ગુજરાત ટાઇટન્સ વિજયી ચોક્કા સાથે પોઈન્ટ્સ ટેબલમાં મોખરે
કેપ્ટન ગિલ કહે છે કે ‘અમે 220 રન તો કોઈ પણ દિવસે બનાવી શકીએ'

અમદાવાદ: ગુજરાત ટાઇટન્સે (20 ઓવરમાં 217/6) ગઈ કાલે રાજસ્થાન રોયલ્સ (19.2 ઓવરમાં 159/10)ને 58 રનના તોતિંગ માર્જિનથી હરાવીને સતત ચોથો વિજય મેળવ્યો હતો અને પોઇન્ટ્સ-ટેબલમાં આઠ પોઇન્ટ સાથે મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. બીજી તરફ, રાજસ્થાન (RR)ની ટીમ પાંચમાંથી હવે ત્રણ મૅચ હારી છે અને ટેબલમાં એક સાતમા સ્થાને છે.
જીટી (GT)નો ઓપનર અને મૅન ઑફ ધ મૅચ બી. સાઈ સુદર્શન (82 રન, 53 બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર) પાંચ મૅચમાં ત્રીજી અડધી સદી ફટકારીને આઈપીએલ (IPL-2025)ની આ સીઝનના તમામ બૅટ્સમેનોમાં બીજા નંબરે છે. તેણે કુલ 273 રન કર્યા છે. પ્રથમ ક્રમે લખનઊનો નિકોલસ પુરન (288 રન) તેનાથી માત્ર 15 રન આગળ છે.
સુદર્શને મૅચ-વિનિંગ હાફ સેન્ચુરી કરવા ઉપરાંત બે અફ્લાતૂન કૅચ પણ ઝીલ્યા હતા. તેણે ધ્રુવ જુરેલ (પાંચ રન)નો અને મહીશ થીકશાના (પાંચ રન)નો નીચો કૅચ પકડ્યો હતો.

જીટીના કેપ્ટન શુભમ ઘી લે મેચ પછી કહ્યું હતું કે ‘સુદર્શન ખૂબ ટેલન્ટેડ બૅટ્સમૅન છે. તેણે જૉસ બટલર સાથે 80 રનની ભાગીદારી કરીને વિજયનો પાયો નાખ્યો હતો. મને અમારા બૅટ્સમેનો પર એટલો બધો ભરોસો છે કે અમે 220 રન તો કોઈ પણ દિવસે બનાવી શકીએ.’
આ પણ વાંચો: ગુજરાતની પ્રથમ બૅટિંગ: બટલરની આજે ભૂતપૂર્વ ટીમ રાજસ્થાન સામે પરીક્ષા…
રાજસ્થાનના શિમરૉન હેટમાયર (52 રન, 32 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)એ રાજસ્થાનને જીતાડવા સૌથી મોટું યોગદાન આપ્યું હતું. તેણે રાજસ્થાનને જિતાડવા ઘણા પ્રયત્નો કર્યા હતા. ખરેખર તો જીટીના બોલર્સે તેને ઘણી વાર મુશ્કેલીમાં મૂકી દીધો હતો અને એકંદરે તેને ખૂબ કાબૂમાં રાખ્યો હતો. બીજી તરફ, જીટીના બોલર્સે સામા છેડે એક પછી એક વિકેટ લીધી હતી જેને લીધે હેટમાયર કોઈની પણ સાથે મોટી ભાગીદારી નહોતો કરી શક્યો.
