ઉત્સવ

ઈકો-સ્પેશિયલ: હવે યુએસ-ચીન આમને-સામને: આ વેપાર યુદ્ધમાં ભારતને લાભ થવાની કેટલી આશ…?

ચીન કહે છે, વાટાઘાટ માટે પ્રયાસ કરીશું, પરંતુ બહુ સહન કરવાની તૈયારી નથી. બીજી તરફ, ભારત વાટાઘાટ મારફત વાજબી અને વ્યવહારું માર્ગ માટે પ્રયત્નશીલ છે. આ બન્ને વચ્ચે ટ્રમ્પના નવા નિર્ણયથી સમીકરણ બદલાઈ ગયા છે. હવે ત્રણ મહિનાનો સમય મળ્યો હોવાથી દરેક દેશ પોતાની નવી વ્યૂહરચના બનાવી શકશે…

-જયેશ ચિતલિયા

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે એની લાક્ષણિકતા મુજબ ટૅરિફને લઈને આખરે જબરદસ્ત ટર્ન માર્યો છે. પરિણામે, વિશ્વ વેપારમાં 90 દિવસ બાદ ફરી શું થશે એ કહેવું કઠિન છે. આમ છતાં, હાલમાં જે થવા જઈ રહ્યું હતું તેવું નહી થાય એવી આશા પણ બધાને બંધાઈ છે. આ બધામાં ભારતની દ્રષ્ટિએ જોવા-સમજવાનો પ્રયાસ કરીએ ચીન સામે પડકાર વધ્યા તો ભારત માટે તક વધવાની શકયતા છે.

અલબત્ત. ટ્રમ્પનું આ પરિવર્તન અમેરિકામાંથી પણ એના પર આવેલું દબાણ છે, કેમ કે અમેરિકાનું ભલું કરવા જતા બૂરું થાય તો એ ટ્રમ્પનો પરાજય જ ગણાય. હા, આ બધા વચ્ચે, વિશ્વ આખાને સબક મળ્યો કે શકિતશાળી બનો- આત્મનિર્ભર બનો. માત્ર સરકાર નહીં, ભારતીય પ્રજાએ પણ આ દિશામાં વિચારવું જોઈએ.

અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના ટૅરિફ પોલિસી અંગે વિચિત્ર વલણ, દાદાગીરી, ડિકટેટરશીપ વિરુધ્ધ વિશ્વના વિભિન્ન દેશો વાટાઘાટ માટે સક્રિય થવાની પેરવી કરી રહયા હતા ત્યાં ચીનને કારણે બાજી ફરી ગઈ છે.

આ પણ વાંચો: ઈકો-સ્પેશિયલ : શૅરબજારના સોદા: નકલી ટે્રડિગ એપ્સ વત્તા વોટ્સએપથી સાવધાન

ચીને અમેરિકાના આદેશને લલકારતા ટ્રમ્પની કૂકરી ફરી અને એણે ચીનને કહી દીધું, હવે ભરજો 100 ટકાથી પણ વધુ ડયુટી! આમ કહી બીજી બાજુ ટ્રમ્પે અન્ય દેશોને ટૅરિફમાં 90 દિવસ માટે રાહત આપી દીધી, અર્થાત, પોતે જાહેર કરેલા ટૅરિફના અમલને ત્રણ મહિના માટે હોલ્ટ ( સ્થગિત) પર મૂકી દીધો.

આને પગલે જાણે શેરબજારોએ ઉછળી-ઉછળીને ટ્રમ્પના ટૅરિફ પોઝ (હોલ્ટ)ના નિર્ણયને વધાવી લીધો છે. આ જોઈ હાલ તો બધાં દેશોએ ચીનનો આભાર માનવો પડે એવો માહોલ રચાયો છે.

હા, અહીં એટલું યાદ રહે કે આ 90 દિવસનો ટૅરિફ હોલ્ટ પિરિયડ માત્ર એ દેશો માટે રહેશે , જેમણે ટ્રમ્પનો વિરોધ નથી કર્યો. જોકે ત્યાં હાલ રેસિપ્રોકલ ટૅરિફ નહીં લાગે, દસ ટકા ફિકસ ટૅરિફ રહેશે. બાકીના ચીન સહિતના ચોકકસ દેશો પર ઊંચી જકાત પાકકી છે. એમાં પણ હવે તો ચીન અને અમેરિકા વચ્ચે ગંભીર ટૅરિફ યુધ્ધ ચાલુ થઈ ગયું છે. આ બધાંની અસરથી ગ્લોબલ ઈકોનોમી મુકત રહી શકશે નહીં.

આ પણ વાંચો: ઈકો-સ્પેશિયલ : ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ ગુરુ વોરેન બફેટ કઈ રીતે ઈન્વેસ્ટર તરીકે મૂઠી ઊંચેરા સાબિત થાય છે?

