મુંબઈનો વધુ એક અંગ્રેજોના જમાનાનો બ્રિજ 2 વર્ષ માટે બંધ

મુંબઈઃ મુંબઈમાં પૂર્વ-પશ્ચિમ વિસ્તાર જોડવામાં મહત્વની કડી ધરાવતો એક સદી વધુ એક જૂના બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. મુંબઈના સૌથી જાણીતા એલ્ફિન્સ્ટન રોડ ઓવરબ્રિજ (આરઓબી)નું પુનર્નિર્માણ કરવાનું હોવાથી આજથી બે વર્ષ માટે વાહનવ્યવહાર માટે બ્રિજ બંધ રહેશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના શિવડી વરલી એલિવેટેડ કનેક્ટર પ્રોજેક્ટના ભાગરૂપે મધ્ય મુંબઈમાં પરેલ અને પ્રભાદેવી વિસ્તારોને જોડતી આરઓબીના તોડકામ અને પુનઃ નિર્માણ માટે બંધ કરવામાં આવશે.
આ બંધને કારણે વિશેષ રૂપે મધ્ય મુંબઈના દાદર, લોઅર પરેલ, કરી રોડ અને ભારતમાતા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાશે. તોડી પાડવામાં આવનારો હાલનો એલ્ફિન્સ્ટન પુલ ૧૩ મીટર પહોળો છે અને આજની તારીખમાં દરેક દિશામાં માત્ર ૧.૫ લેનનો ટ્રાફિક ધરાવે છે.
આ પણ વાંચો: પલાવા બ્રિજ ક્યારે શરૂ થશેઃ મનસેના બેનરમાં કુનાલ કામરા દેખાતા વાદ-વિવાદ
૧૦૦ વર્ષથી વધુ જૂના બ્રિજને સમયસર તોડી પાડવો એક પડકાર છે. ચોમાસુ શરૂ થવા પહેલા કામ પૂરું કરવાની ધારણા છે. બ્રિજના તોડકામ પછી આધુનિક ડબલ-ડેકર માળખા માટે માર્ગ મોકળો થશે, જે મહાનગરમાં પૂર્વ-પશ્ચિમ કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થશે તેવી અપેક્ષા છે.
નવા ડબલ ડેકર બ્રિજના પ્રથમ લેવલમાં ડો.બાબાસાહેબ આંબેડકર રોડ અને સેનાપતિ બાપટ રોડ વચ્ચેના ટ્રાફિક માટે ટૂ પ્લસ ટૂ લેનનો કેરેજ વે હશે, જ્યારે બીજા લેવલમાં મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ, જે અટલ સેતુ તરીકે પણ ઓળખાય છે)થી બાંદ્રા વર્લી સી લિન્ક (બીડબલ્યુએસએલ) સુધીના ટ્રાફિક માટે ટૂ પ્લસ ટૂ લેનનો કેરેજ વે હશે. શિવડી-વરલી એલિવેટેડ કનેક્ટર ૪.૫ કિલોમીટર લાંબો હશે અને તેમાં ફોર-લેન (ટૂ પ્લસ ટૂ) આવનજાવન માટે હશે. આને પગલે મુસાફરીના સમયમાં ઘટાડો થશે.