કેપ્ટન સંજુ સેમસન (41 રન, 28 બૉલ, બે સિક્સર, ચાર ફોર) અને ભૂતપૂર્વ કાર્યવાહક સુકાની રિયાન પરાગ (26 રન, 14 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) વચ્ચેની ત્રીજી વિકેટ માટેની મોટી ભાગીદારી બની રહી હતી ત્યારે એવું લાગતું હતું કે રાજસ્થાન 218નો લક્ષ્યાંક મેળવી શકશે. જોકે આ વખતે આઈપીએલમાં પહેલી જ વખત રમી રહેલા લેફ્ટ આર્મ પેસ બોલર કુલવંત ખેજરોલિયાએ રિયાનને વિકેટકીપર જૉસ બટલરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો એ સાથે રાજસ્થાનના વળતા પાણી શરૂ થઈ ગયા હતા. રિયાન અને સૅમસન વચ્ચે 48 રનની પાર્ટનરશિપ થઈ હતી.
રિયાન પોતાની વિકેટના ગ્રાઉન્ડ અમ્પાયરના તેમ જ થર્ડ અમ્પાયરના નિર્ણયથી નારાજ હતો. તેણે ગ્રાઉન્ડ અમ્પાયર સાથે થોડી દલીલ પણ કરી હતી, પરંતુ અમ્પાયરે તેને જતા રહેવા કહ્યું હતું. રિયાનનું એવું માનવું હતું કે બૉલ તેના બૅટને અડયો જ નહોતો. જોકે થર્ડ અમ્પાયર ઍડ્રિયન હૉલ્ડસ્ટૉકનું ફાઈનલ ડિસિઝન તેણે માનવું જ પડ્યું હતું. ઓપનર યશસ્વી જયસ્વાલ (પાંચ રન) ફરી એકવાર ફ્લૉપ રહ્યો હતો. નીતીશ રાણા અને શુભમ દુબે ફક્ત એક-એક રન કરીને આઉટ થઈ ગયા હતા.
જીટીના વિજયમાં પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના (4-0-24-3)નું પણ મહત્વનું યોગદાન હતું.
ખરેખર તો જીટીના તમામ છ બોલરને વિકેટ મળી હતી. ક્રિષ્ના ઉપરાંતના બીજા પાંચ બોલરના પર્ફોર્મન્સ આ મુજબ હતા: રાશીદ ખાન (4-0-37-2), સાઈ કિશોર (2.2-0-20-2), અર્શદ ખાન (2-0-19-1), મોહમ્મદ સિરાજ (4-0-30-1) અને કુલવંત ખેજરોલિયા (3-0-29-1).
આ પણ વાંચો: ગુજરાત ટાઇટન્સની ટીમને ઝટકો, આ ખેલાડી અંગત કારણસર સ્વદેશ પાછો ગયો
એ પહેલાં, જીટીની ઈનિંગ્સમાં સુદર્શનના 82 રન ઉપરાંત બટલરે 36 રન અને એમ. શાહરૂખ ખાને 36 રન કર્યા હતા. રાહુલ તેવાટિયા આક્રમક ઇનિંગ્સમાં 24 રને અણનમ રહ્યો હતો. રાશીદ ખાને એક સિક્સર અને એક ફોરની મદદથી ચાર બૉલમાં બાર રન કર્યા હતા. જીટીના બોલર્સમાં તુષાર દેશપાંડે અને થીકશાનાએ બે-બે વિકેટ લીધી હતી.
જીટી અને રાજસ્થાનની મૅચ હવે કોની સામે
ગુજરાત ટાઇટન્સ (જીટી)ની હવે શનિવારે લખનઊમાં લખનઊ સુપર જાયન્ટ્સ સામે મૅચ (બપોરે 3.30થી) રમશે. રાજસ્થાન રોયલ્સનો આગામી મુકાબલો રવિવારે (બપોરે 3:30થી) જયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી) સામે થશે.
આજે કોની વચ્ચે મૅચ રમાશે?
આજે સાંજે 7.30 વાગ્યાથી બેંગલૂરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) અને દિલ્હી કેપિટલ્સ (ડીસી) વચ્ચે ટક્કર છે. આરસીબી ચારમાંથી ત્રણ મૅચ જીતી છે, જ્યારે દિલ્હીએ ત્રણે ત્રણ મૅચમાં વિજય મેળવ્યો છે.