તિલક વર્માએ દિલ્હીના મેદાન પર મુંબઈની આબરૂ સાચવી

નવી દિલ્હીઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ અહીં આજે યજમાન દિલ્હી કૅપિટલ્સ (DC) સામે બૅટિંગ મળ્યા બાદ સાધારણ શરૂઆત કર્યા પછી ચોથા નંબરે રમવા આવેલા તિલક વર્મા (59 રન, 33 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર)ની લડાયક ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 205 રન કરીને અપરાજિત દિલ્હીની ટીમને 206 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો.
તિલક (TILAK VERMA)ને મૂળ હરિયાણાના પચીસ વર્ષીય નમન ધીર (38 અણનમ, 17 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)નો સારો સાથ મળ્યો હતો અને તેમણે પાંચમી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરીને એમઆઇને 200 રનનો આંક અપાવ્યો હતો.
એ પહેલાં, રોહિત શર્મા (18 રન, 12 બૉલ, એક સિક્સર, બે ફોર) ફરી લાંબી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો હતો.
આપણ વાંચો: દસ કા દમ: મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલની એવી પહેલી ટીમ બની જેણે 10 વાર…
બીજા ઓપનર રાયન રિકલ્ટને (41 રન, પચીસ બૉલ, બે સિક્સર, પાંચ ફોર) તેમ જ વનડાઉન પ્લેયર સૂર્યકુમાર યાદવ (40 રન, 28 બૉલ, બે સિક્સર, પાંચ ફોર)એ સાધારણ યોગદાન આપ્યા હતા, પરંતુ કૅપ્ટન હાર્દિક પંડ્યા ફક્ત બે રન બનાવીને કૅચઆઉટ થયો હતો. નમન ધીર (NAMAN DHIR)ની સાથે વિલ જૅક્સ એક રને અણનમ હતો.
દિલ્હીના કુલદીપ યાદવે હંમેશની જેમ આ મૅચમાં પણ સારું પર્ફોર્મ કર્યું હતું અને 23 રનમાં બે વિકેટ લીધી હતી. બીજા સ્પિનર 20 વર્ષીય વિપ્રાજ નિગમને 41 રનમાં બે વિકેટ તથા મુકેશ કુમારને 38 રનમાં એક વિકેટ મળી હતી. સ્ટાર્ક તેમ જ કૅપ્ટન અક્ષર અને મોહિતને વિકેટ નહોતી મળી.