બીજી તરફ, ટ્રમ્પને પોતાના નિર્ણય બદલવા પડયા તેનું કારણ અમેરિકાના વેપાર-ઉદ્યોગ તરફથી એમના પર આવેલું દબાણ છે અન્યથા અમરિકન ઈકોનોમીને પણ ભારે નુકસાન થઈ શકે એમ હતું અને છે.

બે વિરાટ દેશ…

આમ તો અમેરિકાના ટૅરિફ આક્રમણ સામે બે વિરાટ દેશ ઊભા હતા. એક દેશ ચીન ટ્રમ્પ સામે લડવાના મૂડમાં હતું, જયારે ભારત વ્યવહારું બનીને આગળ વધવાની વ્યૂહરચના અપનાવી રહયું હતું. લાંબે ગાળે કોણ કેટલું અને કઈ રીતે સફળ થશે એ તો હાલ કહી શકાય નહીં. આમ છતાં,

હાલ તો ભારત સહિત તમામ દેશોને રાહત મળી ગઈ છે. ‘વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન’ (ડબલ્યુટીઓ) આમ તો વૈશ્વિક સંગઠન ગણાય, પરંતુ અમેરિકા સામે તેનું કેટલું ચાલે છે એ સૌ જાણે છે.

ટ્રમ્પ અત્યારે આક્રોશમાં છે. ચીન સામે જીદે ચઢ્યા છે અને લડી લેવાના મિજાજમાં છે. આ સંજોગોનો લાભ ભારતને મળવાની શકયતા ઊંચી કહી શકાય.

આ પણ વાંચો: ઈકો-સ્પેશિયલ : સોનાનું વર્તમાન અર્થકારણ: ઊંચા ભાવ-ખરીદી-રોકાણ ને વળતરનાં કારણ

આમ તો અમેરિકા કયારેય કોઈનું મિત્ર રહ્યું નથી, આ તો તેની ફિતરત પણ રહી નથી. તેમ છતાં અત્યારે ભારત માટે તક વધી છે. ભારતે આ સંજોગોને ધ્યાનમાં રાખી તેની થિન્ક ટેન્કને સજજ કરી પોતાની વિદેશ વેપાર નીતિને નવેસરથી ઘડવી જોઈએ. ભારત વિકસિત રાષ્ટ્ર બનવા જે રીતે આગળ વધી રહ્યું છે તે મુજબ આ સમયનો પડકાર ઉત્તમ સમય સાબિત થઈ શકે છે.
તાજતેરમાં વેપાર પ્રધાન પીયૂષ ગોયલે આ સંજોગોને ધ્યાનમાં રાખી ખાસ બેઠક યોજી હતી અને અમેરિકા સાથે ભારત 500 અબજ ડૉલરનો દ્વિપક્ષી વેપાર઼ કરવાની સંભાવના ધરાવે છે એવો આશાવાદ પણ દર્શાવ્યો હતો. વાટાઘાટ ને વિચારવા માટે વધુ સમય એક તરફ યુએસએ સામે યુરોપિયન દેશો છે,

બીજી તરફ ભારત અને ચીન છે અને ત્રીજી તરફ અન્ય એશિયન રાષ્ટ્રો છે. બાકી વિયેતનામ સહિતના નાના દેશો પણ છે. શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા નબળા દેશો પણ છે. મેકિસકો અને કેનેડા પણ છે. આ બધા વચ્ચે યુએસએની દાદાગીરી અકબંધ છે. ટ્રમ્પની સામે અમેરિકામાં પણ વિરોધ શરૂ થયો હતો, પણ સત્તા આગળ શાણપણ નકામું.
આ લખાય છે ત્યારે 60 જેટલાં દેશો ટ્રમ્પ સાથે વાટાઘાટ માટે તૈયાર થયા હતા ત્યારે ચીન પણ લડવાના મિજાજ સાથે વાટાઘાટ માટે પણ માર્ગ શોધી રહ્યું હોવાના અહેવાલ ફરતા થયા હતા. જોકે ચીન તરત હાર માની લે એવું નથી. આમ છતાં ચીનની ગ્લોબલ બિઝનેસ પર પણ અસર થવાની શકયતા ખરી.

ચીનના વ્હાઈટ પેપર્સમાં શું છે?

ચીનના વાટાઘાટના પ્રયાસના અહેવાલ સાથે વોલસ્ટ્રીટમાં સુધારો જોવાયો હતો, કારણ કે વાસ્તવમાં વેપાર યુદ્ધ કે વિવાદ લાંબે ગાળે કોઈના હિતમાં નથી અને એ કોઈને પણ પોષાય એમ નથી.

ચીનના પડકાર સામે યુએસ 100 ટકા ઉપર ડયૂટી લાદવા તૈયાર થતા મામલો વધુ બિચકયો હતો. ચીને વ્હાઈટ પેપર્સ બહાર પાડીને પોતે ડયૂટી વધારવાની ફરજ કેમ પડી તેનો હેતુ જણાવ્યો છે અને યુએસ સાથે વાટાઘાટ મારફત સમસ્યાના નિરાકરણ માટે પોતે પ્રયત્ન કરવાનો ઈરાદો પણ વ્યકત કર્યો છે.

