ટોપ ન્યૂઝનેશનલ

વકફ કાયદા અંગે NDA માં મતભેદ? NDAના ઘટક પક્ષના વિધાનભ્યએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

નવી દિલ્હી: લોકસભા અને રાજ્યસભામાં મેરાથોન ચર્ચા બાદ વક્ફ અમેન્ડમેન્ટ બિલ, 2025 પસાર કરવામાં આવ્યું હતું. શનિવારે 5 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી પણ આ બિલને મંજુરી આપી દીધી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારના એક નિવેદન મુજબ વક્ફ અમેન્ડમેન્ટ એક્ટ, 2025 (Waqf Amendment Act,2025) મંગળવારથી અમલમાં આવી ગયો છે. એવામાં આ કાયદા મામલે શાસક ગઠબંધન નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) મતભેદોના અહેવાલ છે.

અહેવાલ મુજબ NDAના ઘટક પક્ષ નેશનલ પીપલ્સ પાર્ટી ઈન્ડિયા (NPP) ના નેતા અને મણિપુરના ખેત્રાગાંવ મતવિસ્તારના વિધાનસભ્ય શેખ નુરુલ હસન (Noorul Hassan)એ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં વક્ફ અમેન્ડમેન્ટ એક્ટ, 2025ની બંધારણીય માન્યતાને પડકારી હતી.

અરજીમાં આવી દલીલ કરવામાં આવી:

NPP ના વિધાનસભ્ય નુરુલ હસને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં વકફ કાયદામાં કરવામાં આવેલા સુધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે, જે ઇસ્લામનું પાલન કરતા અનુસૂચિત જનજાતિ (ST) ને તેમની મિલકત વકફને આપવાથી વંચિત રાખે છે. અરજીમાં જણાવાયું છે કે આ તેમના પોતાના ધર્મનું પાલન કરવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે.

આ પણ વાંચો: મમતા બેનર્જીએ કહ્યું પશ્ચિમ બંગાળમા વકફ કાયદાને લાગુ નહિ થવા દઈએ, વકફ મિલકતોની સુરક્ષા કરાશે

નુરુલ હસને દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે વકફ સુધારા અધિનિયમ, 2025 ની કલમ 3E અનુસૂચિત જનજાતિના સભ્યોની માલિકીની જમીન (પાંચમી કે છઠ્ઠી અનુસૂચિ હેઠળ) ને વકફ મિલકત તરીકે જાહેર કરવા પર રોક લગાવે છે. કાયદામાં કરવામાં આવેલા આ સુધારા માત્ર મનસ્વી જ નથી પરંતુ મુસ્લિમ ધાર્મિક સંપત્તિઓને નિયંત્રિત કરવાનો પ્રયાસ પણ છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે કાયદામાં કરવામાં આવેલા સુધારા મનસ્વી નિયંત્રણો લાદે છે અને ઇસ્લામિક ધાર્મિક દાન પર રાજ્યનું નિયંત્રણ વધારે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે વકફ કાયદામાં કરવામાં આવેલા ફેરફારો વકફના ધાર્મિક ચરિત્રને નુકશાન પહોંચાડશે, તેમજ વકફ અને વકફ બોર્ડના વહીવટમાં લોકશાહી પ્રક્રિયાને પણ નુકસાન પહોંચાડશે.

નુરુલ ઉપરાંત, તૃણમૂલ કોંગ્રેસ(TMC) સાંસદ મહુઆ મોઇત્રાએ પણ આ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી અને તેને રદ કરવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી.

આ પણ વાંચો: વકફ કાયદાના વિરોધ વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન, કહ્યું નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે…

નોંધનીય છે કે સંસદમાં ડિબેટ દરમિયાન વિરોધ પક્ષો બિલનો સખત વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષોએ બિલને “મુસ્લિમ વિરોધી” અને “ગેરબંધારણીય” ગણાવ્યું અહ્તુંન, જ્યારે સરકારે તેને લઘુમતી સમુદાયને લાભ આપવાના હેતુથી “ઐતિહાસિક સુધારો” ગણાવીને બિલનો બચાવ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button