મહારાષ્ટ્ર

બળાત્કાર બાદ બાળકીની હત્યાના કેસના આરોપીનો જેલમાં આપઘાત

થાણે: કલ્યાણમાં 12 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ નિર્દયતાથી તેની હત્યા કરવાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ નવી મુંબઈની તળોજા સેન્ટ્રલ જેલમાં કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિશાલ ગવળી (35) રવિવારના મળસકે 3.30 વાગ્યાની આસપાસ જેલના ટૉઈલેટમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

ગવળી મળસકે ટૉઈલેટમાં ગયો હતો અને ટૉવેલની મદદથી તેણે ગળાફાંસો ખાધો હતો. વારંવાર ઠોકવા છતાં દરવાજો ખોલવામાં ન આવતાં જેલના કર્મચારીઓએ દરવાજો તોડ્યો હતો. જેલના સત્તાવાળાઓને ટૉઈલેટમાંથી ગવળીનો મૃતદેહ મળ્યો હતો, એમ ખારઘર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાંચો: બળાત્કાર અને હત્યાના આરોપી વિશાલ ગવળીની આત્મહત્યાઃ બાળકીના પિતાએ કહ્યું કે

જેલ અધિકારી દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે પંચનામું કર્યું હતું. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા ગવળીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં લઈ જવાયો હતો.

ડિસેમ્બર, 2024માં કલ્યાણમાં 12 વર્ષની બાળકીની બળાત્કાર બાદ હત્યા કરવાનો ગવળી પર આરોપ હતો. ઘટનાને પગલે નાગરિકોમાં આક્રોશ ફેલાયો હતો અને આરોપીને કડક સજા કરવાની માગણી કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ બાળકી કલ્યાણના કોલસેવાડી વિસ્તારમાંથી ગુમ થઈ હતી અને તેનો મૃતદેહ થાણે ગ્રામીણ પોલીસની હદમાં પડઘાના બાપગાંવ ખાતેથી મળી આવ્યો હતો.

આપણ વાંચો: બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી યુવાનને લૂંટનારા કહેવાતા પત્રકાર અને એડવોકેટ ઝડપાયા

આ પ્રકરણે કોલસેવાડી પોલીસે તપાસ કરી આરોપી ગવળી અને તેની પત્ની સાક્ષીની ધરપકડ કરી હતી. ખંડણી માટે બાળકીનું અપહરણ કરવું, બળાત્કાર, હત્યા અને પુરાવાનો નાશ કરવાના આરોપસર ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ દંપતી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ કેસમાં કલ્યાણ પોલીસે દંપતી વિરુદ્ધ ફેબ્રુઆરીમાં 948 પાનાંનું આરોપનામું કોર્ટમાં દાખલ કર્યું હતું. વિશાલ ગવળીએ બળાત્કાર પછી બાળકીની હત્યા કરી હતી, જ્યારે તેની પત્ની સાક્ષીએ મૃતદેહને બાપગાંવ ખાતે ફેંકવામાં મદદ કરી હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button