આ પણ વાંચો: ઈકો-સ્પેશિયલ: હજી બહુ મોટી સંખ્યામાં રોકાણકારો આવવાના બાકી છે!

અલબત્ત, ચીને ભલે વાટાઘાટનો પ્રયાસ કીધો, પરંતુ તે યુએસની દાદાગીરીને વધુ પડતી સહન કરવા પણ તૈયાર નથી એવો સ્પષ્ટ ઈશારો પણ તેણે કર્યો છે. દરમિયાન, ટ્રમ્પના નવા નિર્ણય બાદ ચીને નવેસરથી વિચારવાની ફરજ પડી છે.

આ મામલે એક શકયતા એવી પણ છે કે ચીન તેનો વધુને વધુ માલ ભારતમાં ઠાલવે એવું બની શકે, ચીનની કરન્સીની વેલ્યુ ડાઉન થઈ છે, જેનું કારણ નિકાસને વધારવાનું છે, કિંતુ જો નિકાસ પર અમેરિકા ઊંચી ડયૂટી લાદીને વળગી રહેશે તો ચીને ભારતમાં અને અન્ય દેશોમાં ડમ્પિંગ કરવાનુ પગલું ભરવું પડે એમ જાણકારો કહે છે.

બીજીબાજુ યુએસના આક્રમક અભિગમને કારણે ચીને ભારત સાથે વેપાર માટે સંબંધો સુધારવાનો પ્રયાસ પણ દર્શાવ્યો છે. વાસ્તવમાં ચીનને આ સંજોગોમાં ભારત સાથે દુશ્મની કરવામાં શાણપણ નહીં લાગે.

અમેરિકાને પણ ભારે પડે, પરંતુ ટૅરિફ યુધ્ધને કારણે જે-તે દેશોમાં વેપાર-ઉદ્યોગની અને ઓવરઓલ અર્થતંત્રની ચિંતા વધી રહી હોવાથી વિશ્વ વેપારની ગાડી ખોરંભે ચઢવાનો ભય પણ વધી રહ્યો હતો. યુએસ લાલ ચીનને મહદઅંશે કટ્ટર હરીફ અને નકકર દુશ્મન માને છે, જયારે ભારત પરનો 26 ટકા ટૅરિફ દર બીજા મોટા ભાગના દેશોની સરખામણીમાં ઓછો છે.

આ પણ વાંચો: ઈકો-સ્પેશિયલ : ઈન્વેસ્ટમેન્ટ જગતમાં વધુ સફળ બની શકે મહિલા મહિલાઓનો મૂળભૂત સ્વભાવ રોકાણ ક્ષેત્રે એને વધુ સક્ષમ બનાવે છે…

ટ્રમ્પના આ ટૅરિફ આક્રમણ વિશ્વસ્તરે તેમજ અમેરિકાના જીડીપી વિકાસ પર પણ મોટા નકારાત્મક પરિણામો લાવી શકે. એટલું જ નહીં, આનાથી વિશ્વસ્તરે તેમજ અમેરિકામાં ફૂગાવાની આગ ભડકે, પણ ટ્રમ્પને શરૂમાં આવું કંઈ લાગતું નહોતું, પરંતુ પછીથી થયેલું ભાન આખરે કામ આવ્યું. દરમ્યાન ભારત મેક ઈન ઈન્ડિયાને વધુ વેગ આપવા સાથે ગ્લોબલ મેન્યુફેકચરિંગ હબ બનવા તરફ આગળ વધવાની ફરજ પડશે.

વિશ્વના અન્ય દેશોનો પણ ભારત તરફી ઝોક વધી શકે. ભારતે આત્મનિર્ભરતા તરફ આગળ વધવા જોર આપવાનું થશે. ભારતને અમેરિકાની જરૂર છે, તેમ અમેરિકાને પણ ભારતની જરૂર છે.

શૅરબજારમાં હજી સાવચેત અને સિલેકટિવ રહેવું પડે.

ભારતીય શેરબજાર તુટવાનું કારણ ગ્લોબલ છે, સ્થાનિક નહીં, ઈન્ડિયન ઈકોનોમી બહેતર સ્થિતિમાં છે અને તેનો ગ્રોથ ચાલુ રહેશે એવી આશા વ્યકત થાય છે. તેમ છતાં રોકાણ બાબતે સાવચેતી જરૂરી છે. આમ હવે પછી શેરબજારનો ટ્રેન્ડ પણ બદલાઈ શકે, જોકે રોકાણકારો માટે સિલેકટેડ રહેવું પડે અને સાવચેત પણ. સેકટરવાઈઝ અસર પણ જોવી પડે. આગામી ત્રણ મહિના બાદ બધું સારું થઈ જશે એવા ભ્રમમાં પણ રહેવાય નહીં. આ ટ્રમ્પ સાહેબ છે, એ અનાડી નિર્ણયો લેવા કુખ્યાત છે : કુછ ભી હો સકતા હૈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button