ફરી UPI સેવા થઈ ઠપ! યુઝર્સને ડિજિટલ ચુકવણીમાં મુશ્કેલી

નવી દિલ્હી: UPI સેવા ફરી એકવાર અચાનક ઠપ્પ થઈ ગઈ હતી. જેના કારણે અનેક લોકોને ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડાઉન ડિટેક્ટર વેબસાઇટે પણ આ આઉટેજ વિશે માહિતી આપી હતી. ડાઉન ડિટેક્ટરે આપેલી માહિતી અનુસાર UPI માં સવારે 11:26 વાગ્યાથી સમસ્યાનું શરૂઆત થઈ હતી. યુઝર્સે સૌથી વધુ મુશ્કેલીનો સામનો 11:41 વાગ્યા આસપાસ કરવો પડ્યો હતો.
ડાઉન ડિટેક્ટર વેબસાઇટે આપી માહિતી
પ્રાપ્ત વિગતો અનુસાર દિલ્હી-એનસીઆર સહિત ભારતના ઘણા શહેરોમાં શનિવારે બપોરે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સેવા અચાનક ઠપ્પ થઈ ગઈ હતી. આ દરમિયાન ઘણા લોકોને UPI દ્વારા ચુકવણી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડાઉન ડિટેક્ટર વેબસાઇટ કે જે આઉટેજને ટ્રેક કરે છે, તેણે આ આઉટેજ વિશે માહિતી આપી હતી. આ આઉટેજની અસર પેટીએમ, ફોનપે અને ગુગલ પેના યુઝર્સ પર જોવા મળી હતી.
એક વર્ષમાં UPI ડાઉન થવાનો છઠ્ઠો કિસ્સો
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં UPI ડાઉન થવાનો આ છઠ્ઠો કિસ્સો છે. આજે સવારે ઘણા લોકોને UPI દ્વારા ચુકવણી કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ડાઉન ડિટેક્ટરે જણાવ્યું હતું કે સવારે 11.26 વાગ્યાની આસપાસ લોકોએ UPI માં સમસ્યાઓની ફરિયાદ કરી હતી. સવારે 11:41 વાગ્યા સુધીમાં 222 થી વધુ ફરિયાદો મળી હતી. લોકોને ડિજિટલ પેમેન્ટ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
આ પણ વાંચો: BIMSTEC સંમેલનમાં PM મોદીના આ પ્રસ્તાવથી થાઈલેન્ડ-ભૂટાનમાં પણ વાગશે UPIનો ડંકો!
યુઝર્સે X પર કર્યું ટ્વીટ
UPIના આઉટેજ વિશે ઘણા લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ફરિયાદ કરી હતી. ઘણા યુઝર્સે લખ્યું હતું કે તેમને Paytm અને Google Pay જેવી એપ્સ પર ચુકવણી કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક યુઝરે કહ્યું, ‘આજે ફરી UPI ડાઉન છે, બધી ચૂકવણી નિષ્ફળ થઈ રહી છે.’ જો અગાઉથી ખબર હોત કે UPI કામ નહીં કરે તો સારું થાત.