અમદાવાદના ખોખરાની બહુમાળી ઈમારતમાં લાગી આગઃ 18 લોકોનું કરાયું રેસ્ક્યૂ

અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીની સાથે સાથે આગની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે સુરતનાં વેસુમાં લક્ઝુરિયસ ફ્લેટ હેપ્પી એન્કલેવમાં સાતમા માળે આગ લાગવાની ઘટના ઘટી હતી ત્યાર બાદ હવે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. આ ઘટનામાં 18 જેટલા લોકોનું ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
મહિલાએ સાહસ કરીને બાળકોને બચાવ્યાં
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આગની ઘટના ઘટી હતી. જેમા પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમા ચોથા માળ પર આગ લાગવાની ઘટના બની હતી.
આગની ઘટના બાદ સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. જેમાં એક મહિલાએ ભારે સાહસ દાખવીને બાળકોને બચાવ્યા હતા જે જોઈને લોકો દંગ રહી ગયા હતા, જ્યારે એ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ બાળકોને બચાવનારાની પ્રશંસા કરી હતી.
આપણ વાંચો: રાજકોટમાં સુરત જેવી આગની ઘટના, 2 લોકોનાં મૃત્યુ
આગ પર નિયંત્રણ મેળવ્યા પછી વધુ લોકોને બચાવાયાં
આગની ઘટનાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતો અને ઘટનાની જાણ થતાની સાથે જ સાત ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
આગ લાગવાની ઘટનામાં એપાર્ટમેન્ટના રહીશો દોડી આવ્યા હતા. મળી રહેલા અહેવાલો અનુસાર ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો અને 18 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
સુરતના વેસુમાં પણ આગની ઘટના
સુરતના વેસુમાં લક્ઝુરિયસ ફ્લેટ હેપ્પી એન્કલેવમાં 7માં માળે લાગેલી આગ ત્રણ માળ સુધી ફેલાઈ છે. હાલમાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ થઈ રહ્યા છે.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જોકે બિલ્ડીંગ અંદર કોઇ ફસાયેલું છે કે નહી તે અંગે હજુ સુધી કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી.
આપણ વાંચો: Tirupati Templeમાં આગની ઘટના, રાહત અને બચાવ કાર્ય શરૂ
રાજકોટમાં લાગી હતી આગ
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 14મી માર્ચે ધુળેટીના દિવેસ રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ લક્ઝુરિયસ એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી હતી. જેમાં બે પિતરાઈ ભાઈ સહિત ત્રણ લોકોના મોત થયા હતા.