રાજસ્થાનના જયપુરમાં બેંગ્લૂરુનો જયજયકાર
સૉલ્ટ મૅચ-વિનર, કોહલીની વિક્રમજનક હાફ સેન્ચુરીઃ યશસ્વીના 75 રન પાણીમાં

જયપુરઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ અહીં યજમાન રાજસ્થાન રૉયલ્સ (RR)ને એના જ ગઢમાં નવ વિકેટે હરાવીને દિલ્હી કૅપિટલ્સ સામેની 10મી એપ્રિલની હાર પછી ફરી જીતવાનું શરૂ કર્યું હતું.
ઓપનર ફિલ સૉલ્ટ (65 રન, 33 બૉલ, છ સિક્સર, પાંચ ફોર)એ બાવીસ દિવસ બાદ ફરી એકવાર હાફ સેન્ચુરીથી આરસીબીને જિતાડી હતી. આરસીબીની ટીમ સતત ચોથી મૅચ હરીફ ટીમના મેદાન પર જીતી છે.
રાજસ્થાને બૅટિંગ મળ્યા પછી ચાર વિકેટે 173 રન બનાવ્યા બાદ બેંગલૂરુએ 17.3 ઓવરમાં એકમાત્ર સૉલ્ટ (Phil SALT)ની વિકેટ ગુમાવીને 175 રનના સ્કોર સાથે વિજય હાંસલ કર્યો હતો. સૉલ્ટે વિરાટ કોહલી (62 અણનમ, 45 બૉલ, બે સિક્સર, ચાર ફોર) સાથે 92 રનની મૅચ-વિનિંગ ઓપનિંગ ભાગીદારી કરી હતી.
આપણ વાંચો: દિનેશ કાર્તિકે કહ્યું, `બેંગલૂરુમાં અમારી આરસીબીએ માગ્યું શું ને મળ્યું શું…’
કોહલી (Virat Kohli) ટી-20 ફૉર્મેટમાં 100મી હાફ સેન્ચુરી ફટકારનાર ડેવિડ વૉર્નર પછીનો વિશ્વનો બીજો અને પ્રથમ ભારતીય બૅટ્સમૅન બન્યો છે. વૉર્નરના નામે સૌથી વધુ 108 હાફ સેન્ચુરી છે.
સૉલ્ટ 92મા રને આઉટ થયો ત્યાર બાદ કોહલીએ દેવદત્ત પડિક્કલ (40 અણનમ, 28 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) સાથે 83 રનની અતૂટ ભાગીદારી કરીને આરસીબીની જીત નિશ્ચિત કરી હતી.
ટૂંકમાં, રાજસ્થાને આપેલો 174 રનનો લક્ષ્યાંક ટોચના આ ત્રણ બૅટ્સમેને જ મેળવી આપ્યો હતો. કૅપ્ટન રજત પાટીદાર, લિવિંગસ્ટન કે વિકેટકીપર જિતેશ શર્માએ બૅટિંગ કરવા આવવાની જરૂર જ નહોતી પડી.
આપણ વાંચો: આજે અક્ષરની દિલ્હી હજીયે અપરાજિત રહી શકશે?: બેંગલૂરુ હોમ-ગ્રાઉન્ડ પર જીતશે?
એ પહેલાં, રાજસ્થાને 20 ઓવરમાં ચાર વિકેટે 173 રન બનાવ્યા હતા. ઓપનર યશસ્વી જયસ્વાલ (75 રન, 47 બૉલ, બે સિક્સર, દસ ફોર)નું ટીમના પોણાબસો જેટલા રનમાં સૌથી મોટું યોગદાન હતું. જયપુરની પિચ પર બૉલ નીચો રહી જતો હતો તેમ જ બોલરને પેસ પણ નહોતી મળતી એવી કઠિન સ્થિતિમાં બૉલની અનિશ્ચિતતા વચ્ચે યશસ્વીએ પોણોસો રન કર્યા હતા.
ડેથ ઓવર્સ (છેવટની 17થી 20મી ઓવર)માં રાજસ્થાને 47 રન કર્યા હતા. જો એટલા રન ન થયા હોત તો રાજસ્થાનનું ટોટલ વધુ નીચું હોત.
સુયશ શર્માની 17મી ઓવરના છેલ્લા બૉલમાં વિરાટ કોહલીએ ધ્રુવ જુરેલનો સીધો કૅચ છોડ્યો હતો જેનો જુરેલે અને રાજસ્થાનની ટીમે ફાયદો લીધો હતો.
આપણ વાંચો: વાનખેડેમાં આજે મુંબઈ-બેંગલૂરુ વચ્ચે ટક્કરઃ બન્ને ટીમમાં અનેક મૅચ-વિનર છે
જુરેલને જીવતદાન મળ્યું ત્યારે તે 12 રન પર હતો અને 20મી ઓવરને અંતે તે બે સિક્સર, બે ફોરની મદદથી બનેલા 35 રને અણનમ રહ્યો હતો.
એ પહેલાં, યશસ્વી અને ઓપનર-કૅપ્ટન સંજુ સૅમસન (15 રન) વચ્ચે 41 બૉલમાં 49 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. યશસ્વીએ રિયાન પરાગ (30 રન, બાવીસ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) સાથે 39 બૉલમાં 56 રનની તેમ જ ધ્રુવ જુરેલ (35 અણનમ, 23 બૉલ, બે સિક્સર, બે ફોર) સાથે 16 બૉલમાં 21 રનની પાર્ટનરશિપ કરી હતી.
બેંગલૂરુ વતી ભુવનેશ્વર, યશ દયાલ, જૉશ હૅઝલવૂડ અને કૃણાલ પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી. સુયશ શર્મા અને લિવિંગસ્ટનને વિકેટ નહોતી મળી.
આઇપીએલ-2025માં કઈ ટીમ કેવી સ્થિતિમાં?
ટીમ મૅચ જીત હાર પૉઇન્ટ રનરેટ
દિલ્હી 4 4 0 8 +1.278
ગુજરાત 6 4 2 8 +1.081
બેંગલૂરુ 6 4 2 8 +0.672
લખનઊ 6 4 2 8 +0.162
કોલકાતા 6 3 3 6 +0.803
પંજાબ 5 3 2 6 +0.065
રાજસ્થાન 6 2 4 4 -0.838
હૈદરાબાદ 6 2 4 4 -1.245
મુંબઈ 5 1 4 2 -0.010
ચેન્નઈ 6 1 5 2 -1.554
(તમામ આંકડા રવિવારની રાજસ્થાન-બેંગલૂરુ મૅચના અંત સુધીના છે)