પર ભસશે.’

વધુમાં રણજીત કાસલેએ જણાવ્યું હતું કે ‘પોલીસની ચાર સભ્યની ટીમ તેમજ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન વચ્ચે ગુપ્ત બેઠક યોજાઇ હતી. હવે શું કરવું એનો વિચાર આવી બેઠકમાં કરવામાં આવે છે. ત્યારબાદ પાંચ-છ વિશ્વાસુ લોકોની બીજી ટીમ પસંદ કરવામાં આવે છે, જે સ્થળ પર જાય છે. અક્ષય શિંદેના કેસમાં આવું જ બન્યું હશે.

આ ટીમમાં એક અધિકારી, બે અમલદાર, હવાલદાર હોય છે. આ તમામને 5 કરોડ, 10 કરોડ રૂપિયાની લમ્પસમ ઓફર કરવામાં આવે છે. જો તપાસ થશે તો પણ અમારી સરકાર હોવાથી તમને તપાસમાંથી મુક્ત કરીશું એમ પોલીસને કહેવામાં આવે છે. આ રીતે બોગસ એન્કાઉન્ટર થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button