ગાંધીનગરટોપ ન્યૂઝ

ગાંધીનગરમાં આગને બુઝાવવા સમયે ગેસ સિલિન્ડરમા બ્લાસ્ટ; ફાયર કર્મચારીઓ દાઝ્યા

ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આગની ઘટનાઓમાં વધારો થયો છે. ગઇકાલે અમદાવાદના ખોખરા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગની ઘટનાએ ખૂબ જ ચિંતા વધારી હતી. ત્યારે હવે ગાંધીનગરમાં બનેલી એક ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. જ્યાં ગાંધીનગરનાં સેક્ટર 4માં ગેસના બાટલામાં જોરદાર બ્લાસ્ટ થતાં આગ ઓલવવા આવેલા 4 ફાયર ફાઈટર્સ ઈજાગ્રસ્ત થઇ ગયા હતા.

ગેસ સિલિન્ડરમાં ભયાનક વિસ્ફોટ

પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગરના સેક્ટર-4માં મોડી રાત્રે એક આગની ઘટના બની હતી. ગાર્ડન નજીકના શુલભ શૌચાલય પાસેના ઝૂંપડામાં આગ લાગતા આ બાબતે સ્થાનિક રહેવાસીએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ચાર ફાયર ફાઈટર્સ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ઝૂંપડામાં રહેલા ગેસ સિલિન્ડરમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ચાર ફાયર કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.

આ ઘટના અંગે ફાયર ફાઈટર્સ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું કે ગાંધીનગરના સેક્ટર 4 માં રહેણાંક વિસ્તારમાં આગ લાગી તેવી માહિતી આપતો એક કોલ આવ્યો હતો જેના પર ત્વરિત કાર્યવાહી કરતાં ટીમને રવાના કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચતા જ ટીમ દ્વારા આગ ઓલવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવતા જ મકાનમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેની લપેટમાં ફાયર ફાઈટર્સ ટીમના સભ્યો આવી ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદના ખોખરાની બહુમાળી ઈમારતમાં લાગી આગઃ 18 લોકોનું કરાયું રેસ્ક્યૂ

ચાર ફાયર કર્મચારીઓ ઇજાગ્રસ્ત

ઈજાગ્રસ્ત ફાયર કર્મચારીઓમાં મહાવીરસિંહ, રણજીત ઠાકોર, વિપુલ રબારી અને ભૂપેન્દ્રનો સમાવેશ થાય છે. તમામને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ચારેયની હાલત અત્યારે ગંભીર જણાવાઈ રહી છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.

ઘટના સમયે ઝૂંપડામાં કોઈ હાજર ન હતું, જે એક મોટી જાનહાની ટળી હતી. ઝૂંપડામાં એક શ્રમજીવી પરિવાર રહે છે, જે ગાર્ડનમાં માળી તરીકે કામ કરે છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button